SURAT

નૈસર્ગિક તળેટીમાં ડુમ રાજાના સમયમાં વસાવાયેલું ડેડિયાપાડાનું આધ્યાત્મિક ‘કોકમ’ ગામ

સાતપુડાની નૈસર્ગિક તળેટીમાં પૂર્વા નદીના વહેણની બાજુમાં આવેલું નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનું કોકમ ગામ તાલુકા પેલેસ ડેડિયાપાડાથી છેક ૩૦ કિલોમીટર દૂર ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છે. કોકમ ગામના લોકો ખૂબ જ પરિશ્રમી અને આધ્યાત્મિક છે. ખળખળ વહેતા ઝરણાથી શિવલિંગ પર પાણી અભિષેક વર્ષોપુરાણી ઘટના લોકમુખે જીવંત છે. કોકમ ગામમાં સો ટકા આદિવાસી સમાજ વસે છે અને ગામની વસતી ૯૪૫ છે. ગામના લોકો પ્રકૃતિજીવી. ઝાડ-જંગલ સાથેની મૈત્રી બાદ આજે ધીમે ધીમે પ્રગતિના પંથે જઈ નવી પદ્ધતિથી ખેતીની આવક રળી રહ્યા છે. કોકમ ગામમાં મૂળ તો એગ્રીકલ્ચર માટે તળેટીના અભાવે વીજ લાઈન ન હોવાથી પહેલા તો આકાશી વરસાદ જ માત્ર આધાર હતો.

સરકારે જંગલની જમીનોની ભૂતકાળમાં આપેલી સનદોને લઈ આજે ઘણા ખેડૂતો ઘરઆંગણે રોજગારી મેળવી રહ્યા છે. સમયનો દૌર બદલાતાં ધીમે ધીમે કેટલીક સુવિધાઓ ગામડાં તરફ ઢળે છે. અગાઉ સિંચાઈ માટે પાણીનાં ઠેકાણાં ન હતાં. હવે કોકમ ગામના પરિશ્રમી ખેડૂતોને બારમાસી સિંચાઈ મળે એવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. ગામના ઘણા આદિવાસી ખેડૂતો રૂફટોપ સિસ્ટમથી સોલાર આધારિત ખેતી કરી વધુ નફા તરફ આગળ વધ્યા છે. કોકમ ગામની નવી પેઢી ધીમે ધીમે શિક્ષણ તરફ વળી છે. આ ગામમાં અભ્યાસ કરીને ઘણા અગ્રણીઓ જિલ્લા કક્ષાએ આજે પણ કર્તવ્યનિષ્ઠ છે. જેને લઈ ગામનું નામ જિલ્લા કક્ષાએ ગૂંજતું થયું છે.

ગામનું નામ કેવી રીતે પડ્યું?
દરેક ગામ ભૂતકાળ તો ધરબીને બેઠેલું જ હોય છે. ગામની વ્યવસ્થા, દુર્લભ વસ્તુઓ પર તકેદારી રાખવી એ મહત્ત્વનો ભાગ છે. કોકમ ગામના ઈતિહાસ પર એક નજર નાંખીએ તો દેશની આઝાદી પહેલાં આ ગામમો દેશી રજવાડા સાથે નાતો હતો. ડુમ રાજાના દેશી રજવાડા વખતે કોકમ ગામમાં ભૂતકાળમાં કકબુટી નામની જ્ઞાતિ રહેતી હતી. લોકવાયકા પ્રમાણે કોકબુરી પરથી “કોકમ” ગામ ઓળખ પામ્યું હતું. મૂળ તો ડુમરાજાના દેશી રજવાડા પરથી ‘ડુમખલ’ આજે પણ ઓળખાય છે. જો કે, કોકબુરી જ્ઞાતિની કોકમ ગામમાં હવે વસતી નથી. છતાં આ ગામમાં સહિયારું અને પરિશ્રમી લોકોનો વસવાટ છે. જેને લઈ તંત્ર વિકાસ કરે ન કરે, પણ આજે પણ ખંતથી પોતાનું કામ કરે છે. ડુમખલ સાથે સાત ગામ સમાયેલાં છે. કોકમ, પીપલોદ, ચોપડી, કણજી, વાંદરી અને સિંગલગભાણ. તમામ સાત ગામની લગભગ ૭ હજારની વસતી હોવાથી વર્ષે દહાડે અંદાજે ૫૦ લાખની વિવિધ ગ્રાન્ટ આવે છે.

