Madhya Gujarat

ફતેપુરા તાલુકાના કાળીયા ગામના ખેડૂતોને MGVCL દ્વારા હળહળતો અન્યાય.?

સુખસર: ફતેપુરા તાલુકામા એમજીવીસીએલ તંત્રનો વહીવટ દિન-પ્રતિદિન મનસ્વીપણે ચલાવાઈ રહ્યો હોય વીજ ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.જોકે વીજ પ્રવાહ મેળવતા ગ્રાહકો વીજ પ્રવાહ ગેરકાયદેસર મેળવવા કોઈપણ પ્રકારે તંત્રને નુકસાન જાય તેવું કૃત્ય કરે અને તેના સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે યોગ્ય છે.પરંતુ અહીંયા પ્રસ્તુત કિસ્સામાં એક ખેડૂત નિયમિત વિજ બિલ ભરપાઈ કરતો હોય તેમજ તેનો કોઈ કશુર નહી હોવા છતાં એગ્રિકલ્ચર લાઈનનો નવીન સર્વિસ વાયર બે દિવસમાં બદલી આપવાનું જણાવી ચાર-ચાર માસ થવા છતાં સર્વિસ વાયર નહી નાખી ખેડૂત સાથે અન્યાય કરવામાં આવતા તંત્રના જવાબદારોને લેખિત રજૂઆત કરવા છતાં તે પ્રત્યે ધ્યાન નહીં અપાતા અન્યાયનો ભોગ બનેલા ખેડૂત દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતો થનાર હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કાળીયા ગામે કલાલ ફળિયામાં રહેતા દલસીંગભાઈ પના ભાઈ મછારનાઓ ખેતીવાડી દ્વારા ગુજરાત ચલાવે છે.તથા તેઓ પોતાની માલિકીનો કૂવો પણ ધરાવે છે.આ કુવા ઉપર પાંચ વર્ષ અગાઉ એગ્રીકલ્ચર વીજ લાઈન લીધેલ હતી.અને તેના દ્વારા પોતાની ખેતીમાં પાણી પહોચાડતા હતા. તેમજ તેમના આ કુવા ઉપર લીધેલ એગ્રીકલ્ચર લાઈન નાખ્યા બાદ આજ દિન સુધી કોઇ જ બોલ્ટમાં આવ્યા નહી હોવાનું જાણવા મળે છે.

તેમ છતાં ગત ચારેક માસ અગાઉ ફતેપુરા એમ.જી.વી.સી.એલ.માંથી કર્મચારીઓએ આવી જણાવેલ કે,તમારા કુવા ઉપર આપેલ વીજ પ્રવાહનો સર્વિસ લાઈનનો વાયર તૂટવા જેવો છે.માટે આ સર્વિસ વાયર અમો આજે ઉતારી જઈએ છીએ.અને બે દિવસમાં નવીન સર્વિસ વાયર આપને નાખી આપીશું તેમ જણાવી સર્વિસ વાયર ઉતારી ગયેલા.ત્યારબાદ સમય થવા છતાં નવીન સર્વિસ વીજ વાયર નહીં નાખતાં દલસિગભાઈ મછારે ફતેપુરા એમ.જી.વી.સી.એલ કચેરી ખાતે હકીકત જણાવેલ.

ત્યાંથી તમો છેલ્લું વીજબિલ આપો ત્યારબાદ તમને સર્વિસ વાયર નાખી આપીએ તેમ જણાવતા છેલ્લું વીજ બિલ પણ ભરપાઈ થયેલ હોવા બાબતની રસિદ રજુ કરેલ હોવા છતાં સર્વિસ વાયર નહીં નાખતાં ગત તારીખ 17 નવેમ્બર- 2021 ના રોજ આર.પી.એ.ડી થી ફતેપુરા એમ.જી.વી.સી.એલ,નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં તે પ્રત્યે આજદિન સુધી ધ્યાન નહીં આપતા નિર્દોષ ખેડૂત ગત ચોમાસામાં  ડાંગરની તૈયાર થવા આવેલી ખેતી સુકાઈ જતા ડાંગર લઈ શક્યા નથી.તેમજ હાલ શિયાળાની રવી સીઝનથી હાથ ધોવાનો વારો આવતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો હોવાનો બળાપો કાઢી સમગ્ર હકીકતથી ઉચ્ચસ્તરે રજૂઆત કરનાર હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત બાબતે ઉચ્ચ કક્ષાએથી તાકીદે ધ્યાન આપી ફતેપુરા એમ.જી.વી.સી.એલના કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર કાપવામાં આવેલ વીજ જોડાણ પુનઃ ચાલુ કરી આપવામાં આવે તેવી ખેડૂતની રજૂઆત પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.

Most Popular

To Top