SURAT

સુરત રેલવે પોલીસની બહાદુરી, ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા વૃદ્ધ દંપતિનો જીવ બચાવ્યો, CCTV આવ્યા સામે

સુરત(Surat): સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) પર હૃદયનો ધબકારો ચૂકી જાય તેવી હચમચાવી દેનારી ઘટના બની છે. દોડતી ટ્રેનમાં ચઢવા જતાં વૃદ્ધ દંપતિ (OldCouple) ટ્રેન (Train) અને પ્લેટફોર્મ (Platform) વચ્ચે ફસાઈ ગયું હતું. નજીકમાં ઉભેલા રેલવે પોલીસના (RailwayPolice) જવાને આ દ્રશ્ય જોતાં તે વીજળીની ઝડપે દોડી ગયો હતો અને બહાર ખેંચી બંનેના જીવ બચાવી લીધા હતા. આ સમગ્ર ઘટના પ્લેટફોર્મના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો જોતા લાગે છે કે જો એક સેકન્ડ પણ મોડું થતે તો વૃદ્ધ દંપતિએ જીવ ગુમાવ્યો હોત.

  • સુરત રેલવે સ્ટેશન પર ચોંકાવનારી ઘટના બની
  • દોડતી ટ્રેનમાં ચઢવા જતા વૃદ્ધ દંપતિ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયું
  • આરપીએફના જવાને વીજળીક ગતિથી દોડી જઈ બંનેને બહાર ખેંચી બચાવ્યા
  • સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો આવ્યો સામે

આ સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર ગઈકાલે રવિવારે તા. 11 ફેબ્રુઆરીના રોજ સુરત રેલવે સ્ટેશન પર દોડતી ટ્રેનમાં એક વૃદ્ધ દંપતિ ચઢવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ત્યારે પગ લપસી જતા વૃદ્ધ દંપતિ પૈકી મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ ગઈ હતી. પુરુષ તેને બચાવવા પ્રયાસ કરી રહ્યો હતો.

દરમિયાન નજીકમાં ઉભેલા રેલવે પોલીસના એએસઆઈની નજર આ ઘટના પર પડી હતી. તેણે વીજળીની ઝડપે દોડી જઈ દંપતિનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના રેલ્વે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વધુમાં જાણવા મળ્યા મુજબ આ વૃદ્ધ દંપતિ ઉધના વિસ્તારમાં રહે છે. 61 વર્ષીય રામશ્રય શ્રીવાસ્તવ પત્ની શકુંતલા દેવી સાથે રવિવારે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 3 પર જયપુર પુણે એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી.

આ વૃદ્ધ દંપતિને કઈ ટ્રેનમાં જવાનું છે તેની ચોક્કસ માહિતી ન હતી. તેથી તેઓએ જયપુર પુણે એકસપ્રેસ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દંપતીનો પગ લપસી જાય છે અને તેઓ ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જાય છે. ત્યારે દેવદૂત બનીને રેલવે પોલીસના એએસઆઇ ઈસરાર બૈગ ત્યાં દોડી જઈ બંનેનો જીવ બચાવ્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે, પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયેલા વૃદ્ધ દંપતિને જોઈ એએસઆઈ ઈસરાર બેગ તરત જ તેમને કાઢવા માટે પ્રયત્ન કરે છે. દરમિયાન પ્લેટફોર્મ પર ઉભેલા બીજા મુસાફરો પણ દંપતિની મદદ માટે દોડી જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે. આરપીએફના જવાન જેઓ બોરીવલી ઝોનના છે, આ વૃદ્ધ દંપત્તીને ASI ઈઝરાર બેગે પોતાનો જીવ જોખમમાં મુકીને હિંમત પૂર્વક બચાવી લીધું હતું.

Most Popular

To Top