પૌરાણિક-આધ્યાત્મિક વારસો
સોળે કળાએ ખીલેલી સાતપુડા પર્વતમાળામાં સુરપાણેશ્વરની ટેકરીમાં આવેલા કોકમ ગામમાં સ્વયંભૂ જળ અભિષેક પડતું શિવલિંગ એ પૌરાણિક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. લગભગ નવ દાયકા પહેલાં કોકમ ગામે મંદિરના ખોદકામ વખતે જૂનું શિવલિંગ અચાનક બહાર આવ્યું હતું, જેમાં ખોદકામ વેળા ઘણી વસ્તુઓ મળી આવતાં આ જગ્યા આધ્યાત્મિકતાની ધરોહર છે. શિવલિંગ ૫ હજાર વર્ષ પુરાણું છે. દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે જલેશ્વર મહાદેવ મંદિરે વિશેષ પૂજા-અર્ચન થાય છે. અગાઉ પણ મહાશિવરાત્રિના દિવસે પૂજારીને મૂંછવાળો સફેદ નાગ જોવા મળ્યો એ જગજાહેર છે. જો કે, આ શિવલિંગની વિશેષતા એ છે કે, બારેમાસ પહાડોમાંથી વહેતું ઝરણું સીધું અભિષેક થાય છે.

દર સોમવારે અહીં ભક્તોની ભીડ ઊમટી પડે છે. શ્રાવણ મહિનામાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઊમટે છે. મહાદેવના મંદિર પાસે પૂર્વા નદીનું પાણી બાજુમાંથી વહેતા આખી જગ્યાએ જીવંતતાનું રૂપ હોય એવો અહેસાસ થાય છે. આ મંદિર માટે લોકવાયકા એ છે કે, મહાભારત યુગમાં પાંચ પાંડવો પોતાના ગુપ્તવાસ દરમિયાન આ વિસ્તારમાં રોકાયા હતા. પાંડવોએ શિવલિંગ અને હનુમાનજીની સ્થાપના કરી હોય એમ માનવામાં આવે છે. પાંડવોના હાથમાં એક કમંડળમાં ગંગાજળ હોવાથી ભૂલથી ઢોળાઈ ગયું. ત્યારે પાંડવોના શબ્દો હતા કે, ‘યુગે યુગે અહીં ગંગાજળ નહીં ખૂટે’.

આજે પણ જે ભાવિક ભક્તો સાચી શ્રદ્ધા અને ભક્તિથી દર્શને આવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે. લગભગ ત્રણ પેઢીથી આ મંદિરમાં એક પરિવાર સેવા કરે છે. હાલમાં પૂજારી તરીકે શનાભાઈ ઓલિયાભાઈ વસાવા સેવારત છે. કોકમ ગામ પાસે ગદાધારી ચુલિયા હનુમાનજી મંદિર પ્રખ્યાત સ્થળ છે. લોકોની માન્યતા પ્રમાણે આ જગ્યાએ જે શ્રદ્ધાળુઓ આવનારની અવશ્ય મનોકામના પૂરી થાય છે. હનુમાનજીની પ્રતિમા અને શિવલિંગ હિંદુ ધર્મના ગ્રંથો જોડાયેલા છે. દાયકાઓ પહેલાં અંતરિયાળ વિસ્તારમાં વાહનોની કોઈ સગવડ ન હતી, એ વખતે સ્થાનિક લોકો બળદગાડામાં છેક અંકલેશ્વર વસ્તુ-સામાન ખરીદી-વેચાણ માટે એકમાત્ર સ્ત્રોત હતું.

