Latest News

More Posts

સાપુતારા : ડાંગ જિલ્લામાં ગણપતિ બાપ્પાની 10 દિવસ સુધી ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ છેલ્લા દિવસે ગણેશ મંડળો દ્વારા ઢોલ નગારા અને ડીજેનાં તાલ સાથે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યુ હતુ. ગણેશોત્સવ ભાદરવા સુદ ચોથથી અનંત ચૌદસ સુધી ઉજવવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લાનાં સાપુતારા, શામગહાન, આહવા, વઘઇ સુબિર સહીતનાં ગામડાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.

ઠેર ઠેર ગણેશ મંડળ દ્વારા ગણપતિ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અને દસ દિવસ સુધી વિઘ્નહર્તા ગણેશજીની સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને લાડુનો ભોગ ધરાવવામાં આવતો હતો. ત્યારે અનંત ચૌદસનાં રોજ ડાંગ જિલ્લા કલેક્ટર એમ.આઈ.પટેલ અને જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકો એસ.જી.પાટીલ, જયદીપ સરવૈયા, સી.પી.આઈ. વી.કે.ગઢવી, આહવા પોલીસ મથકનાં પી.આઈ. ડી.કે.ચૌધરી, સાપુતારા પી.આઈ. આર.એસ. પટેલ સહીત પી.એસ.આઈ પી.બી.ચૌધરી, કે.કે.ચૌધરી, એ.એચ.પટેલ, કે.જે.ચૌધરી. એમ.જી.શેખ સહીતનાઓની ટીમે ગામડાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી શ્રીજી વિસર્જનને સફળતાથી પાર પાડ્યુ હતુ.

ડાંગ જિલ્લામાં ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધામધૂમથી ડીજેના તાલે શ્રીજીની શોભાયાત્રા નીકળી હતી. જેમાં ગણપતિ બાપ્પા મોરિયાનાં નાદ સાથે ભક્તો દ્વારા ગુલાલની છોળો ઉડાવવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં જેટલી તૈયારીઓ ગણપતિ મૂર્તિની સ્થાપના વખતે કરવામાં આવી હતી તેટલી જ તૈયારી ગણપતિ વિસર્જન વખતે કરવામાં આવી હતી. તેમજ પોલીસ બંદોબસ્ત વચ્ચે વિધિપૂર્વક નદી, નાળા, વહેળા, ચેકડેમો સહીત કૃત્રિમ તળાવોમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ. અહી શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન વેળાએ સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પા મોર યા પૂડલયા વરસી લવકર્યાનાં નાદો સાથે ગુંજી ઊઠ્યુ હતુ.

ઉમરગામમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
ઉમરગામ : ઉમરગામ શહેર તથા તાલુકાના ગામોમાં વાંજતે ગાજતે ગણેશજીની યાત્રાઓ કાઢીને વિધ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

વિધ્નહર્તા દુધાળા દેવ ગણપતિ ગજાનંદ મહારાજની આરાધનાના મહાપર્વ ગણેશ ઉત્સવની ઉજવણી અને દસ દિવસ પૂજા અર્ચના બાદ અનંત ચતુદર્શીના દિવસે પૂર્ણાહુતિ થઈ હતી. ઉમરગામ, ઉમરગામ તાલુકામાં સોલસુંબા, સંજાણ, ભીલાડ, સરીગામ, નારગોલ, દેહરી, ખતલવાડા, મરોલી, ફણસામાં વાજતે ગાજતે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી. ઉમરગામ દેહરી નારગોલથી કાલય સુધી દરિયા કિનારે તથા નદી તળાવમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા અને ડીજેના તાલે વાંજતે ગાજતે નીકળેલી વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.

To Top