Business

મારુતિએ બનાવી ઉડતી કાર: મકાનની છત પર થઈ શકશે પાર્ક, જાણો ક્યારે થશે લોન્ચ?

નવી દિલ્હી(NewDelhi) : દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની હવે માત્ર જમીન પર જ નહીં પરંતુ હવામાં પણ ઉડવાની તૈયારી કરી રહી છે. મારુતિ સુઝુકી (MarutiSuzuki) તેની પેરેન્ટ કંપની સુઝુકી સાથે મળીને ઇલેક્ટ્રિક એર કોપ્ટર (ElectricAirCopter) બનાવવાની તૈયારી કરી રહી છે. શરૂઆતમાં કંપની તેને જાપાન (Japan) અને અમેરિકા (America) જેવા માર્કેટમાં લોન્ચ કરશે. બાદમાં તેને ભારતીય (India) માર્કેટમાં પણ લોન્ચ કરાશે.

  • સુઝુકી મોટર કોર્પોરેશન સાથે ભાગીદારીમાં બનાવાશે ઉડતી કાર
  • મારૂતિએ આ ઈલેક્ટ્રિક એર કોપ્ટરને સ્કાઈડ્રાઈવ નામ આપ્યું
  • જાપાન, અમેરિકા બાદ ભારતના બજારમાં થશે લોન્ચ
  • ડ્રોન કરતા મોટી અને હેલિકોપ્ટર કરતા નાની કારમાં 3 જણા બેસી શકશે

મારુતિ સુઝુકીએ તેની મૂળ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન સાથે ભાગીદારી કરી છે. આ કંપનીમાં હવામાં ઉડતા ઇલેક્ટ્રિક કોપ્ટરનું ઉત્પાદન કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એર કોપ્ટર ડ્રોન (Dron) કરતા મોટા હશે પરંતુ સામાન્ય હેલિકોપ્ટર (helicopter) કરતા નાના હશે. પાયલોટ સહિત ઓછામાં ઓછા 3 લોકો માટે બેઠક વ્યવસ્થા હશે.

રિપોર્ટ અનુસાર કંપની આ એર કોપ્ટરને સૌથી પહેલા જાપાન અને અમેરિકાના માર્કેટમાં એર ટેક્સી (AirTaxi) તરીકે લોન્ચ કરશે. ત્યાર બાદ તેને ભારતીય બજારમાં લાવવાની યોજના છે. કંપની માત્ર તેને ભારતીય બજારમાં લોન્ચ કરવા માટે તૈયાર નથી પરંતુ તેની કિંમત ન્યૂનતમ રાખવા માટે સ્થાનિક મેન્યુફેક્ચરિંગ પર પણ વિચાર કરી રહી છે.

સુઝુકી મોટરના આસિસ્ટન્ટ મેનેજર કેન્ટો ઓગુરાએ જણાવ્યું હતું કે આ પ્લાનને વાસ્તવિકતામાં ફેરવવા માટે એવિએશન રેગ્યુલેટર (DGCA) સાથે ચર્ચા ચાલી રહી છે. સ્કાયડ્રાઈવ (Skydrive) નામનું ઈલેક્ટ્રિક એર કોપ્ટર જાપાનમાં 2025ના ઓસાકા એક્સપોમાં (OsakaExpo) લોન્ચ થવાની ધારણા છે.

મારુતિ ‘મેક ઈન ઈન્ડિયા’ (MakeInIndia) કોન્સેપ્ટ હેઠળ આ ટેક્નોલોજી ભારતમાં રજૂ કરવા માગે છે. કંપની હાલમાં સંભવિત ગ્રાહકો અને ભાગીદારોની શોધમાં ભારતીય બજાર પર સંશોધન કરી રહી છે. ઓગુરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એર કોપ્ટર ભારતમાં સફળ થવા માટે પોસાય તેવા હોવા જરૂરી છે.

મારુતિનું કોપ્ટર હેલિકોપ્ટરથી કેવી રીતે અલગ છે?
મારુતિનું 1.4 ટન વજન ધરાવતું ઈલેક્ટ્રિક એર કોપ્ટર ટેક ઓફ કરતી વખતે પરંપરાગત હેલિકોપ્ટર કરતાં લગભગ અડધા વજનનું હશે. આ હળવા વજનથી તે ટેક-ઓફ અને લેન્ડિંગ માટે મકાનની છતનો ઉપયોગ કરી શકશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિફિકેશનને કારણે એર કોપ્ટરના ઘટકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનાથી તેના ઉત્પાદન અને જાળવણી ખર્ચ બંનેમાં ઘટાડો થશે.

Most Popular

To Top