અગાઉ એકાદ વખત પાંચ જેટલાં બળદગાડામાં સામાન ભરીને અંકલેશ્વર જતી વેળા ચાર ગાડાં તો નીકળી ગયાં, પરંતુ એક ફસાઈ ગયું. ભારે મહેનત બાદ પણ પરિણામ ન મળ્યું. જેને લઈને ખેડૂત એ જ જગ્યાએ સામાન જોડે ઊંઘી ગયો. મધરાત્રે એ સ્થળ પર કોઈ પ્રકાશ પડ્યો, તેના મનમાં ભરમ થયો. જો કે, બીજા દિવસે લોકોને એવી વાત જણાવી કે આ જગ્યા પુણ્ય જગ્યા હોય અને જમીન નીચે કોઈ ખજાનો હશે. એવી આશા સાથે બધા મળીને ખોદકામ શરૂ કર્યું. ખોદતાની સાથે એક મૂર્તિ નીકળતાં અચરજમાં પડી ગયા. મૂર્તિ અર્ધી જમીનમાં અને અર્ધી બહાર હોવાથી પૂર્ણ કદમાં થઇ ગઈ. ત્યારબાદ રહેણાક લોકોને ભગવાન હનુમાનજીનાં દર્શન થયાં હતાં. સ્થાનિકો પૂરી શ્રદ્ધાથી પૂજા-અર્ચન કરવા આવે છે. જેને કારણે લગભગ ત્રણ દાયકામાં તત્કાલીન સાંસદ સ્વ.ચંદુભાઈ દેશમુખ દ્વારા પૂરી શ્રદ્ધાથી અન્ય એક શિવલિંગ સ્થાપના કરવામાં આવી હતી.

કોકમથી મોઝદા ૧૫ કિ.મી. રોડ ખાડાવાળો, છેલ્લાં પાંચ વર્ષથી તંત્ર જોતું નથી
કોઇપણ અંતરિયાળ ગામડું હોય, વેપારધંધા અર્થે તાલુકા પેલેસ જવા રસ્તા ટીકળીબંધ હોવા જોઈએ. જો કે, કોકમથી મોઝદા ગામ સુધીનો પંદર કિલોમીટરનો રોડ ખાડા-ખાબોચિયાવાળો બની ગયો છે. કમનસીબે આ રોડ પાંચ વર્ષથી ન બનતાં વટેમાર્ગુઓને ખાડાથી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ડેડિયાપાડા જવા માટેના આ રોડ પર શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ, વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

ઘણી વખત મોટા મોટા ખાડાને લઈ આ રોડ જાણે અકસ્માત ઝોન બન્યાનો અહેસાસ થાય છે. ક્યારેક અકસ્માતથી માનવીઓની જિંદગીઓ જોખમમાં ખરાબ મુકાઈ જાય છે. આ રોડની મરામત કરનાર જોનારું કોઈ વ્યક્તિઓ ન હોવાની કોકમ ગ્રામજનોની વેદના છે. ચોમાસાની ઋતુ કે શ્રાવણ માસમાં આ વિસ્તારમાં ઘણા લોકો વાહનો લઈને આવતા હોય છે. કોકમ ગામ સાથે સંકળાયેલો રોડ નવોનક્કોર બનાવવા માટે માંગ ઊઠી રહી છે. આ વિસ્તારની પાયાની સવલત માટે રોડ જરૂરી છે.

  • ગામની વસતી સહિતની માહિતી
  • પુરુષની વસતી- ૫૭૪
  • સ્ત્રીની વસતી- ૫૪૫
  • કુલ વસતી- ૧૧૧૯
  • અપંગ વ્યક્તિ- ૦૧
  • દિવ્યાંગ વ્યક્તિ- ૦૧
  • કુટુંબોની સંખ્યા- ૩૫૧
  • BPL કુટુંબ- ૧૭૨
  • તાલીમી દાયણ- ૦૧
  • પાકાં મકાન- ૦૨
  • માટીનાં મકાન-૩૬૨
  • ભૌગોલિક વિસ્તાર
    કુલ જમીન વિસ્તાર- ૧૩૯૧-૬૧-૯૩ (હેક્ટરમાં)
    વન વિસ્તાર- ૧૦૭૬-૬૧-૦૬ (હેક્ટરમાં)
    ખેડવાલાયક- ૨૨-૯૫-૫૯ (હેક્ટરમાં)
    બિન ખેડાણ લાયક ખરાબો-૨૦૬-૧૫-૭૯ (હેક્ટરમાં)
    કુલ ખેતીની જમીન -૮૨-૩૫-૩૯ (હેક્ટરમાં)
    પિયત જમીન -૦-૮૦-૦૦ (હેક્ટરમાં)
    કુલ ખાતેદાર -૨૩
    મુખ્ય વ્યવસાય -ખેતી
    મુખ્ય પાકો- મકાઇ, કપાસ, તુવેર અને ડાંગર
    શૈક્ષણિક સુવિધાઓ
  • આંગણવાડી-૩
  • પ્રાથમિક શાળા (ધો-૧થી ૮)
  • કુમાર-૧૨૨ વિદ્યાર્થીઓ
  • કન્યા-૧૧૦ વિદ્યાર્થિની
  • કુલ-૨૩૨
  • કોકમમાં સમાવિષ્ટ ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતની ટીમ
  • સરપંચ-અનિરુદ્ધકુમાર પારસીંગભાઈ વસાવા- (ડુમખલ)
  • ડેપ્યુટી સરપંચ- ગીંબુબેન ખાનસીંગભાઈ વસાવા-(પીપલોદ)
  • સભ્ય-લીમજીભાઇ ખોમાભાઈ વસાવા-(ડુમખલ)
  • સભ્ય-કનુભાઈ ભાણાભાઈ તડવી- (ડુમખલ)
  • સભ્ય-અશોકભાઈ લક્ષ્મણભાઈ તડવી- (ડુમખલ)
  • સભ્ય-કેલુબેન શનાભાઈ વસાવા-(કોકમ)
  • સભ્ય-ઉબડીબેન વિરસીંગભાઈ વસાવા-(કોકમ)
  • સભ્ય-નરસિંહભાઈ કાગડિયાભાઈ વસાવા-(કણજી)
  • સભ્ય-વિરજીભાઈ રામસિંગભાઈ વસાવા-(કણજી)
  • સભ્ય-ગીંબુબેન વિરસીંગભાઈ વસાવા-(વાંદરી)
  • સભ્ય-વાસંતીબેન અશ્વિનભાઈ વસાવા-(વાંદરી)
  • સભ્ય-કાગડીબેન ટેમરીયાભાઈ વસાવા-(સિંગલગભાણ)
  • તલાટી કમ મંત્રી-ચંદુભાઈ વિઠ્ઠલભાઈ વસાવા

કોકમ પ્રાથમિક શાળામાં શિક્ષણ સાથે બાહ્ય પ્રવૃત્તિનો લાભ પણ બાળકોને મળે છે
અહીં અડધી સદી વખતે શિક્ષણના કોઈ ઠેકાણાં ન હતાં. ગામમાં પ્રાથમિક શાળા ન મળે એટલે નવી પેઢી શિક્ષણથી વંચિત રહી. ગામના વડીલોને પણ કોઇપણ છોકરું ભણે એ માટે ખેવના હતી. જે માટે તા.૨૪-૮-૧૯૭૬ના દિવસે કોકમ પ્રાથમિક શાળાની ધો.૧થી ૪ ધોરણ સુધી ખપેડાવાળાં કાચાં બે રૂમમાં શરૂઆત થઇ. એ સમયે પણ અભ્યાસ માટે નવી પેઢીમાં ઉમંગ હતો. મકાન કાચું પણ એવા ઓરડામાં બાળકોને કંઈક શીખવાની ધગસ હતી.

