મણીપુરની વંશીય હિંસા અટકવાનું નામ લેતી નથી! અત્યાર સુધીમાં અંદાજે 100 મૃત્યુ થઇ ચૂકયાં છે. અનેકો ઘાયલ થયાં છે અને હજારોનું સ્થળાંતર કરાયું છે! અહીં ડબલ એંજીનની સરકાર જ છે અને છતાં હિંસા નાથવામાં નિષ્ફળ નીવડી છે! ગુજરાતના ડબલ એંજીન સરકારનો ઠેર ઠેર પ્રચાર કરાય છે પણ જયાં જયાં આ એંજીનવાળી સરકાર છે ત્યાં એંજીન ખોટકાયા જ કરે છે! બીજી તરફ ભરતના કુસ્તીબાજો એમના ઉપર થયેલા જાતીય અત્યાચારો વિરુધ્ધ લાંબા સમયથી ધરણા ઉપર છે. પણ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી! બલ્કે જે મેડલો થકી આ કુસ્તીવીરોએ દેશને ગૌરવ અપાવ્યું તેમના ઉપર લાઠીચાર્જ સહિત અમાનુષી અત્યાચારો ગુજારાય છે જેની સામે છેડતી અને હેરાનગતિના આક્ષેપો થયા છે તે બ્રિજભૂષણ શરણસિંહનો હજુ સુધી વાળ પણ વાંકો થયો નથી! કારણ શું? બધા જ એનાથી અવગત છે! વિચારો, ભાજપા સિવાયના કોઇ નેતા દ્વારા આવું કૃત્ય થયું હોય તો ભાજપીઓએ આંદોલન થકી આખો દેશ ગજવી મૂકયો હોત અને અહીં મોં સીવીને બેઠા છે! હાથીના ચાવવાના જુદા ને બતાવવાના જુદા! જે ગુજરાતમાં વારંવાર સંવેદનશીલ સરકારનો ઉલ્લેખ કરાય છે તે સંવેદનશીલ સરકાર આને કહેવાય?
સુરત – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વાનરોની પ્રજાતિઓ પરનાં સંશોધનથી નવાં રહસ્યો ખૂલી શકે
તા. 10-5-23ના ‘ગુજરાતમિત્ર’ની દર્પણ પૂર્તિમાં નરેન્દ્ર જોશીની કોલમ ‘સમુદ્ર એક કિનારા અનેકમાં અને માનવીનું મગજ ફરી ગયું ?’’ શીર્ષક હેઠળનો લેખ વાંચી લખવાની પ્રેરણા મળી. એમણે ચિમ્પાન્ઝી અને માવીના જેનોમ અને DNA અંગે ડો. કે.ટી. પોલાડે જે સંશોધન કર્યું છે તેની વાત કરી છે. ચિમ્પાન્ઝી અને માનવીના DNA અમુક હદ સુધી એકસરખાં રહ્યાં. આથી ડો. કે.ટી. પોલાર્ડે કહ્યું કે ચિમ્પાન્ઝી આપણા સમાન વડવા હતા. તેઓની માનસિક સ્થિતિ જેવી ને તેવી જ રહી જયારે માનવીના જેનોમ અને DNA નો વિકાસ થવાથી તેની બુધ્ધિશક્તિનો વિકાસ થયો. માનવીનો વિકાસ ગર્ભમાં જ થાય છે. લોકો પ્રશ્ન કરે છે કે માનવી વાંદરામાંથી ઉતરી આવ્યા તો વાંદરા માનવી કેમ નથી બની શકતા ?
હું વાંદરા વિષે પાકિસ્તાનમાં બનેલી એક સત્ય ઘટના વિષે કહેવા માંગુ છું, ત્યાં એક જગ્યાએ જેસીબીથી કામકાજ ચાલતું હતું. જેસીબી ખોદકામ દરમિયાન અટકી ગયું. તે જગ્યાએ ખોદકામ કર્યું તો ત્યાં હનુમાનજીનું મંદિર નીકળ્યું. ત્યાર બાદ ત્યાં વાંદરાઓનાં ટોળાએ આવી કામકાજ અટકાવ્યું અને પાકિસ્તાન સરકારે ત્યાં હનુમાનજીનું મંદિર બનાવવું પડયું. તો આ વાંદરાઓને કેવી રીતે સમજાયું ? રામાયણમાં વાલી અને સુગ્રીવની વાત આવે છે.
તેઓનું લશ્કર હતું. રામને મદદ વાનરોએ કરી હતી તેવી વાત આવે છે. તો શું ત્યારે તેઓ બોલી શકતા હતા? દક્ષિણ ભારતમાં કોઇ એક સ્થળે વાનરો નાળિયેર તોડી આપે છે એવું સાંભળ્યું છે તો તેઓને તાલીમ આપવામાં આવે તો તેઓ ઘણું કરી શકે ખરા. મદારી ભોજલા વાનર પાસે ઘણા ખેલ કરાવે છે તો વૈજ્ઞાનિકો સંશોધન કરતા રહે તો વાનરોમાં સુધારો થઇ શકે ખરો? હાથી બુધ્ધિશાળી પ્રાણી ગણાય છે તે ચિત્ર પણ દોરે છે તો વાનરોની ઘણી પ્રજાતિ છે તો તેના પર સંશોધન થાય તો ઘણો સુધારો થાય તેવું બને ખરું ?
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.