SURAT

મોતનો લાઈવ વીડિયો: ત્રીજા માળેથી એર કોમ્પ્રેસર ટેન્ક બોમ્બની જેમ યુવકના માથે પડ્યું, સુરતની ઘટના

સુરત(Surat) : શહેરમાં હચમચાવી દેનારી ઘટના બની છે. ત્રીજા માળેથી એર કોમ્પ્રેસર ટેન્ક (AirCompressorTank) નીચે યુવકના માથે બોમ્બની જેમ પડ્યું હતું. ભારે ભરખમ ટેન્ક માથા પર પડતા યુવકનું માથું ફાટી ગયું હતું અને ક્ષણભરમાં તેના પ્રાણ પંખેરું ઉડી (Death) ગયા હતા. આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે.

  • આંજણા ફાર્મ ખાતે આવેલી જય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ઘટના
  • લિફ્ટ તૂટી જતા એર કોમ્પ્રેસર ટેન્ક ત્રીજા માળેથી નીચે પડ્યું
  • સામાન ખસેડી રહેલાં કારીગરના માથે વજનદાર ટેન્ક પડયું
  • એક કારીગરનું ઘટના સ્થળે મોત, બીજાને ગંભીર ઈજા

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા. 12 ફેબ્રુઆરીની સવારે આંજણા ફાર્મ ખાતે આવેલી જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આઘાતજનક ઘટના બની હતી. અહીં એક એબ્રોડરીના ખાતાની નીચે બે કારીગરો સામાન ખસેડવાની કામગીરી કરી રહ્યાં હતાં. ત્યારે ખાતાના ત્રીજા માળેથી લિફ્ટમાં એર કોમ્પ્રેસર ટેન્ક ઉતરવામાં આવી રહ્યું હતું. અચાનક લિફ્ટ તૂટી ગઈ હતી, જેના લીધે વજનદાર એર કોમ્પ્રેસર ટેન્ક બોમ્બની જેમ નીચે પડ્યું હતું. જે સીધું નીચે એક કારીગરના માથે પડ્યું હતું. આ દુર્ઘટનામાં ખાતાના કારીગર લલન રામ મિશ્રા (ઉં.વ.30 ) અને ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માલી (ઉ.વ.40 ) ને ગંભીર ઈજાઓ થઇ હતી.

ટેન્ક માથે પડતાં લલન મિશ્રાનું માથું ફાટી ગયું હતું અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે અન્ય કારીગર પારસ માલીને ઈજાગ્રસ્ત હાલત 108 એમ્બ્યુલેન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે જાણ થતા જ સલાબતપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થળ પરની તપાસ કરી હતી.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મરણ જનાર લલન મિશ્રા એમ્બ્રોઈડરીના ખાતામાં કામ કરતો હતો અને ખાતાના નંબર 311માં જ રહેતો હતો. તેના ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top