Latest News

More Posts

બનાવટી આઈકાર્ડ મોબાઇલ કંપનીમાં રજુ કરી સસ્તા પ્લાનના સીમકાર્ડ એક્ટીવેટ કરાવતો હતો

બોરસદ શહેર પોલીસ સબ ઇન્સ્પેક્ટરે મોબાઇલના સીમકાર્ડ ઇશ્યુ કરતા શખ્સને પકડી પાડ્યો હતો. આ શખ્સ સરકારી અધિકારી તરીકેના બોગસ આઈકાર્ડ બનાવી સસ્તા પ્લાનના સીમકાર્ડ એક્ટીવેટ કરી જે તે ગ્રાહકને આપતો હતો. આ અંગે બોરસદ પોલીસે ગુનો નોંધી તેની સઘન તપાસ હાથ ધરી છે.

બોરસદ શહેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એન. ચોપડાને બાતમી મળી હતી કે, એક શખ્સ બાઇક નં.જીજે 23 ડીકે 3156 પર કાળા કલરની બેગમાં બનાવટી સરકારી આઈકાર્ડ લઇને ફરે છે. જેનો ઉપયોગ સરકારી કામકાજમાં કરી રહ્યો છે. હાલ તે ઝેરોક્ષની દુકાને આવી રહ્યો છે. આ બાતમી આધારે કે. એન. ચોપડાએ પોતાની ટીમ સાથે 3જી નવેમ્બરના રોજ વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ આવતા તેની અટક કરી પુછપરછ કરતાં તે ધ્રુવકુમાર ઉર્ફે ગોટુ પ્રભુદયાલ ગોલારામ આધ્યગોર (ઉ.વ.25, રહે. કૃષ્ણનગર સોસાયટી, બોરસદ) હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ શંકાસ્પદ જણાતા તેની અટક કરી પોલીસ મથકે લાવ્યાં હતાં. જ્યાં તેની કાળા કલરની બેગમાં તપાસ કરતાં પ્લાસ્ટીકના કવરમાં આઈકાર્ડ તથા મોબાઇલ કંપનીના સીમકાર્ડ, ડાયરી મળી આવ્યાં હતાં. પોલીસે આઈકાર્ડ તપાસ કરતાં ગર્વમેન્ટ ઓફ ગુજરાત જ્યુડીશ્યલ ડિપાર્ટમેન્ટ વડોદરા, ડિસ્ટ્રીક્ટ પ્રીન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ વડોદરાના હોદ્દાનું સેસન્સ કોર્ટ વડોદરાના રાઉન્ડ સીલવાળા અલગ અલગ શખ્સોના નામના હોદ્દા સહિતના 5 આઈકાર્ડ મળી આવ્યાં હતાં. આ અંગે પુછપરછ કરતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો નહતો. આથી, તેની પાસેથી 16 સીમકાર્ડ, મોબાઇલ, બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ધ્રુવકુમાર ઉર્ફે ગોટુ ગર્વમેન્ટ ઓફ ગુજરાત જ્યુડીશ્યલ ડિપાર્ટમેન્ટ વડોદરા ડિસ્ટ્રીક્ટ, પ્રીન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ વડોદરાના હોદ્દાનું સેસન્સ કોર્ટ વડોદરાના રાઉન્ડ સીલવાળા બનાવટી આઈકાર્ડ બનાવી, તે બનાવટી આઈકાર્ડનો મોબાઇલ કંપનીમાં સીમકાર્ડ મેળવવા માટે ખરા તરીકે ઉપયોગ કરતો હતો. આ અંગે તેની સામે ગુનો નોંધી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ધ્રુવે સોથી વધુ આઈકાર્ડ બનાવ્યાની શંકા

બોરસદ શહેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એન. ચોપડાએ જણાવ્યું હતું કે, ધ્રુવ પાસેથી 5 આઈકાર્ડ કબજે કરવામાં આવ્યાં છે. હાલ તેની પુછપરછ ચાલુ છે. વધુ વિગતો રિમાન્ડ દરમિયાન મેળવવામાં આવશે. પરંતુ તેણે સોથી વધુ બોગસ આઈકાર્ડ બનાવ્યાની શંકા છે. મોબાઇલ કંપની દ્વારા સરકારી કર્મચારીને અપાતા સસ્તા પ્લાન મેળવવા તેણે ગ્રાહકોના નામના બોગસ આઈકાર્ડ બનાવ્યાં છે. તેના આ નેટવર્કમાં ગ્રાહકો પણ સંડોવાયેલા છે કે કેમ ? તે અંગે પણ પુછપરછ હાથ ધરવામાં આવશે.

To Top