તમન્ના, અનુષ્કા શેટ્ટી, કાજલ અગ્રવાલ વગેરે સાઉથની ફિલ્મોમાં દબદબો ધરાવે છે. તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કરવા સાથે તેમણે હિન્દીમાં પણ ચાન્સ મારવો હોય છે. કાજલને નામે સાઉથની અનેક બ્લોક બસ્ટર્સ ફિલ્મો ચડી ચુકી છે. ‘ચંદામામા’, ‘મગાધીરા’ જેવી સુપરહીટ ફિલ્મો વચ્ચે તેણે હિન્દીમાં ‘સિંઘમ’ અને ‘સ્પેશિયલ ૨૬’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે પણ હવે તે એવી ફિલ્મમાં આવી રહી છે જેના કેન્દ્રમાં માત્ર તેનું જ પાત્ર છે. ‘ઉમા’ નામની આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ચૂકયું છે. કાજલને તેનું શૂટિંગ કોલકાતામાં કરવું ફાવે તેમ હતું તો આખું શૂટિંગ એ રીતે ગોઠવાયું ને ફિલ્મ પૂરી કરી દેવામાં આવી.
કાજલને આ ફિલ્મ કરવી ખૂબ ગમી છે તે પોતાના પાત્રને ખાસ માને છે. સાઉથમાં એસ.એસ. રાજામૌલીથી માંડી દરેક ટોપના દિગ્દર્શકની ફેવરીટ કાજલ મુંબઇના દિગ્દર્શકોની પણ ફેવરીટ થવા માંગે છે. દક્ષિણની અને હિન્દીની ફિલ્મો ઘણીવાર એકમેકની સફળતા રિમેક વડે દોહરાવે છે. કાજલે હિન્દીમાં ‘સિંઘમ’માં કામ કરેલું તે ૨૦૧૦ ની તમિલ ફિલ્મની રિમેક હતી. પણ ‘ઉમા’ કોઇ રિમેક ફિલ્મ નથી. ઘણીવાર તેની હિન્દી ફિલ્મો લોકોની નજરે ચડયા વિનાની રહી ગઇ છે. રણદીપ હૂડા સાથે તેણે ‘દો લફઝોકી કહાની’ માં કામ કરેલું પણ સફળ ન રહી. હવે તે આ બધા ગણિત સમજી ચુકી છે.
પણ હા, તેની ‘મેર્સલ’ નામની તમિલ ફિલ્મ ૨ બિલીયન કલબમાં શામિલ થઇ છે તો એવી ફિલ્મ હિન્દીમાં કરવા મળે તો ઉત્સાહ વધે. સંજય ગુપ્તા સાથેની ‘મુંબઇ સાગા’ પણ તે કી ચુકી છે પણ અત્યારે તે ચિરંજીવી, રામચરણ સાથેની ‘આચાર્ય’ અને ‘ઇન્ડિયન-2’ની રાહ જોઇ રહી છે. ઓકટોબર-૨૦૨૦ માં ગૌતમ કિચલુને પરણેલી કાજલ હજુ ઘણી ફિલ્મો કરવા માંગે છે. મેડમ તુસાદ મ્યુઝિયમમાં જે દક્ષિણની અભિનેત્રીનું પહેલ વહેલુ સ્ટેચ્યુ મુકાયું હોય તે કાજલનું છે. કાજલ આવી વાતથી ખુશ થાય છે પણ ‘ઉમા’ હિન્દીમાં સફળ થશે તો વધુ ખુશ થશે.