Madhya Gujarat

ખેડા વન વિભાગ માનવતા અને ફરજ બન્ને ચુક્યું

ખેડા: ખેડા તાલુકાના ખુમરવાડ ગામમાં વૃક્ષ પરથી જમીન પર પટકાયેલ વાનર અને તેનું નવજાત બચ્યું જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યું હતું. આ બંને વાનરોને બચાવવા માટે તા.પંચાયતના સભ્યએ વનવિભાગને ટેલિફોનિક જાણ કરી હતી. પરંતુ, વનવિભાગની ટીમે સ્થળ પર આવવામાં અખાડા કર્યા હતાં. જેને પગલે બંને વાનરોએ દમ તોડ્યાં હતાં.  ખુમરવાડ ગામની પ્રાથમિક શાળા પાછળ રહેણાંક વિસ્તારના ઘટાદાર વૃક્ષ ઉપર રવિવારના રોજ સવારે એક માદા વાનરે બચ્યાંને જન્મ આપ્યો હતો. જેની ગણતરીની મિનીટો બાદ કોઈ કારણોસર નવજાત વાનરનું બચ્યું અને તેની માતા વૃક્ષ પરથી નીચે જમીન પર પટકાયાં હતાં.

જેથી આ વિસ્તારમાં રહેતાં રહીશો ઘટનાસ્થળે એકત્રિત થયા હતાં. આ ઘટના અંગે ખેડા તાલુકા પંચાયતના સભ્ય ખોડાભાઈ વાઘેલાએ બંને વાનરોના જીવ બચાવવા માટે તાત્કાલિક વનવિભાગનો સંપર્ક કર્યો હતો. જોકે, તે વખતે સાહેબ નથી. તેમ કહેવામાં આવ્યું હતું અને ચાર્જમાં હાજર ભાવનાબેનનો નંબર આપવામાં આવ્યો હતો. જેથી ખોડાભાઈએ તરત જ ભાવનાબેનને ફોટા અને બનાવની વિગતો ધરાવતો મેસેજ મોકલ્યો હતો અને ત્યારબાદ તેમને ફોન કર્યો હતો. તે વખતે વનવિભાગના ભાવનાબેને માણસો મોકલું છુ તેવું જણાવ્યુ હતું. પરંતુ, ઘણાં સમય બાદ પણ વનવિભાગમાંથી કોઈ અધિકારી કે કર્મચારી ફરક્યું  ન હતું અને સારવાર ન મળવાથી  બન્નેના મોત નિપજ્યાં હતાં. આમ, વનવિભાગના અધિકારી, કર્મચારીની બેદરકારીને કારણે વાનર ને તેના નવજાત બચ્યાંનું મોત થયું હોવાથી રોષની લાગણી જન્મી હતી.

વનવિભાગના કર્મચારીએ તા.પંચાયતના સભ્યનો નંબર બ્લેકલિસ્ટમાં નાંખી દીધો
બંને વાનરનો જીવ બચાવવામાં નિરસ વનવિભાગની ટીમ સ્થળ પર આવી ન હતી. જેથી ખોડાભાઈએ વનવિભાગમાં અવારનવાર ફોન કર્યાં હતાં. દરમિયાન વનવિભાગના કર્મચારીએ અમારી 8 કલાકની નોકરી હોય છે, કામ જેટલો પગાર પણ આપતાં નથી, તેમ જણાવ્યા બાદ ફોન કાપી નાંખ્યો હતો અને તા.પંચાયતના સભ્ય ખોડાભાઈનો મોબાઈલ નંબર બ્લેકલિસ્ટમાં નાંખી દીધો હતો.

Most Popular

To Top