Latest News

More Posts

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આતંકવાદી ઉમર નબીના પુલવામા આવેલા ઘરને IEDથી તોડી પડાયું છે. ઉમર નબીના DNA રિપોર્ટથી તેની ઓળખની પુષ્ટિ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ગઈ તા. 10 નવેમ્બરે થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓ સતત મોટી કાર્યવાહી કરી રહી છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 10 વધુના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. તપાસ દરમિયાન સુરક્ષા દળોએ મુખ્ય આરોપી તરીકે આતંકવાદી ડૉ. ઉમર નબીને જાહેર કર્યો હતો. તેની પુષ્ટિ થતા જ ગુરુવાર અને શુક્રવારની રાત્રે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આવેલ તેના ઘરને IEDથી ઉડાવી દેવામાં આવ્યું.

પોલીસ મુજબ ઉમર નબી જ લાલ કિલ્લા પાસે વિસ્ફોટકોથી ભરેલી Hyundai i20 કાર ચલાવી રહ્યો હતો. ઘટનાસ્થળેથી મળેલા ડીએનએ નમૂનાઓને તેની માતાના ડીએનએ સાથે મેચ કરવામાં આવ્યા અને બંને મળતા આવતા તેની ઓળખ ચોક્કસ થઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉમર પુલવામાના કોઇલ વિસ્તારમાં રહેતો હતો. તેના ઘરને તોડી પાડવાની કાર્યવાહી કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવી હતી. પોલીસએ તેના માતા-પિતા અને બે ભાઈઓને અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. તપાસ એજન્સીઓ છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીર ખીણમાં 500થી વધુ સ્થળોએ દરોડા પાડી ચૂકી છે અને 600થી વધુ લોકોની પૂછપરછ ચાલી રહી છે.

ગુપ્તચર એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે ધરપકડ કરાયેલા 8 આતંકવાદીઓની ટોળકી દેશભરમાં આવતી તા.6 ડિસેમ્બરે (બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠે) અનેક સ્થળોએ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહી હતી. આ માટે તેઓએ 32 કારની વ્યવસ્થા પણ તૈયાર કરી દીધી હતી. જોકે દિલ્હી વિસ્ફોટ બાદ તેમની યોજના સંપૂર્ણ રીતે નિષ્ફળ થઈ ગઈ છે.

દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટ રાત્રે 9 વાગ્યે થયો હતો જેમાં 12 લોકોને સ્થળ પર જ મોત નિપજ્યા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણ ઘાયલની હાલત હજી પણ ગંભીર છે. સુરક્ષા એજન્સીઓ હવે આ આખા નેટવર્કને ખતમ કરવા માટે મક્કમ છે અને તપાસ ઝડપથી આગળ વધી રહી છે.

To Top