Latest News

More Posts

આ લખાય છે ત્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી થઇ રહી છે. દેશના મહત્ત્વના રાજ્ય મહારાષ્ટ્રમાં દેશની બે મુખ્ય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ સીધા મુકાબલામાં નથી. બન્ને સ્થાનિક પક્ષોના ટેકાથી સત્તામાં આવવા માંગે છે. ઝારખંડમાં પણ કદાચ ટેકાવાળી સરકાર બને. આવનારા સમયમાં દેશના બીજા એક રાજ્ય બિહારમાં ચૂંટણી થશે અને ત્યાં પણ બન્ને મુખ્ય રાજકીય પાર્ટીઓ બીજાના સહારે સત્તામાં આવવાનો પ્રયત્ન કરશે. આ સંજોગોમાં કોંગ્રેસ તો ઠીક પણ હવે ભાજપ પણ પોતાનું ચક્રવર્તી શાસન સ્થાપી શકે નહિ તેવું લાગી રહ્યું છે. છેલ્લાં વર્ષોમાં કોઈ પણ ભોગે સત્તા મેળવવા મથતા ભાજપનો વર્તમાન ભલે સત્તાના લાભ બતાવે પણ ભવિષ્ય ઘણા પ્રશ્ન ઊભા કરે છે.

જીતવા માટે પક્ષમાં જોડાતાં લોકો કેવા પ્રશ્નો સર્જે તે સમજવા એક કાલ્પનિક દૃશ્ય..લગભગ એક સ્વપ્ન જુવો.વર્ષ ૨૦૩૫ છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વથી નારજ બહુ જ બધા સાંસદો અંતે પોતાના નવા જ નેતા બનાવી જુદા પડે છે અને પોતે જ સાચો ભાજપ છે તેવો દાવો કરે છે. ચૂંટણી પંચ 2023 થી ચાલી આવેલી પરમ્પરા મુજબ મોટી સંખ્યામાં જુદા પડેલા સંસદસભ્યો જ સાચો ભાજપ છે તેવું જાહેર કરે છે અને જનસંઘના સમયથી ભાજપની વિચારધારાથી જોડાયેલા અને સાસંદમાં માત્ર બે જ સીટ હતી ત્યારથી મજૂરી કરતાં ભાજપનાં હજારો કાર્યકર્તાઓ ભારે આઘાત અનુભવે છે.

ભારતમાં ચૂંટણી પંચ ચુંટાયેલા નેતાઓની બહુમતી જે તરફ હોય તેને સાચો પક્ષ માનતું આવ્યું છે. લાખો કાર્યકર્તાઓ જ્યાં છે તેને નહીં! શિવસેનામાં આ જ થયું હતું.  રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં પણ આ જ થયું હતું અને હવે ભાજપમાં આ થયું.આવું એટલા માટે થયું કે 2014 પછી નરેન્દ્ર મોદીની સરકાર આવતાં ભાજપ સતત વિસ્તરતો ગયો. સાથે સાથે આર્થિક જગતમાં ખાનગીકરણ અને કોન્ટ્રાકટ સીસ્ટમ વધવા લાગી એટલે સત્તા અને સંપત્તિના લાલચુ લોકો વિચારધારા છોડી ભાજપ તરફ વહેવા લાગ્યા.

૨૦૧૯ પછી તો ભાજપ વધુ મજબૂત થયો અને ૨૦૨૪ આવતાં આવતાં તો સ્પષ્ટ થઇ ગયું કે આવનારી ચૂંટણી એ ભાજપની સત્તા રીન્યુ કરવાની છે. એટલે ધીરજ ખૂટી હોય તેવા સત્તાલાલચુઓ ખાનગીકરણના લાભ લેનારા પણ ભાજપમાં જોડાવા લાગ્યા અને ભાજપમાં આવનારા કોંગ્રેસના નેતાઓને સીધી જ સંસદની ટીકીટ મળવા લાગી. હવે 2035માં બન્યું છે એ કે ભાજપ બહુમતીથી સત્તામાં છે પણ ચુંટાયેલા મોટા ભાગના બિનભાજપી નેતાઓ છે અને હવે તેમને મૂળ ભાજપના મોવાડી સત્તામંડળ સામે બળવો પોકાર્યો છે.

કેવું ભયાનક સ્વપ્ન.આવું ન થવું જોઈએ પણ થઇ શકે. ગુજરાતમાં સતત નબળી પડતી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભાજપમાં જોડાયા ત્યારે રાજકારણની ચિંતા કરનારા મિત્રો બોલ્યા કે કોંગ્રેસે હવે પોતાના અસ્તિત્વ માટે વિચારવું પડશે. પણ ખરી વાત એ છે કે ભાજપના ખરા હિતચિંતકોએ વિચારવાની જરૂર છે. ભાજપમાં બિનભાજપી નેતાઓની સંખ્યા ભયજનક રીતે વધી રહી છે. આ નવા આવેલા એક પણ નેતાને ભારતીય મૂલ્યો, હિન્દુત્વ કે ઇવન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ પ્રકલ્પો સાથે ન્હાવા નિચોવાનો સંબંધ નથી.

