નવી દિલ્હી: (New Delhi) 15 ઓગસ્ટે વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી રાજધાની દિલ્હીના લાલ કિલ્લા (Red Fort) પરથી સ્વતંત્રતા દિવસ (Independence Day) પર રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાનના સંબોધનને લઈ લાલ કિલ્લા અને તેની આસપાસ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ સોમવારે સતત 9 મી વાર લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને દેશને સંબોધિત કરશે. આતંકવાદી હુમલાની ધમકીને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા (Security System) કરવામાં આવી છે. લાલ કિલ્લાની આસપાસના 5 કિલોમીટરની ત્રિજ્યામાં એરસ્પેસને પણ ચિહ્નિત કરવામાં આવી છે. લાલ કિલ્લાના પ્રવેશદ્વાર પર ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) સાથે કેમેરા લગાવવામાં આવ્યા છે.
આઝાદીની 75મી વર્ષગાંઠ પર સમગ્ર દેશમાં અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી ધ્વજ ફરકાવશે અને દેશને સંબોધિત કરશે. આ તરફ દિલ્હી પોલીસે શહેરમાં સંભવિત આતંકી મોડ્યૂલ અને અસામાજિક તત્વો પર નરજ રાખી સુરક્ષાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં લગભગ 7 હજાર લોકો હાજરી આપશે. વિશ્વભરમાંથી ઘણા VIP/VVIP, NCC કેડેટ્સ અને અન્ય વિશેષ આમંત્રિતો, આ કાર્યક્રમમાં જનતાની સાથે ઉપસ્થિત રહેશે. જેથી સુરક્ષાને ધ્યાનમાં લઈ લાલ કિલ્લાની આસપાસ 10000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
દિલ્હીની તમામ આઠ સીમાઓની સાથે સાથે શહેરના વ્યસ્ત બજારોમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. લાલ કિલ્લાની પાસે અનેક સ્તરની સુરક્ષા સાથે સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે ડ્રોન અને યુએવી વગેરેના કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે લાલ કિલ્લા વિસ્તારમાં ટેરેસ અને અન્ય સંવેદનશીલ સ્થળો પર પતંગ અથવા આકાશમાં ઉડનારી અન્ય વસ્તુઓને પકડવા માટે લોકોને તૈનાત કરવામાં આવ્યા છે. લાલ કિલ્લાની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારને તિરંગો ફરકાવાય ત્યાં સુધી ‘નો કાઈટ ફ્લાઈંગ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે અને ભીડને કાબૂમાં રાખવા માટેના પગલાં પણ લેવામાં આવ્યા છે. આ સિવાય કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કોવિડ-19 પ્રોટોકોલ પણ લાગુ કરવામાં આવશે. જેથી વધુ ભીડ એકઠી ન થાય અને સુરક્ષા જળવાઈ રહે.