બાળકો અભ્યાસ કરતા ગયાં અને શિક્ષિત પરંપરા અપનાવતા ગયાં. જો કે, દિનપ્રતિદિન કોકમ પ્રાથમિક શાળામાં ફેસિલિટીમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. આજે ધો-૧થી ૮ સુધીના તમામ વર્ગખંડ પાકા ઓરડાથી નવીનક્કોર બની ગયા. આજે આ શાળામાં આચાર્ય સહિત આઠ શિક્ષકોનો સ્ટાફ શિક્ષણના કામે લાગી ગયો છે. આ શાળામાં ૨૩૨ બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. આ શાળામાં ખાસ કરીને વર્ગખંડમાં શિક્ષણ સાથે ઈત્તર પ્રવૃત્તિમાં બાળકોમાં પણ અચૂક જોડાઈ જાય છે. ખાસ કરીને શિક્ષણ સાથે ફિટનેસમાં આ બાળકો અવ્વલ હોવાથી રમતોત્સવમાં તાલુકા લેવલે ખો-ખો સ્પર્ધામાં સેમિફાઈનલ સુધી કોકમ પ્રાથમિક શાળાની ટીમ પહોંચી હતી. તેમજ કબડ્ડીમાં પણ કોકમ પ્રાથમિક શાળાની ટીમ રનર્સઅપ રહી હતી. વિજ્ઞાન મેળામાં પણ આ શાળાની કૃતિ પહોંચી હતી.પ્રાથમિક શાળા માટે દૈનિક કામ માટે સ્ટાફ અને બાળકો ઓતપ્રોત રહે છે.

જે માટે કિચન ગાર્ડન, સમયાંતરે આવતા તહેવારોમાં સાથે ઉજવતા હોય છે. આજનો બાળક આવતીકાલે રાષ્ટ્રહિત માટે ઉત્તમ નાગરિક બને એવું શિક્ષણ પ્રાથમિક શાળામાં અપાઈ રહ્યું છે, જેમાં આ શાળામાંથી ભણેલા વિદ્યાર્થીઓ જિલ્લા લેવલે માહિતી વિભાગમાં અને ITIમાં અધિકારી, પોલીસ કોન્સ્ટેબલ, SRP કક્ષાએ પહોંચ્યા છે.

આદિવાસી નારી મધમાખી ઉછેરથી પગભર બની
કોકમ ગામની આદિવાસી સમાજની નારીઓને પગભર કરવાના શુભ આશયથી સ્કીલ મેળવીને સાત વર્ષ પહેલાં મધમાખી ઉછેર પ્રોજેક્ટ હાથ પર લેવાયો હતો. કોકમ ગામમાં મધપેટી બેસાડીને મધમાખી દ્વારા મીઠું મધૂરું મધ ઉપાર્જન કરવા તરફ ડગલાં પણ માંડ્યાં. ગ્રામીણ મહિલાઓને “ટીપે ટીપે સરોવર ભરાય” એમ નાની બચતથી પગભર બનવવાના સરકારી માધ્યમથી એક પ્લેટફોર્મ મળ્યું હતું. આમ તો વનરાવનમાં કેટલાંક ઝાડો પર ફૂલોની મહેક હોવાથી કોકમ ગામમાં મહિલાઓને નવી દિશા મળી છે.

ઓગસ્ટ-૨૦૧૫ એક અઠવાડિક નેશનલ બી બોર્ડ દિલ્હી દ્વારા સ્પોન્સર્ડ આર્ય ગ્રામોદ્યોગ સંસ્થાન તાલીમ વર્ગ રાખવામાં આવ્યો હતો, જેમાં કોકમ ગામમાં લગભગ આઠ સખીમંડળોની લગભગ ૨૦ મહિલાએ મધમાખી ઉછેર માટે શિક્ષણ મેળવી તેનો નિર્ણય પોતાના ગામમાં જ વ્યવસાય કરી સ્વાવલંબી બનવાનો હતો. આ તાલીમ શાળામાં પ્રેક્ટિકલ પણ બતાવવામાં આવ્યું હતું. એ વખતે ડેડિયાપાડા જેવા આખા તાલુકામાં ૨૦૦ બહેનોની મધમાખી ઉછેર માટેની તાલીમમાંથી કોકમ ગામની ૨૦ બહેનોને કિટ વિતરણ કરાયું હતું.

