સમગ્ર ભારત આજે જ્યારે આઝાદીના 75માં સ્વતંત્રતા દિવસને અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ભારત માટે એક નિવેદન બહાર પાડ્યું છે. બાઈડેને કહ્યું કે અમેરિકા લોકતાંત્રિક યાત્રાનું સન્માન કરવા માટે ભારતના લોકો સાથે સામેલ થાય છે, જે મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના સ્થાયી સંદેશ દ્વારા નિર્દેશિત છે. તેમણે કહ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકામાં વસેલા ભારતીય અમેરિકી સમુદાયે અમને એક વધુ નવીન, સમાવેશી અને મજબૂત રાષ્ટ્ર બનાવ્યું છે.
રાષ્ટ્રપતિ બાઇડેને ભારતને સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી અને 76માં વર્ષમાં પ્રવેશની શુભેચ્છા પાઠવતા કહ્યું કે આ વર્ષે અમે ભારત અને અમેરિકન આ બંને મહાન લોકતંત્રો વચ્ચે રાજનયિક સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા અપરિહાર્ય ભાગીદાર છે. અમેરિકા-ભારતની વ્યૂહાત્મક ભાગીદારી કાયદાના શાસન અને માનવ સ્વતંત્રતા તથા ગરિમાને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત પ્રતિબદ્ધતા પર આધારિત છે. અમારા લોકો વચ્ચે ગાઢ સંબંધોથી અમારી ભાગીદારી વધુ મજબૂત થઈ છે.
તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં બંને દેશો લોકતાંત્રિક વ્યવસ્થાની રક્ષા કરવા માટે એક સાથે ઊભા રહેશે. આ સાથે જ અમે અમારા લોકો માટે વધુ શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે સ્વતંત્ર અને ખુલ્લા ઈન્ડો પેસિફિકને આગળ વધારવા અને સાથે મળીને દુનિયાભરમાં અમારી સામે આવનારા પડકારોનું સમાધાન કરવા અમે તૈયાર છીએ.