કામરેજ: (Kamrej) ત્રણ દિવસ અગાઉ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો કઠોરનો યુવાન ગુમ થયા બાદ રવિવારના રોજ કઠોર માન સરોવર રેસીડન્સીમાં લીફટના (Lift) ખાડામાં (Pit) ભરાયેલા પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
મુળ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામના વતની અને હાલ કામરેજના કઠોર ગામે નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલી માન સરોવર રેસીડન્સીમાં બ્લોક નંબર એ 11માં ફલેટ નંબર 202માં રહીને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા દિવ્યેશ ડાહ્યાભાઈ હાથીયા (ઉ.વ.25), ગત તા. 4થી મેના રોજ ગુમ થઈ ગયા હતાં. જે અંગે તેમના કાકાભાઈએ કામરેજ પોલીસ મથકમાં ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ આપી હતી. બાદમાં આજે રવિવારના રોજ બપોરના 12.30 કલાકે એપાર્ટમેન્ટમાં આવેલી લીફટના ખાડામાં ભરાયેલા પાણીમાંથી દિવ્યેશનો મૃતદેહ મળી આવતા કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓલપાડના દેલાડ ગામે પટેલ પાર્કમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી
સાયણ: ઓલપાડ તાલુકાના દેલાડ ગામે હ્યુન્ડાઇ શો-રૂમની સામે આવેલા પટેલ પાર્કમાંથી ભિખારી જેવા લાગતા એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. ગઇકાલે બપોરે-૩:૩૦ કલાકના સુમારે સાયણ ટાઉનમાં ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરાંગભાઇ દિલીપભાઇ કોસાડિયાએ દેલાડ ગામે હ્યુન્ડાઇ શો-રૂમની સામે આવેલ પટેલ પાર્કમાં એક અજાણ્યા પુરૂષ ઈસમની લાશ જોઇ હતી. જેથી તેમણે આ બાબતે સાયણ આઉટ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થલે પહોંચી લાશનો કબજો લઈ તપાસ કરતાં તે એક ભિખારી જેવો દેખાતો હતો અને તેની ઉંમર આશરે ૪૦ વર્ષની જણાઈ હતી.જયારે તેની ઓળખ ન થતાં પોલીસે લાશનું સાયણ ખાતેના સરકારી દવાખાનામાં પીએમ કરાવ્યું હતું.