એ વખતે એક કિટ રૂ.૨૦,૫૦૦ તેમજ લાભાર્થીના લોકફાળાના રૂ.૨,૦૫૦ તરીકે પાયલોટ આપવામાં આવી હતી. આ પાયલોટ પ્રોજેક્ટની વિશેષતા એ હતી કે, સ્કીલ ધરાવતી કોકમની બહેનોએ ૨ મહિનામાં રૂ.૩૬ હજારનું શુદ્ધ મધ વેચાણ કર્યું હતું. ૧ કિલોગ્રામ મધની કિંમત રૂ.૪૦૦ લેખે વેચાતું હતું. જો કે, એ સમયે મોનિટરિંગ માટે ગાંધીનગરની ટીમ કોકમ ગામની મુલાકાત લેતા તો થઈ. જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વખતમાં મધમાખી ઉછેરથી સ્વસહાય જૂથની પગભર બનેલી કોકમ ગામની મહિલાઓને કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં લાઈવ નિદર્શન બતાવવામાં આવતાં પ્રભાવિત થઈ હતી. જો કે, થોડા વર્ષ તો ખૂબ જ સારી રીતે ચાલ્યું, પણ બાદમાં વન સંપદાની મોટી માખી મધમાખીને ખાય જાય એ માટે કોકમ ગામની મહિલાઓને આર્થિક મોટું નુકસાન વેઠવું પડે છે. જેને કારણે સ્કીલ ધરાવતી નારીઓએ બંધ કરવાની નોબત આવી હતી. હાલમાં એકાદ વ્યક્તિએ સામાન્ય રીતે ચાલુ તો કર્યું છે, છતાં પ્રતિભાશાળી મહિલાઓ ધીમે ધીમે ડગલાં ભારે આત્મનિર્ભર જરૂર બની શકે એમ છે. આમેય મધ એ સ્વાસ્થ્ય માટે હિતકારક અને તેના માર્કેટિંગની કોઈ જરૂર રહેતી નથી. આપોઆપ મધ વેચાઈ જતું હોવાથી ગામડાંમાં ઘરેલુ ઉદ્યોગ સમાન બની શકે.

ગામના દિલીપભાઈ વસાવા પત્રકારત્વ ક્ષેત્રે અનુસ્નાતક થતાં નર્મદા માહિતી કચેરીમાં માહિતી મદદનીશ તરીકે કાર્યરત
તા.૧ જૂન-૧૯૮૩માં કોકમ ગામે દિલીપભાઈ જેઠિયાભાઈ વસાવાનો જન્મ થયો હતો. દિલીપભાઈ માટે વનરાજીના માહોલમાં રમવાનું અને કંઇક જાણવાની તીવ્રતા અલગ જ હતી. ધોરણ-૪ સુધીનો અભ્યાસ ગામમાં જ કર્યો હતો. એ સમયે પાયાની સુવિધાઓમાં નહીંવત હોવાથી દિનપ્રતિદિન દિવસો સંઘર્ષોમાં કાઢવા પડતા. તેમ છતાં દિલીપભાઈ વસાવાને અભ્યાસ થકી આગળ વધવાનો દ્રઢ નિર્ણયને લઈને ધો-૫થી અનુસ્નાતક સુધી વિવિધ છાત્રાલયોમાં રહીને સામૂહિક છાત્રજીવન સાથે સંકળાઈને અભ્યાસ પૂર્ણ કર્યો.

આજે પણ તેઓ શિક્ષણકાર્યના એ દિવસો યાદ કરે ત્યારે બિનધાસ્ત જિંદગી ખબર પડતી હોય છે. “કુદરતની કળાને કાગળ પર ઉપસાવે, એ જ કલમની તાકાત” આ સૂત્ર કલમનવેશો મહત્ત્વના હોય છે. દિલીપભાઈ વસાવા માટે ૨૫ વર્ષની યુવાનીમાં ૨૦૦૮ની સાલમાં ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ ખાતે પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કરી હવે કાગળ અને કલમનો ઉપયોગ કરવાનો વારો આવશે. પ્રિન્ટ મીડિયા ટ્રાયલથી સમાજના પ્રશ્નો, સુવિધાઓ સહિત લોકો સુધી પહોંચાડવાનો રોલ અપનાવવાનો હતો.

