Dakshin Gujarat

ખેરગામ તાલુકામાં 4.28 ઇચ વરસાદ :ચાર લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ

ખેરગામ : ખેરગામ (Khergam) તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદની ચોથી ઇવનિંગ ધમાકેદાર શરૂઆત થતાં તાલુકામાં સાર્વત્રિક મેઘને પગલે જન જીવન પ્રભાવિત થયું છે. ખેરગામ તાલુકામાં 22 કલાકમાં 107 નિમિત 4.28 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે.ધરમપુર (Dharampur) અને કપરાડા તાલુકામાં થયેલા ધોધમાર (Heavy Rain) વરસાદનું પાણી ખેરગામમાંથી પસાર થતી તાન. માન અને ઔરંગા (Oranga Rivar) નદીમાં આવતા ચાર જેટલા લો લેવલ બ્રિજ (Low Level Bridge) પાણીમાં ગરકાવ થયા હતા. જેના પગલે ખેરગામ તાલુકાના ધરમપુર અને વલસાડ તાલુકાના ગામોનો સંપર્ક કપાય ગયો હતો. જેમાં તાન નદી ઉપર પાટી, ખેરગામ, ખટાણા, ધરમપુર પાણીમાં ડૂબી જતા ખેરગામ તાલુકાના આઠ જેટલા ગામોનો ધરમપુર તાલુકા સાથેનો સંપર્ક કપાય ગયો છે.

બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા સંપર્ક કપાયો
ચીમનપાડા, ખેરગામ, મરગમાળ, ધરમપુર ગામ વચ્ચે પસાર થતી માન નદી ઉપરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા સંપર્ક કપાય ગયો છે. આ ઉપરાંત ખેરગામ, નાંધઈ અને વલસાડના મરલા વચ્ચે ઔરંગા નદીનો ગરગડીયા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા સંપર્ક કપાયો હતો. આ ઉપરાંત ખેરગામના બહેજ કુતિખડક અને ધરમપુર ભાભા ગામ વચ્ચેથી પસાર થતી ઔરંગા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા સંપર્ક કપાય હતો. ખેરગામ તાલુકામાંથી તાન, માન, ઔરંગા નદી ઉપરના ચાર જેટલા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ રહેતા વાહનવ્યવહાર માટે જ્યારે માર્ગો બંધ થતા જનજીવન પ્રભાવિત થઈ થયું હતું.

ગરગડિયાનો લો લેવલ બ્રિજનું ખાતમુહૂર્ત મોકુફ રખાયું
ખેરગામના નાધઈ, વલસાડ તાલુકાના મરલા ગામ વચ્ચે પસાર થતી ઔરંગા નદીનો લો લેવલ બ્રિજ ચોમાસામાં કેટલાક દિવસ દરમ્યાન સુધી પૂરના પાણીમાં ગરકાવ રહેતા ભાજપના આગેવાનો અને નેતાઓની રજૂઆતને પગલે ગરગડિયાનો લો લેવલ બ્રિજ માટે 6 કરોડ રૂપિયાના ખર્ચે મેજર બ્રિજ બનાવવા સરકારમાંથી ગ્રાન્ટ મંજુર થઈ છે, સાથે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે 13 સપ્ટેમ્બરના મંગળવારના રોજ બપોરે બે કલાકે ખાતમુહૂર્ત વિધિ રાખવામાં આવી હતી. તેના માટે ઔરંગા નદી કિનારે મંડપ પણ તૈયાર કરાયો હતો, પરંતુ કંઈક કારણસર કાર્યક્રમ રદ થયો ને મંડપ નહીં હટાવાતા તે પૂરના પાણીમાં ઘસડાવાની તૈયારીમાં જણાય રહ્યો હતો તાલુકામાં સીઝનનો કુલ વરસાદ 113.68 ઇચ નોંધાયો હતો.

ચીખલીમાં ચાર ઈંચ વરસાદ: કાવેરી, ખરેરા, અંબિકા નદીમાં ઘોડાપૂર
ઘેજ: ચીખલી પંથકમાં અંતિમ તબકકામાં મેઘાએ જમાવટ કરતા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા કાવેરી, ખરેરા, અંબિકા સહિતની લોકમાતાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.ચીખલી અને ઉપરવાસમાં રાત્રિ દરમ્યાનથી વરસાદની શરૂઆત થઇ ગઇ હતી અને સાંજે ચાર વાગ્યે પૂરા થતા ચોવીસ કલાકમાં ૧૦૫ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. દિવસભર સતત વરસાદને પગલે ઠેર ઠેર માર્ગો ઉપરથી પાણી વહેતા થઇ ગયા હતા.

ગણદેવી તાલુકામાં ભાદરવો ગર્જ્યો, 3.56 ઇંચ વરસાદ
ગણદેવી તાલુકામાં ભાદરવે અષાઢી માહોલ જામ્યો છે. ગુરૂવારે સાંજે 4 કલાકે વીતેલા 16 કલાકમાં વધુ 89 મીમી (3.56 ઇંચ) સાથે મોસમનો 1932 મીમી (77.28 ઇંચ) વરસાદ નોંધાયો છે. સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે અવિરત વરસાદી હેલી જામી છે. વરસાદને પગલે રાબેતા મુજબ ઠેર ઠેર પાણીનો ભરાવો જોવાયો હતો. લોકમાતા અંબિકા, કાવેરી, પનિહારી, વેંગણિયા નદીઓ ફરી એકવાર બંને કાંઠે વહેતી થઈ હતી. અંબિકા નદીએ 3.200 મીટરની જળસપાટી વટાવી હતી.

પારડીમાં દિવસભર અંધારપટ સાથે ધોધમાર 4.8 ઈંચ વરસાદ
પારડી: પારડી તાલુકામાં ગુરૂવારે સવારથી અંધારપટ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું સાથે ધોધમાર 4.8 ઈંચ વરસાદ પડવાથી જનજીવન ખોરવાયું હતું. હાઈ વે પર વાહનોની ગતિ ધીમી પડી હતી. તો બીજી તરફ નોકરિયાત, શાળા એ જતા વિદ્યાર્થીઓ, અને કામાર્થે જતા લોકો સવારના ભારે વરસાદને લઇ મુશ્કેલીમાં મુકાયા હતા. આ સાથે પારડી તાલુકાના ગામડાઓમાં પણ દિવસ દરમિયાન મેઘમહેર રહી હતી. હાઇવે પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જતા અનેક વાહનોને નુકસાન થયું હતું. જેમાં પારડી-ખડકી હાઇવે તેમજ મોતીવાડા હાઇવે પાસે મસમોટા ખાડામાં વાહનો પટકાતાં ટાયર ફાટવા સહિતનું નુકસાન થયું હતું. હવામાન વિભાગની 3 દિવસની આગાહીને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ હતી.

Most Popular

To Top