Latest News

More Posts

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ ભારે વરસાદને પગલે જગતના તાતની હાલત કકોડી થવા પામી છે. ચોમાસાની સિઝન લંબાતા અને સતત વરસાદને પગલે ખેતરોમાં ઉભો પાક નાશ પામી જતાં ખેડૂતો વહેલી તકે રાહત પેકેજ જાહેર દ્વારા પણ રાજ્ય સરકાર સમક્ષ કરવાની માંગ કરવામાં આવી છે.

  • ખેડૂતોનો વરસાદમાં પલળેલા ડાંગને સુકવવાનો પ્રયાસ
  • ઉભો પાક નાશ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું
  • સરકાર પાસે આર્થિક સહાયની ખેડૂતોએ કરી માંગણી

આ દરમિયાન જિલ્લાના કીમ – માંડવી વિસ્તારમાં ખેડૂતો દ્વારા ખેતરમાં ડુબી ગયેલા ડાંગરના પાકને બચાવવા માટે રસ્તા પર પાક સુકવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સામી દિવાળીના તહેવારમાં ખેતરોમાં ઉભો પાક નાશ પામતા ખેડૂતોના માથે ચિંતાની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી છે.

ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અનારાધાર વરસાદ બાદ ઓક્ટોબર મહિનામાં પણ ભારે વરસાદને પગલે સામાન્ય નાગરિકોથી માંડીને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નવરાત્રિ બાદ પણ વરસાદનું આગમન થતાં ખેતરોમાં ઉભા ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચવાને કારણે ખેડૂતોએ દિવાળીના તહેવાર સામે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

જો કે, છેલ્લા બે દિવસથી મોટા ભાગના ખેડૂતો દ્વારા ખેતરમાં પલળી ગયેલા ડાંગરના પાકની લણણી કરીને રસ્તા પર સુકવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ સહિત ખેડૂત આગેવાનો દ્વારા પણ રાજ્ય સરકારને વહેલી તકે સર્વે હાથ ધરીને દિવાળીના તહેવાર પહેલાં જ ખેડૂતોને આર્થિક સહાયની ચુકવણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

To Top