અભ્યાસ પૂર્ણ કરીને મેટ્રો સિટી અમદાવાદથી લઈને દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં લાંબી દોડધામમાં અખબારમાં કામ કરવાનો મોકો મળ્યો. કામ સાથેનો અનુભવ જાણવાનો શોખ મળ્યો. દિલીપભાઈ વસાવાને અભ્યાસને લઈને હાલમાં રાજ્ય સરકારના માહિતી વિભાગે લેવાયેલી ભરતીની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં લગભગ ચાર મહિનાથી નર્મદા જિલ્લા માહિતી કચેરીમાં માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવી રહ્યા છે. દિલીપભાઈ વસાવા કહે છે કે, શિક્ષણ માનવીના જીવનમાં ક્રાંતિ કરી શકે છે. છેલ્લાં ૧૨ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા ૩૮ વર્ષીય રમેશભાઈ સીંગાભાઈ વસાવા પોતાનો પ્રતિભાવ આપતાં કહે છે કે, કોકમ ગામ એ માણસાઈવાળું ગામ છે. જો કે, આ ગામના લોકો મહેનતુ અને ખંતીલા છે. કોઈપણ કાર્યક્રમમાં જાણ કરવાથી ગ્રામજનો અને વડીલો અચૂક આવતા હોય છે.

કોકમ જેવા જંગલ વિસ્તારના ખેડૂતો માટે સોલાર પંપ આશીર્વાદસમાન ખેડૂત ઉબડિયાભાઈ વસાવાએ પોતાની જમીન પાણીદાર બનાવી દીધી
અંતરિયાળ ગામડું હોવાથી વીજ લાઈટનાં ફાંફાં મારવા પડે. ખેડૂતો માટે થ્રી ફેઇઝ લાઈટ લેવામાં નવનેજા આવી જાય. તેમાં પણ આખો જંગલ વિસ્તાર હોવાથી થાંભલો નાંખવામાં મુશ્કેલી સર્જાય. સિંચાઈ માટે સબમર્શિબલ પંપ જનરેટ થાય એ માટે સોલારપંપ શરૂ થાય એવા નવતર અભિગમથી જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતો માટે રાહત મળી ગઈ છે, જેમાં ડેડિયાપાડા તાલુકાના કોકમ ગામવાસી ૫૩ વર્ષીય ખેડૂત ઉબડિયાભાઈ રડ્યાભાઈ વસાવા ખેતી માટે હાલમાં સોલારપંપ નાંખ્યો છે. મૂળ તો ઉબડિયાભાઈ માંડ ૮મુ ધોરણ ભણેલા. તેઓ ખેતી વિષય પર નિર્ભર રહે છે. કોકમમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં પાણી માટે ભૂતકાળમાં ડીઝલપંપ દ્વારા આખા વર્ષમાં અંદાજે ૩૦થી ૩૫ હજારનું ડીઝલ લઈ સિંચાઈની સગવડ આપવામાં આવી હતી.

જેને લઈને ખેડૂતોને પોતાના પરસેવાની પણ આવક મળતી ન હતી. આથી કોકમના ખેડૂત ઉબડિયાભાઈ સહિતના ખેડૂતોએ DGVCL ડેડિયાપાડા સબ સ્ટેશનમાં એગ્રીકલ્ચર થ્રી ફેઇઝ લાઈટ માટે માંગણી કરી હતી, જેમાં અંતર લાંબુ હોવાથી અને ઝાઝા પ્રશ્નોને લઈ શું કરવું કે ન કરવું એ માટે પ્રશ્નો ઉદભવતા હતા. ખેડૂતો વારંવાર માંગણી કરતા હોવાથી તંત્ર પાસે વચન આપવા સિવાય કોઈ ઉકેલ ન હતો. અંતે લાંબા અંતરે કોઈ થાંભલા કે વાયરો ન નાંખવા અને સોલાર પેનલ લગાડવાથી સીધી એગ્રીકલ્ચર વીજ પુરવઠો મળી જાય એવી યોજના સાકાર થઇ. આથી અધિકારીઓએ કોકમ ગામના ૧૧૦ જેટલા ખેડૂતોને બોલાવીને રૂ.૪૦ ફોર્મ ભરીને સોલારપંપ ફિટ કરવાની માંગણી કરી હતી.

