Latest News

More Posts

મેન્ડેટ મોડું જાહેર થતાં પૂર્વ ધારાસભ્ય દિનુ મામા મેદાનમાં: ‘હું લડવાનું નહીં છોડું’, સંકલન ન થતાં 3 બેઠકો પર ખરાખરીનો ખેલ

વડોદરા: વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની કુલ 15 બેઠકોમાંથી શુક્રવારે બાકી રહેલી 3 બેઠકો માટે ભાજપ વિરુદ્ધ ભાજપના હાઈ-વોલ્ટેજ જંગ વચ્ચે મતદાન યોજાયું હતું. અગાઉ 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી, પરંતુ કરજણ, પાદરા અને વાઘોડિયાની ત્રણ બેઠકો પર સહકારી રાજકારણનું કોકડું ગૂંચવાતા ચૂંટણી યોજવી પડી હતી. આ મતદાન પ્રક્રિયા વડોદરા શહેરના જ્યુબેલી બાગ ખાતે તરીકેશ્વર મહાદેવના પટાંગણમાં હાથ ધરાઈ હતી.

જિલ્લા સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ થઈ હતી. જોકે, વિવાદનું મુખ્ય કારણ એ બન્યું કે ઉમેદવારી ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ત્યાં સુધી ભાજપ દ્વારા મેન્ડેટ સહિત ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નહોતી.
​આ સમયગાળા દરમિયાન, મનફાવે તે રીતે સહકારી અગ્રણીઓએ પોતપોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી. આખરે, ઉમેદવારી ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ લગભગ 18 નવેમ્બરે ભાજપે તેના ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું.
ફોર્મ પરત ખેંચવાની તારીખે પરિસ્થિતિ વધુ ગંભીર બની. પાદરા અને કરજણ બેઠક પર ભાજપના મેન્ડેટથી વંચિત રહેલા પક્ષના જ સહકારી અગ્રણીઓએ પોતાના ફોર્મ પરત ન ખેંચતા, આ બંને બેઠકો પર ‘ભાજપ વિરુદ્ધ ભાજપ’નો સીધો જંગ સર્જાયો છે.
​જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર હરિકૃષ્ણ પટેલની સામે કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણીએ ઉમેદવારી કરતા આ બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની સ્થિતિ સર્જાઈ હતી. દરેક તાલુકામાં 30થી 35 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. હવે આ ત્રણ બેઠકોના પરિણામ આવતીકાલે જાહેર થશે, જેના પર સૌની નજર ટકેલી છે.

પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)નો વિરોધ…


​ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)એ મેન્ડેટના વિવાદ પર પોતાનો સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો અને લડત ચાલુ રાખવાની વાત કરી હતી: તેમણે કહ્યું કે ​”હું તો કાયમ મારો ઉમેદવાર ઊભો રાખું છું. હું લડવાનું નહીં છોડુ. ચંદ્રેશ પટેલ મારો ઉમેદવાર છે. બીજો ઉમેદવાર પણ મારા બાજુના ગામનો જ છે પણ મેન્ડેટની સામે મારો વિરોધ છે.”

પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયાએ સંકલનના અભાવ પર નારાજગી વ્યક્ત કરી

​ભાજપના અન્ય પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયાએ સંઘની ચૂંટણી પ્રક્રિયામાં સંકલનના અભાવને મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો અને જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ અંગે સવાલ ઉઠાવ્યો હતો:
​”15 ઝોનમાંથી 12 ઝોન બિનહરીફ થયા છે. માત્ર 3 ઝોનમાં ચૂંટણી થઈ રહી છે. મતદારો કઈ તરફનો ઝોક રાખે છે, તે આવતીકાલે જ ખબર પડશે. દરેક જગ્યાએ ભાજપની સામે ભાજપના ઉમેદવારો છે. ફોર્મ ભરાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ બનતી હોય છે કે, આપણે સંકલન સમિતિની મિટિંગ બોલાવીએ. જેમાં ધારાસભ્યો અને સંસદ સભ્ય પણ હોય, 12 બેઠક બિનહરીફ થતી હોય તો ત્રણ કેમ ન થાય?”
​”સંકલન સમિતિની બેઠક બોલાવી હતી તો 3 બેઠક પણ બિનહરીફ થઈ જાત. સંકલન સમિતિ બોલાવ્યા વગર મેન્ડેટ આપી દે અને ફોર્મ ભરી દીધા હોય તો બધાને પોતપોતાનો ઈગો હોય છે, તો ફોર્મ પાછા ના ખેંચે.”

જિલ્લા ભાજપ પ્રમુખ ફરી વાર નિષ્ફળ

વડોદરા જિલ્લામાં મોટા ભાગના સહકારી આગેવાનો ભાજપમાં પણ સક્રિય છે. સહકારી ક્ષેત્રે જે કોઈ ચૂંટણીઓ થઈ રહી છે, તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિને કશી ગતાગમ પડતી નથી. આ પહેલા પાદરા એપીએમસીની ચૂંટણીમાં પણ પ્રજાપતિની અપરિપક્વતા ખુલ્લી પડી ગઇ હતી અને હવે ખરીદ વેચાણ સંઘમાં પણ તેમણે પક્ષની આબરૂ બગાડી છે. આગામી સમયમાં બરોડા ડેરી સહિતની ચૂંટણીઓ થશે તેમાં પક્ષે કોઈ નિર્ણય લઈ વરિષ્ઠ આગેવાનોને સાથે રાખવા પડશે કેમકે પ્રજાપતિને સહકારી ક્ષેત્રે કોઈ અનુભવ નથી અને કોઈ તેમની વાત ગણકારતા પણ નથી.

To Top