હમણાં એક કોંગ્રેસી નેતા એમ કહીને ભાજપમાં જોડાયા કે કોંગ્રેસનું રામ મંદિર માટેનું વલણ યોગ્ય ના હતું.અરે ભાઈ, કોંગ્રેસનું વલણ તો રામ જન્મભૂમિ આંદોલન વખતથી આવું જ છે. તમને શ્રી રામ માટે આટલો આદર હતો તો રામ જન્મભૂમિના આન્દોલનમાં જોડાવું હતું ને. લાઠીઓ અને ગોળીઓ ખાવાના સમયે ના જોડાયા તે બધા રામ મંદિરના નામે સત્તાનો પ્રસાદ ખાવા આવી ગયા! વાત કડવી છે પણ સાચી છે. જુના ભાજપીઓ હડસેલાઈ ગયા અને નવા આવતા વ્હેંત સત્તામાં બેસી ગયા. જેઓ ખરાબ સમયે પક્ષને વફાદાર નથી રહી શકતા તે દેશને શું વફાદાર રહેવાના?

1980 માં સ્થપાયેલો ભાજપ 1991 પછી સતત વિકસતો ગયો. લોકસભામાં મોટી સંખ્યામાં બેઠકો જીતવા લાગ્યો.પણ, સામ્પ્રદાયિક પરિબળો સત્તામાં ના આવવા જોઈએ ના નારા હેઠળ જોડતોડવાળી સરકારો બનતી એટલે કોઈ પાર્ટી ભાજપને ટેકો નહોતી આપતી. એક મત માટે અટલબિહારી બાજપાઈજીની સરકાર પડી હતી અને આજે ભાજપમાં જોડાવા માટે લોકો ચાલુ સરકાર પાડી દે છે. આ સારું નથી. આમાં ક્યાંય રાષ્ટ્રની ચિંતા નથી. સમાજસેવાનો વિચાર નથી. આ લોકો કાલે પક્ષ છોડી શકે છે. જે કોઈ નેતા એમ કહેતો હોય કે હું સેવા માટે,પ્રભુ રામના આદરને કારણે ભાજપ જોઈન્ટ કરું છું, સત્તા માટે નહીં. તેને ભાજપે ચૂંટણીમાં ટીકીટ ના આપવી જોઈએ અને કોઈ જાહેર બાંધકામમાં કોન્ટ્રાકટ પણ ના આપવા જોઈએ.

વિકાસ એ સમતોલ હોવો જોઈએ શરીર હોય, વૃક્ષ હોય કે પક્ષ. અતિ વિકરાળતા ભયજનક છે. પાર્ટી તરીકે ભાજપે જ વિચારવાનો સમય છે. જો તમે સતત વિકાસ કર્યો છે. રામ મંદિર,370 કલમ નાબૂદી જેવાં વચનો પૂરાં કર્યાં છે.અર્થતંત્ર પાંચ મોટી સત્તામાં સામેલ છે. તો શેનો ડર છે? ભાજપ પાસે આવા તેજસ્વી નેતા છે પછી તેમને અન્ય પાર્ટીના નેતાઓની શું જરૂર છે? વળી ગુજરાત કોંગ્રેસના ઘણા નેતાઓ તો પોતાની સીટ જીતી શકતા ના હતા.

૨૦૧૭ ના જુવાળમાં કોંગેસના સિનિયર નેતાઓ જ હાર્યા હતા અને કોંગ્રેસ સત્તાથી દૂર રહી હતી. આ વાત કોંગ્રેસના નેતા ભલે ભૂલી જાય પણ ભાજપના નેતાઓએ ભૂલવા જેવી નથી. પક્ષના નિષ્ઠાવાન કાર્યકર્તાઓને અવગણીને માત્ર વિજય અને મહાવિજયના કીર્તિમાન સ્થાપવાની ભૂલ કરવા જેવી નથી. મહાભારત અને રામાયણ આપણા પ્રેરણાગ્રન્થ છે તેવું જો ભાજપના નેતાઓ માનતા હોય તો તેમાંથી વિચારે વિભીષણ ખોટા કામમાં રાવણની સાથે ના હતો અને દુર્યોધનના ખોટા કામમાં ચૂપ રહેનારા ભીષ્મ અંતે બાણશૈયા પર રહ્યા. આ પ્રતીકો છે, જે સમજવા જેવાં છે.

નદી એ જીવનદાતા છે પણ તેનું પાણી ભયજનક સપાટી વટાવે ત્યારે ચેતવણી આપવી પડે. આપણું બાળક આપણને વહાલું જ હોય પણ તે દારુ, ડ્રગ્સ અને મારામારીના રવાડે ચડે તો ટોકવું પડે. આ સમય કોંગ્રેસ માટે વિચારવાનો નથી. આ સમય ભાજપ માટે ખાસ તો ભાજપના હિતેચ્છુઓ માટે વિચારવાનો છે. ભીષ્મ થવું કે વિભીષણ, તે નક્કી કરો.અટલબિહારી બાજપાઈએ સંસદમાં કહ્યું હતું કે આવી રીતે સત્તા મળતી હોય તો નથી જોઇતી. ભાજપના કોઈ નેતા આવું કહી શકશે?  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

To Top