રાંચી: ભારત અને ઇંગ્લેન્ડ (IndiaVsEngland) વચ્ચે 5 ટેસ્ટ મેચની (TestSeries) શ્રેણીની ચોથી મેચ JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સ, રાંચીમાં (Ranchi) રમાઇ રહી છે. આજે મેચનો બીજો દિવસ છે. આજે ઈંગ્લેન્ડે ગઈકાલના 302ના સ્કોરથી રમત આગળ વધારી હતી. ઈંગ્લેન્ડે વધુ 51 રન ઉમેર્યા હતા. ઓલિ રોબિન્સનના 50 રનની મદદથી ઈંગ્લેન્ડ 353 રન બનાવી શક્યું હતું. ઈંગ્લેન્ડની આખી ટીમ 353 પર ઓલઆઉટ થઈ હતી. જો રૂટ 122 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
લંચ પહેલાં જ ભારતીય ટીમ બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. આજે મેચના બીજા દિવસે તા. 24 ફેબ્રુઆરીએ ભારતીય ટીમમાંથી આઉટ થનાર પ્રથમ બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા (RohitSharma) હતો, જે માત્ર 2 રન બનાવીને જેમ્સ એન્ડરસનના બોલ પર બેન ફોક્સના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ ગિલ અને યશસ્વીએ બાજી સંભાળી હતી. જોકે, ગિલ પણ લાંબુ ટકી શક્યો નહોતો. પાટીદાર પણ સસ્તામાં આઉટ થયો હતો. જાડેજાએ એકાદ બે સારા શોટ માર્યા પરંતુ તે 12 જ રન બનાવી શક્યો હતો. ભારતે 150ના સ્કોરની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી. એકમાત્ર યશસ્વીએ હાફ સેન્ચુરી ફટકારી હતી. યશસ્વી પણ સદી ચૂક્યો હતો. તે અંગત 73 રન બનાવી આઉટ થયો હતો. ભારતે 161 પર 5 વિકેટ ગુમાવી હતી.
ત્યાર બાદ વિકેટ કિપર ધ્રુવ જુરેલ સાથે સરફરાઝ ખાને રમત આગળ વધારી હતી. જોકે, સરફરાઝ પણ વધુ ટકી શક્યો નહોતો. તે અંગત 14 રન બનાવી આઉટ થયો હતો. અશ્વિન પણ 1 રન બનાવી આઉટ થતાં ભારતે માત્ર 177 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ધ્રુવ જુરેલે સ્પીનર કુલદીપ યાદવની મદદથી સ્કોરને 200 પાર પહોંચાડ્યો હતો. દિવસના અંતે ભારતનો સ્કોર 219 રન થયો હતો. વિકેટ કીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ 30 અને કુલદીપ 17 રન બનાવી રમતમાં હતાં. ભારત હજુ પણ ઈંગ્લેન્ડથી 134 રન પાછળ છે.
ઓલી રોબિન્સની હાફ સેન્ચુરીની મદદથી ઈંગ્લેન્ડે 353 રન બનાવ્યા
આ પહેલા ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 353 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ 122 રન બનાવી નોટઆઉટ પરત ફર્યો હતો. જ્યારે ઓલી રોબિન્સને 58 અને બેન ફોક્સે 47 રન બનાવ્યા હતા. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી જ્યારે આકાશ દીપે 3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજને 2 અને અશ્વિનને એક વિકેટ મળી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.