Latest News

More Posts

વાઘના વંશવેલાના સંવર્ધન માટે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ

સાગટાળા અને કજેટા રેન્જમાં વાઘની સતત દેખરેખ, 14 નાઈટ વિઝન કેમેરાથી મોનિટરિંગ

NTCA અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટની ટીમે વનકર્મીઓને આપી વિશેષ તાલીમ

દાહોદ, તા. 29

ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. દાહોદના જંગલોમાં મધ્યપ્રદેશથી આવેલા વાઘે વસવાટ શરૂ કર્યો છે ત્યારે આ વિસ્તારમાં વાઘનો કાયમી વસવાટ અને તેના વંશવેલાનું સંવર્ધન થાય તે હેતુથી રાજ્ય સરકાર અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મધ્યપ્રદેશમાંથી બે વાઘણોને દાહોદના જંગલ વિસ્તારમાં લાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે વન વિભાગ દ્વારા વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એપ્રિલ મહિનાના અંતમાં NTCA અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII), દહેરાદૂનની ટાઈગર સેલની નિષ્ણાત ટીમોએ દાહોદની મુલાકાત લઈને સ્થાનિક વનકર્મીઓને ત્રણ દિવસ સુધી વિશેષ તાલીમ આપી હતી.

તાલીમ દરમિયાન વાઘના સંરક્ષણ, દેખરેખ, સુરક્ષા અને મોનિટરિંગ સહિતની વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, વાઘના પંજાના નિશાન પરથી નર અને માદા વાઘની ઓળખ કેવી રીતે કરવી તેની પણ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.

હાલમાં દાહોદ નજીક આવેલા સાગટાળા જંગલ વિસ્તારમાં વાઘની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાઘના ચોક્કસ લોકેશન અને તેની હલનચલન અંગે માહિતી મેળવવા માટે જંગલ વિસ્તારમાં 14 જેટલા અત્યાધુનિક નાઈટ વિઝન કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં વાઘ દાહોદની કજેટા અને સાગટાળા રેન્જ વિસ્તારમાં સ્થાયી થયેલો જોવા મળ્યો છે. ટૂંક સમયમાં મધ્યપ્રદેશથી બે વાઘણોને અહીં લાવીને જંગલમાં મુક્ત કરવામાં આવશે, જેથી આ વિસ્તારમાં વાઘની પ્રજાતિનો વિકાસ અને સંવર્ધન થઈ શકે.

વન્યજીવ નિષ્ણાતોના મતે, આ પ્રોજેક્ટ સફળ બનશે તો ગુજરાતના વન્યજીવ ઇકોસિસ્ટમને નવી દિશા મળશે તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ દાહોદ રાજ્યના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી શકે છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

To Top