સુરત (Surat): સુરતમાં મનપાની ચૂંટણીમાં પ્રથમવાર ચૂંટણી લડનાર આપ પાર્ટીને (AAP) સુરતમાં સફળતા મળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) આગામી શુક્રવારે સુરત આવવાના છે. સુરતના પ્રવાસ દરમિયાન મીની બજાર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રોડ શો શરૂ કરીને સરથાણા ખાતે જાહેર સભા અને સંબોધિત કરશે એવુ જાણવા મળ્યુ છે. આપના નેતાઓએ કહ્યુ છે કે કેજરીવાલ સવારે 8 વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ (Surat Airport) ઉતરશે.
તેઓ એરપોર્ટથી સીધા સર્કિટ હાઉસ જશે. બપોરે 3:00 વાગ્યે વરાછાના મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શો માં જોડાશે. વરાછા મીનીબજારના માનગઢ ચોક પર સરદાર વલ્લભભાઇ પટેલની (Sardar VallabhbhBhai Patel, Iron Man of India) પ્રતિમાને પુષ્પઅંજલી આપી હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા પર રોડ-શો પૂર્ણાહુતિ કરશે. અહીં લોકોને સંબોધી ફરી સાંજે 7:00 વાગ્યે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે.
સમાચાર આવ્યા છે કે સુરતના કેટલાક વેપારીઓ અને ઉદ્યોગકારો તેમજ ચેમ્બરના પદાધિકારીઓ સાથે મીટિંગ રાખવામાં આવી હતી. જોકે બુધવારે આ મીટિંગ રદ્દ કરવામાં આવી હોવાનું ચેમ્બરે જણાવ્યું હતું. ચર્ચા એવી છે કે સરકારના દબાણ હેઠળ ચેમ્બરે કેજરીવાલ સાથેની મીટિંગ રદ્દ કરી છે. જોકે ચેમ્બરનું કહેવું છે કે અનિવાર્ય કારણોસર મીટિંગ રદ્દ કરવાની ફરજ પડી છે.
સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં આપના ઉમેદવારોની જીત થઈ છે. આ વિસ્તારોમાં સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગકારો રહે છે. આ વિસ્તારોમાં હીરાની ફેક્ટરી, ઓફિસો આવેલી છે. જેથી સુરત આવી રહેલા કેજરીવાલ સાથે વાર્તાલાપ માટે ઔદ્યોગિક સંગઠનોની મદદથી મીટિંગનું આયોજન કરવા માટે મંગળવારે સાંજથી જ ઉદ્યોગકારોએ પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતાં. આખરે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ મીટિંગ ગોઠવવાનું નક્કી થયું હતું. આ અંગે મેમ્બર્સને મેસેજ મારફતે જાણ કરી દેવાઈ હતી. જોકે, ત્યાર બાદ એકાએક જ આ મીટિંગ રદ કરી દેવામાં આવી હોવાના મેસેજ ચેમ્બર દ્વારા ફરતા કરવામાં આવતા તરેહતરેહની ચર્ચા ઉઠી હતી.
શહેરના વેપારી આલમમાં એવી ચર્ચા શરૂ થઈ કે, રાજકીય દબાણને વશ થઈ આ મીટિંગ રદ કરવામાં આવી છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડીયાએ સ્પષ્ટતા કરી કે, ચેમ્બર બિનરાજકીય સંસ્થા છે.કોઈ રાજકીય પક્ષનું સમર્થન કરતી નથી. તેથી કોઈ રાજકીય દબાણને વશ થઈ દિલ્હીના મુખ્યમંત્રી સાથેની મીટિંગ રદ કરાઈ હોવાની વાત પાયાવિહોણી છે. કેટલાંક અનિવાર્ય સંજોગોના લીધે મીટિંગ રદ કરવી પડી છે.
કેજરીવાલે ગુજરાતી ભાષામાં ગુજરાતની પ્રજાનો આભાર માન્યો:
સુરતમાં 27 બેઠકો પર વિજય મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીના રોજ સુરત આવશે. તેઓએ ગુજરાતી ભાષામાં અહીંની પ્રજાનું અભિવાદન કર્યું છે. ગુજરાતમાં ભાજપનો ઉદય પણ સુરતથી જ થયો હતો અને આમ આદમી પાર્ટીએ પણ સુરતમાં પગપેસારો કર્યો છે અને મહાનગરપાલિકામાં 27 સીટો આપને મળતાં દિલ્હીના નેતાઓ ગેલમાં આવી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાને એક સંદેશો આપ્યો છે. કેજરીવાલે ગુજરાતી ભાષામાં ગુજરાતની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે 26 મી ફેબ્રુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવનાર છે અને પાટીદાર મતવિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડના સ્થળથી રોડ શો શરૂ થશે.