જે હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ ઉછાળતા હતા, ત્યાં જ MLO ઓફિસમાં સારવાર કરાવી વિવાદ છેડ્યો
(પ્રતિનિધિ), વડોદરા. તા.6
વડોદરા :- શહેરના વોર્ડ નંબર 13 ના ભાજપના કોર્પોરેટર જાગૃતિ કાકા આજે બપોરે એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. બપોરે અંદાજે 3:30 વાગ્યાના અરસામાં શહેરના ભીમનાથ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમનું એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં તેમને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં તેમની સારવાર જે રીતે કરવામાં આવી તેને લઈને અનેક ચર્ચાઓ અને સવાલો ઉભા થયા છે.

સ્થાનિકોમાં ચર્ચાતી વિગતો મુજબ, કોર્પોરેટર જાગૃતિ કાકા અવારનવાર સયાજી હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ જાહેરમાં લાવી હોસ્પિટલ તંત્ર પર આકરા પ્રહારો કરતા હોય છે. પરંતુ આજે જ્યારે તેઓ પોતે દર્દી તરીકે આવ્યા, ત્યારે ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું હતું. એક જનપ્રતિનિધિ તરીકે તેમણે સામાન્ય જનતાની જેમ વોર્ડમાં કે કેઝ્યુઆલ્ટીમાં સારવાર લેવાના બદલે, મેડિકો લીગલ ઓફિસર ની ઓફિસમાં VIP સુવિધા સાથે ટ્રીટમેન્ટ મેળવી હતી.

અકસ્માતની જાણ થતા જ મ્યુનિસિપલ કમિશનર સહિત હોસ્પિટલના ઉચ્ચ તબીબોનો કાફલો કોર્પોરેટરની ખબર અંતર પૂછવા અને તેમની સારવારની દેખરેખ રાખવા દોડી આવ્યો હતો. આ દ્રશ્યો જોઈ હોસ્પિટલમાં હાજર અન્ય દર્દીઓના સંબંધીઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે, જ્યારે સામાન્ય જનતા ગંભીર હાલતમાં હોસ્પિટલ આવે છે ત્યારે કલાકો સુધી કોઈ ઉચ્ચ તબીબ ડોકાતા નથી અને દર્દીઓને માત્ર રેસિડન્ટ તબીબોના ભરોસે છોડી દેવામાં આવે છે.

મળતી માહિતી મુજબ, જાગૃતિ કાકા કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે ભીમનાથ બ્રિજ પાસે તેમનું ટુ-વ્હીલર અચાનક સ્લીપ થઈ ગયું હતું. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલ તંત્રનો ભેદભાવભર્યો વહીવટ અને કોર્પોરેટરની બેવડી નીતિ શહેરમાં ચર્ચાનો વિષય બની છે. એક તરફ હોસ્પિટલની ખામીઓ કાઢવી અને બીજી તરફ મુસીબતના સમયે એ જ સરકારી તંત્ર પાસે VIP ટ્રીટમેન્ટ લેવી તે બાબતે વિપક્ષ અને સામાન્ય જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.