Business

હીરા ઉદ્યોગ માટે હોંગકોંગથી આવ્યા આવા સમાચાર, આગામી 6 મહિના મહત્ત્વના

સુરત : ડિસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023ના નબળાં પ્રદર્શન બાદ ફેબ્રુઆરી 2023માં ભારતીય જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીએ જબરજસ્ત કમબેક કર્યું છે. ફેબ્રુઆરી મહિનામાં હીરા-ઝવેરાતની લગભગ તમામ કેટેગરીની નિકાસમાં ઉછાળો જોવા મળ્યો છે. ભારતીય જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને ફેબ્રુઆરી મહિનામાં ચાઈનીઝ અને મીડલ ઈસ્ટ માર્કેટ તરફથી સારો સપોર્ટ મળ્યો છે. આ બંને બજારોમાંથી સારી ડિમાન્ડ નીકળતા મોટા જથ્થામાં હીરા ઝવેરાતની નિકાસ કરવામાં આવી છે. ભારતીય હીરા ઝવેરાતની નિકાસમાં સરેરાશ 24 ટકાનો વધારો થયો છે. કુલ 28,832.86 કરોડની નિકાસ ફેબ્રુઆરી મહિનામાં થઈ છે જે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 23,326.80 કરોડની રહી હતી.

જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે કહ્યું કે, હોંગકોંગ શો પહેલાં બજાર છેલ્લાં કેટલાંક મહિનાઓથી નકારાત્મક પરિબળોનો સામનો કરી રહ્યું હતું. પરંતુ હવે તે દિવસો ભૂતકાળ બન્યા છે. ચાઈનાના જ્વેલરી માર્કેટ તરફથી મળેલા સારા પ્રતિસાદના લીધે બજારે એકદમથી પોઝિટિવ બાઉન્સ બેક કર્યું છે. હોંગકોંગના શોમાં ચાઈનીઝ માર્કેટની ડિમાન્ડ ખૂલે તે બાબતે જીજેઈપીસી ખૂબ જ ઉત્સાહિત હતું. આશા પ્રમાણે આ શોનો ફાયદો ભારતીય હીરા ઝવેરાત ઉદ્યોગકારોને મળ્યો છે. ભારતીય જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીએ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં જ 32 ટકાનો ઉછાળો અનુભવ્યો છે. જે ચાઈનીઝ ન્યૂ ઈયરની મજબૂત માંગને દર્શાવે છે. તે ઉપરાંત પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં ભારતીય ઝવેરીઓને 45 ટકાનો વધારો જોવા મળ્યો હતો. મીડલ ઈસ્ટના બજારોનો લાભ મળ્યો હતો. સ્ટેડેડ ગોલ્ડ જ્વેલરીની યુએસની નિકાસમાં 20 ટકાનું સુધારો જોવા મળ્યો છે.

શાહે વધુમાં કહ્યું કે, ચાઈનાના માર્કેટે સારું પોટેન્શિયલ બતાવ્યું છે. ચાઈનામાં સરરેશા બચતનો રેશિયો 40 ટકા છે. જે ટ્રિલીયન્સ ડોલર થાય છે. બે વર્ષથી કોરોનાના લીધે ઘરોમાં કેદ ચાઈનીઝ પ્રજા એક રીતે રિવેન્જની જેમ બજારોમાં ખરીદી માટે નીકળી પડી છે. તે જોતાં આગામી 6 મહિના જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે સારા રહે તેવી આશા છે.

ફેબ્રુઆરીમાં પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 32 ટકાનો મજબૂત વધારો નોંધાયો
ફેબ્રુઆરી 2023માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં મજબૂત વધારો જોવા મળ્યો. ગયા વર્ષના 14,841.90 કરોડની સરખામણીએ ચાલુ વર્ષે ફેબ્રુઆરી 2023માં 32 ટકાના વધારા સાથે 19,582.38 કરોડના પોલિશ્ડ ડાયમંડની નિકાસ થઈ છે. તે જ પ્રમાણે ફેબ્રુઆરી 2023માં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 18.23 ટકાનો વધારો નોંધાયો છે. પાછલા વર્ષના 944.84 કરોડની સરખામણીએ ચાલુ વર્ષે 1117.10 કરોડના લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટ થયા છે. જ્યારે ગોલ્ડ જ્વેલરીની પણ વિદેશોમાં ડિમાન્ડ સારી રહી છે. ફેબ્રુઆરીમાં પ્લેન એન્ડ સ્ટેડડ ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 29.89 ટકાનો વધારો નોંધાયો છે. પાછલા વર્ષના 4488.30 કરોડની સરખામણીએ 5829.65 કરોડની ગોલ્ડ જ્વેલરી નિકાસ થઈ છે. માત્ર પ્લેન ગોલ્ડ જ્વેલરીની વાત કરવામાં આવે તો તેની નિકાસમાં 45.04 ટકાનો વધારો થયો છે.

