લંડન: અહીંના ઓવલ ગ્રાઉન્ડ પર આવતીકાલે બુધવારથી શરૂ થઇ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઇનલમાં કૌશલ્ય અને જુસ્સાથી ભરપુર ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન ટીમ સામે મેદાને પડશે ત્યારે બરોબરીનો એક જંગ જોવા મળવાની આશા છે.
બંને ટીમના ડબલ્યુટીસી ફાઇનલ સુધીના પ્રવાસને ધ્યાને લઇએ તો ઓસ્ટ્રેલિયાએ તેની ડબલ્યુટીસી ક્વોલિફિકેશનની શરૂઆત ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે 4-0ના સરસાઈથી એશિઝ શ્રેણી જીતીને કરી હતી. તે પછી પાકિસ્તાન પ્રવાસમાં 1-0થી જીત્યું હતું. ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે બેક ટુ બેક 2-0 થી સીરિઝ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચીને લગભગ ડબલ્યુટીસી ફાઈનલનું સ્થાન પાકું કરી લીધું હતું. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ 2 ટેસ્ટમાં હારને કારણે થોડી શંકાઓ ઊભી થઈ પરંતુ ઈન્દોર ખાતેની 3જી ટેસ્ટમાં જોરદાર જીત સાથે તેમણે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
ટીમ ઈન્ડિયાની સફર પર નજર નાંખીએ તો ઇંગ્લેન્ડ સામે ભારતે પોતાની પહેલી ટેસ્ટ સીરિઝ રમી હતી, જેમાં 2-1થી ટીમ આગળ હતી અને તે પછી પાંચમી ટેસ્ટ સ્થગિત રહી હતી, જે 2022માં ભારતની હાર સાથે પુરી થઇ હતી. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણેની 2 ટેસ્ટની સીરિઝ 1-0થી જીતી. દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ભારત 1-2થી સીરિઝ હાર્યું. શ્રીલંકા સામેની ઘરઆંગણેની સીરિઝ ભારતે 2-0થી જીતી અને બાંગ્લાદેશ પ્રવાસમાં 2-0થી સીરીઝ જીતી. ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 2-1થી સીરિઝ જીતીને ડબલ્યુટીસી ફાઇનલમાં સ્થાન પાકું કર્યું.
ફાઇનલનું જીવંત પ્રસારણ બપોરે 3.00 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટસ અને લાઇવ સ્ટ્રીમીંગ ડિઝની હોટસ્ટાર પર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇંગ્લેન્ડના ઓવલ ખાતે 7થી 11 જૂન દરમિયાન રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો ટોસ બપોરે 2.30 વાગ્યે ઉછાળવામાં આવશે અને મેચ બપોરે 3.00 વાગ્યાથી શરૂ થશે. આ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ પર કરવામાં આવશે જ્યારે તેનું લાઇવ સ્ટ્રીમીંગ ડિઝની હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
WTC ફાઇનલ માટેની ઓવલની પિચ ઉછાળવાળી રહેશે : ક્યુરેટર લી ફોર્ટિસ
લંડન, તા. 06 : ઓવલના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસે જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારથી શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ફાઈનલ માટેની પિચ ઉછાળવાળી હશે. ઓવલની પિચ પરંપરાગત રીતે ઉછાળવાળી અને બેટિંગ માટે અનુકૂળ હોય છે પરંતુ આ વખતે તેના વર્તન અંગે અનિશ્ચિતતા છે કારણ કે ડબલ્યુટીસી ફાઇનલ અહીં જૂનમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ હશે.
મેચની પૂર્વસંધ્યાએ પીચ પર ઘાસ દેખાતું હતું પરંતુ મેચની શરૂઆત પહેલા તેને કાપવામાં આવે તેવી સંભાવના છે. ઓસ્ટ્રેલિયાને વાદળછાયા વાતાવરણથી ફાયદો થઈ શકે છે જ્યારે ભારતીય ટીમ ઈચ્છે છે કે મેચ દરમિયાન સૂર્ય સંપૂર્ણ પ્રકાશે. ફોર્ટિસે રવિચંદ્રન અશ્વિનને તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે તે ઓવલની સારી પિચ હશે. એક વાત એ છે કે તેમાં ઉછાળ જોવા મળશે. આશા છે કે વરસાદ ન પડે.
જો WTC ફાઇનલ ડ્રો થશે તો બંને ટીમ સંયુક્ત વિજેતા જાહેર થશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે બુધવારથી શરૂ થઇ રહેલી ડબલ્યુટીસી ફાઇનલ ડ્રોમાં સમાપ્ત થશે, તો બંને દેશને સંયુક્ત-વિજેતા જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત જો આ ફાઇનલ મેચ ટાઈ થશે તો તેવા કિસ્સામાં પણ ટ્રોફી બંને ટીમ વચ્ચે વહેંચવામાં આવશે.