ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસની (Congress) કામગીરીથી નારાજ થઈને પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસના દિગજ્જ નેતા જયરાજસિંહ પરમાર (Jayrajsinh Parmar) કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી. પરંતુ તેમણે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે તેઓ 22 ફ્રેબુઆરીએ ભાજપમાં (BJP) જોડાઈ રહ્યા છે. આ પહેલા તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (C R Patil) સાથે મુલાકાત કરી હતી. સીઆર પાટીલે ચાંદીનો સિક્કો આપીને તેમનુ સ્વાગત કર્યુ હતું. તેમણે સી આર પાટીલ સાથે કરેલી મુલાકાતના ફોટા શેર કર્યા હતા અને ટ્વીટ કરતા લખ્યું હતું કે કુળદેવીના આશીર્વાદ સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું.
કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર આખરે કેસરિયો ધારણ કરવા જઈ રહ્યાં છે. 22 ફેબ્રુઆરીએ ગાંધીનગર કમલમ ખાતે જયરાજસિંહ ભાજપનો ખેસ ધારણ કરશે. આ અગાઉ પણ સી આર પાટીલ સાથે તેમની મુલાકાતની અટકળો ચાલી રહી હતી. ઉલ્લેખીનય છે કે જયરાજસિંહ ત્રણ દિવસ પહેલાં જ કોંગ્રેલ પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ પાર્ટી છોડવાનું કારણ જ્યારે તેમને પૂછવામાં આવ્યું તેમણે કહ્યું હતું કે પાર્ટી બરાબર કામ નથી કરી રહી તેથી તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી તાલુકા કોંગ્રેસપ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજીના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા,બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જશુ પ્રજાપતિ સહિતના અન્ય 150 જેટલા આગેવાનોને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
જયરાજસિંહ પરમાર અને તેમના પુત્રએ સીઆર પાટીલ સાથે પણ મુલાકાત કરી. અને આ બેઠક અઢી કલાક સુધી ચાલી હતી. માહિતીના આધારે પાર્ટીમાં પહેલા પહેલા સમર્થકો અને પછી જયરાજસિંહ જોડાશે તેવી વાત થઈ હતી. જયરાજસિંહને ભાજપમાં સન્માન મળશે તેવી પણ પાટીલ દ્વારા ખાતરી અપાઈ હતી. મળતી માહિતી અનુસાર જયરાજસિંહ પરમારને બોર્ડ નિગમમાં પણ સ્થાન મળી શકે છે.
જયરાજસિંહેએ ટ્વીટ કરીને જાહેરાત આપી
ત્રણ દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટી છોડી દીધા બાદ આજે તેમણે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, ‘મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.. જય હિંદ..’
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીના આંતરિક વિવાદોના કારણે જયરાજસિંહ પરમારે તાજેતરમાં પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં કોઈ સિસ્ટમ નથી. મે કારકિર્દી જોખમમાં મૂકીને કામ કર્યુ છે. આ ઉપરાંત તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસ લખ્યું હતું તે હટાવી દીધું હતું. તેમજ તેમણે કાર્યકરો જોગ પત્ર પણ લખ્યો હતો. જેમાં પોતાને થયેલા અન્યાયનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ પોતાને ટિકિટ ન મળ્યાનો પણ ઉલ્લેખ પણ આ પત્રમાં કરવામાં આવ્યો છે.