જેમાંથી લગભગ ૫૫ ખેડૂતોએ સોલાર પેનલ લગાડી દીધી છે. જેનાથી સવારે સૂર્યનારાયણનાં કિરણો પડે એટલે આખો દિવસ પંપ ચાલુ થઇ જાય. કોઈ વીજ બિલ પણ ભરવું ન પડે. આ બાબતે ખેડૂત ઉબડિયાભાઈ વસાવા કહે છે કે, આ સોલારપંપ અમને સરકાર દ્વારા ૧૦૦ ટકા સહાયથી મળ્યા છે. આ ૭.૫ એચ.પી.ના સોલારપંપથી અમે ડીઝલ ખર્ચથી મુક્ત થઇ ગયા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં મર્હુમ અહેમદભાઈ પટેલે ડુમખલ ગામ સમાવિષ્ટ વાંદરી ગામને દત્તક લેતાં આજુબાજુનાં ગામોને કેટલીક સુવિધાઓ મળી હતી, જેમાં કેટલીક કંપની દ્વારા ખેડૂતોના ગ્રુપ બનાવી જમીન સમથળ, પાઈપલાઈનો અને કૂવાઓની ફેસિલિટી આપવામાં આવી હતી. UPL કંપનીએ સાત ખેડૂત માટે ૨૦૧૮માં કૂવો બનાવી આપ્યો હતો. જેમાં ઉબડિયાભાઈ વસાવાને પણ લાભ મળતાં ડીઝલપંપ થકી સિંચાઈનું પાણી અપાતું હતું.

કોકમમાં સમાવિષ્ટ ડુમખલ ગામને પાયાની સુવિધા સાથે હરિયાળું રાખવાની સરપંચ અનિરુદ્ધકુમાર વસાવાની નેમ
અંતરિયાળ ગામડાંમાં કોઈ શિક્ષિત યુવાન ગામની કમાન સંભાળે ત્યારે સર્વાંગી વિકાસ થાય, કોકમ સમાવિષ્ટ ડુમખલ ગામના સરપંચ પદે ૩૩ વર્ષીય અને ગ્રેજ્યુએટ થયેલા અનિરુદ્ધકુમાર વસાવા તરીકે આરૂઢ છે. અનિરુદ્ધકુમારને શિક્ષિત થયા બાદ કોઈ નોકરી મેળવીને સામાન્ય જિંદગી વ્યતીત કરવાની ઈચ્છા હતી. છતાં અંતરિયાળ ગામડું હોવાથી વહીવટી તંત્રની નજર અંદાજથી લોક ઉપયોગી કામો ન થતાં હતાં. આવી વાતો અનિરુદ્ધકુમારના કાને સંભળાઈ. આથી ૨૯ વર્ષની ઉંમરે ૨૦૧૮માં સરપંચ પદે વિજેતા થયા હતા. સરપંચ પદે આરૂઢ થતાં આખા વિસ્તારની જવાબદારી તેમના શિરે હતી. ગામના પીવાના પાણી માટે મીની જલધારા, હેડપંપ, RCC રોડ અને તેમના ગામડાંના ગરીબ માનવીઓને મનરેગા યોજનાથી સીધી આવક મળતી થઇ ગઈ હતી. તેમના વખતમાં લગભગ સાડા ચાર વર્ષમાં ૫થી ૬ કરોડ વિકાસનાં કામો કરવામાં આવ્યાં છે. અનિરુદ્ધકુમાર વસાવા કહે છે કે, આજે લોકોનાં કામો કરવામાં એટલા માટે સારું લાગે છે કે ગરીબોનાં આશીર્વાદ અમને મળી જાય છે.

Most Popular

To Top