નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે આજે દુબઈમાં (Dubai) ખેલાડીઓની હરાજી (Auction) કરવામાં આવી રહી છે. આ મીની હરાજીમાં 332 ખેલાડીઓના ભાવિનો નિર્ણય થવાનો છે, જેમાં 216 ભારતીય અને 116 વિદેશી ખેલાડીઓ છે. આ 332 ખેલાડીઓને 19 સેટમાં વહેંચવામાં આવ્યા છે. લિસ્ટમાં 23 એવા ખેલાડીઓ છે જેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.
વર્લ્ડકપમાં ભારતની હાર માટે જવાબદાર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને ખરીદવા માટે ફ્રેન્ચાઈઝીઓમાં હોડ લાગી હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડને હૈદરાબાદે ખરીદયો હતો તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સને ખરીદવા માટે આઈપીએલની હરાજીમાં ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે ભારે જંગ જોવા મળ્યો હતો.
આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે કમિન્સને ખરીદવા હોડ લાગી હતી. આખરે કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ ચૂકવી ખરીદયો હતો. આ સાથે જ પેટ કમિન્સ આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. જોકે, સૌથી મોંઘા ખેલાડી તરીકેનો પેટ કમિન્સનો રેકોર્ડ થોડા જ કલાકોમાં તૂટી ગયો. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આઈપીએલના ઈતિહાસનો મોંઘો ખેલાડી બની ગયો છે. કોલકત્તા નાઈટ રાઈડર્સે સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદયો છે.
કમિન્સ બાદ સૌથી વધુ રકમ મિશેલ અને હર્ષલ પટેલને મળી છે. ડેરીલ મિશેલને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મિશેલે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત સામે બે સદી ફટકારી હતી. હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
હેરી બ્રુક (Harry Bruke) આઈપીએલની આગામી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળશે. ઇંગ્લિશ ક્રિકેટર હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. બ્રુક ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો (SunrisersHaydrabad) ભાગ હતો. બ્રુકની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ઈંગ્લિશ ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને પંજાબ કિંગ્સે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
શ્રીલંકાના વાનિંદુ હસરંગાને પણ સનરાઇઝર્સ હૈદરાબાદે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હસરંગાની મૂળ કિંમત માત્ર 1.5 કરોડ રૂપિયા હતી. ટ્રેવિસ હેડને (Travis Head) સનરાઇઝર્સે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રચિન રવિન્દ્રને (RachinRavindra) ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રવિન્દ્રની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી.
શાર્દુલ ઠાકુરને ચેન્નાઈ સુપર કિંગ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. શાર્દુલની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. અઝમતુલ્લા ઓમરઝાઈને ગુજરાત ટાઇટન્સે રૂ. 50 લાખની મૂળ કિંમતે ખરીદ્યો છે. અઝમતુલ્લા ઓમરઝાઈ અફઘાનિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. ગેરાલ્ડ કોએત્ઝીને મુંબઈ ઈન્ડિયન્સે 5 કરોડમાં ખરીદયો હતો. હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર કરુણ નાયર પ્રથમ રાઉન્ડમાં વેચાયા વગરનો રહ્યો હતો. નાયરની મૂળ કિંમત 50 લાખ રૂપિયા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ પણ પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો છે. સ્મિથની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. સ્ટાર બેટ્સમેન મનીષ પાંડે પણ અનસોલ્ડ રહ્યો છે. મનીષ પાંડેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી.