Sports

ચેમ્પિયન KKRને 20 કરોડ, હૈદરાબાદને 13 કરોડ: ઓરેન્જ કેપ વિનર કોહલીને કેટલું ઈનામ મળ્યું, જાણો..

ચેન્નાઈ: આઇપીએલમાં રવિવારે અહીં રમાયેલી ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ના બોલરોની પ્રભાવક બોલિંગ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઈને આઈપીએલ ફાઇનલમાં આ સૌથી ઓછો સ્કોર નોંધાવ્યા પછી વૈંકટેશ અય્યરની નોટઆઉટ અર્ધસદી અને તેની રહેમાનુલ્લા ગુરબાઝ સાથેની 91 રનની ભાગીદારીની મદદથી કેકેઆર 10.3 ઓવરમાં જ 2 વિકેટે લક્ષ્યાંક કબજે કરીને ત્રીજીવાર આઇપીએલ ચેમ્પિયન બન્યું હતું.

લક્ષ્યાંક કબજે કરવા ઉતરેલી કેકેઆરની શરૂઆત પણ સારી રહી નહોતી. જો કે તે પછી વૈંકટેશ અને ગુરબાઝે 91 રનની ભાગીદારી કરીને કેકેઆરની જીત પાકી કરી નાંખી હતી. ગુરબાઝ 39 રન કરીને આઉટ થયો તે પછી વૈંકટેશે કેપ્ટન શ્રેયસ અય્યરની સાથે મળીને કેકેઆરને 8 વિકેટે જીતાડ્યું હતું.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેમની સ્ટાર ઓપનીંગ જોડી અભિષેક શર્મા બે રને અને ટ્રેવિસ હેડ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. આ મેચમાં હૈદરાબાદનું બેટિંગ ઓર્ડર કોલકાતાના બોલરો સામે પડી ભાંગ્યું હતું.

રાહુલ ત્રિપાઠીએ 9, એડન માર્કરમે 20, નીતિશ કુમાર રેડ્ડીએ 13, હેનરિક ક્લાસને 16, શાહબાઝ અહેમદે 8 રન બનાવ્યા હતા. પેટ કમિન્સે અંતિમ ઓવરોમાં રમેલી 24 રનની ઇનિંગથી સનરાઇઝર્સ 100 રનના સ્કોરની પાર પહોંચ્યું હતું. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે ત્રણ જ્યારે સ્ટાર્ક અને હર્ષિત રાણાને બે-બે વિકેટ મળી હતી. આ સિવાય વૈભવ અરોરા, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીને એક-એક વિકેટ મળી હતી.

વિરાટ કોહલીએ ઓરેન્જ કેપ જીતી, બેટીંગ ચાર્ટમાં બે વાર ટોચે રહેનાર પ્રથમ ભારતીય
આઇપીએલમાં ટાઇટલ જીતવાની રોયલ ચેલેન્ડર્સ બેંગ્લોરની રાહ ભલે લંબાઈ હોય, પરંતુ વિરાટ કોહલીએ આઇપીએલમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આઇપીએલની 17મી સિઝનમાં કોહલીએ ઓરેન્જ કેપ જીતી હતી અને તેની સાથે જ તે બે વાર ઓરેન્જ કેપ જીતનારો પ્રથમ ભારતીય બન્યો હતો.

કોહલીને 15 મેચોમાં 741 રન સાથે આ સિઝન પૂરી કરી હતી. આ પહેલા વિરાટ કોહલીએ 2016માં 973 રન બનાવીને પ્રથમ વખત ઓરેન્જ કેપ જીતી હતી, જે હજુ પણ આઈપીએલનો રેકોર્ડ છે. આઇપીએલમાં ડેવિડ વોર્નર 3 વાર જ્યારે ક્રિસ ગેલ 2 વાર ઓરેન્જ કેપ હોલ્ડર બન્યા છે.

કોને કેટલું ઈનામ મળ્યું?
આઈપીએલ 2024ની વિજેતા ટીમ કેકેઆરને 20 કરોડ, રનર અપ સનરાઈઝર્સ હૈદરાબાદને 13 કરોડ, સેકન્ડ રનર અપ રાજસ્થાન રોયલ્સને 7 કરોડ અને થર્ડ રનર અપ આરસીબીને 6.5 કરોડનું ઈનામ મળ્યું છે. તે ઉપરાંત ઓરેન્જ કેપ વિનર કોહલીને 10 લાખ, પર્પલ કેપ વિનર હર્ષ પટેલને 10 લાખ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સુનિલ નારાયણને 10 લાખ અને ફેયર પ્લે ઓવર્ડ માટે હૈદરાબાદને 10 લાખ તેમજ પિચ એન્ડ ગ્રાઉન્ડ માટે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમને 50 લાખનું ઈનામ મળ્યું છે.

આ ઉપરાંત કેચ ઓફ ધી સિઝન માટે રમણદીપ સિંહને 10 લાખનો એવોર્ડ મળ્યો છે. સિઝનમાં 64 ચોગ્ગા ફટાકરનાર ટ્રેવિસ હેડને મોસ્ટ 4 ઓફ ધી સિઝન માટે 10 લાખ, સિઝનમાં 42 સિક્સ મારનાર અભિષેક શર્માને મોસ્ટ 6 ઓફ ધી સિઝન માટે 10 લાખનું ઈનામ અપાયું છે. ઈમર્જિંગ પ્લેયર ઓફ ધી સિઝન નિતિશ કુમાર રેડ્ડીને 10 લાખ, અલ્ટિમેટ ફેન્ટસી પ્લેયર ઓફ ધી સિઝન સુનિલ નારાયણ 10 લાખ, ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધી સિઝન જેક ફ્રેઝર મેગર્કે 10 લાખનો એવોર્ડ જીત્યો છે.

Most Popular

To Top