પાછલા વર્ષના 1795.51 કરોડની સામે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં 2604.14 કરોડની પ્લેન ગોલ્ડ જ્વેલરી નિકાસ થઈ છે. સ્ટેડડ જ્વેલરીની નિકાસમાં 19.78 ટકાનો વધારો થયો છે. પાછલા વર્ષના 2692.79 કરોડની સરખામણીએ ચાલુ વર્ષે 3225.51 કરોડની સ્ટેડેડ જ્વેલરીની નિકાસ થઈ છે. આ ઉપરાંત કલર્ડ જેમસ્ટોનમાં તો સૌથી વધુ 116.14 ટકાનો ગ્રોથ નોંધાયો છે. પાછલા વર્ષના 209.16 કરોડની સરખામણીએ ચાલુ વર્ષે 452.08 કરોડના કલર્ડ જેમસ્ટોન નિકાસ થયા છે. જોકે, સિલ્વર જ્વેલરી અને પ્લેટનિમ જ્વેલરીની નિકાસમાં ઘટાડો નોંધાયો છે. સિલ્વર જ્વેલરીમાં 42.89 ટકાના ઘટાડા સાથે પાછલા વર્ષના 1970.82 કરોડની સરખામણીએ 1125.60 કરોડ જ્યારે પ્લેટિનમ જ્વેલરીમાં 37.63ના ઘટાડા સાથે પાછલા વર્ષના 13.94 કરોડની સામે 8.70 કરોડની નિકાસ જ નોંધાઈ છે.

એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023નો સમયગાળો સરેરાશ રહ્યો
ભારતીય જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે વર્ષ 2022 ઉતાર ચઢાવ વાળું રહ્યું હતું. એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023 દરમિયાન જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં સરેરાશ 5.27 ટકાનો જ ગ્રોથ જોવા મળ્યો છે. પાછલા વર્ષના સમાન સમયગાળાના 264994.83 કરોડની સરખામણીએ ચાલુ વર્ષમાં 278960.56 કરોડની નિકાસ રહી છે. આ સમયગાળામાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં 0.22 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પાછલા વર્ષના 163847.98 કરોડની સરખામણીએ 163489.85 કરોડની નિકાસ રહી છે. ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં માત્ર 11.74 ટકાનો વધારો નોંધાયો છે. પાછલા વર્ષના 62527.88ની સરખામણીએ 69866.48 કરોડની નિકાસ રહી છે. જેમાં પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસ 16.39 ટકા વધી છે. પાછલા વર્ષના 26134.67 કરોડની સરખામણીએ 30417.83 કરોડની નિકાસ રહી છે. સ્ટેડેડ ગોલ્ડ જ્વેલરીમાં 8.4 ટકાનો વધારો નોંધાયો છે. 36393.21 કરોડની સરખામણીએ 39448.65 કરોડની નિકાસ રહી છે.

જ્યારે પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. આ ક્ષેત્રના ડાયમંડની નિકાસમાં 43.93 ટકાનો વધારો નોંધાયો છે. પાછલા વર્ષના 8719.02 કરોડની સામે 12549.34 કરોડની નિકાસ રહી છે. આ સમયગાળામાં કલર્ડ જેમસ્ટોનની નિકાસમાં 48.62 ટકાનો વધારો નોંધાયો છે. પાછલા વર્ષના 2121.87 કરોડની સામે 3153.60 કરોડની નિકાસ થઈ છે. સિલ્વર જ્વેલરીની નિકાસ 26.29 ટકા વધી છે. પછલા વર્ષના 18321.89 કરોડની સામે 23139.14 કરોડની નિકાસ રહી છે. પ્લેટિનમ જ્વેલરીની નિકાસ 15.83 ટકા વધી છે. પાછલા વર્ષના 195.96 કરોડની સામે 226.98 કરોડની નિકાસ થઈ છે.

Most Popular

To Top