Editorial

સ્ટેડિયમમાં હાર જીત પછી સમર્થકો હિંસા પર ઉતરી આવે તેવા બનાવ અટકવા જોઇએ

ગુજરાતીમાં એક શબ્દ છે ખેલદિલી તો અંગ્રેજીમાં પણ આવો જ એક શબ્દ છે અને તે છે સ્પોર્ટર્સમેન સ્પિરિટ આ બંને શબ્દો ખેલાડીઓની ખેલદિલી દર્શાવવા માટે જ છે. રમતને રમતની રીતે જ જોવાવી જોઇએ. આ બાબત 99 ટકા ખેલાડીઓ ખૂબ જ સારી રીતે જાણે છે. તેના કારણે જ તેઓ જીતનો જશ્ન તો મનાવે છે પરંતુ સાથે કારમી હાર પણ પચાવી જાણે છે. પરંતુ સમર્થકો હાર પચાવી શકતા નથી અને હિંસા ઉપર ઉતરી આવે છે. ખાસ કરીને ફૂટબોલની મેચ પછી આવી ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે પરંતુ ઇન્ડોનેશિયામાં જે ઘટના બની છે તે ખૂબ જ ગંભીર છે.

ઈન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ફાટી નીકળવાના કારણે 127 લોકોના મોત થયા છે. ઘટનાની વિગતો પ્રમાણે ઈસ્ટ જાવાના કાંજુરૂહાન સ્ટેડિયમ ખાતે અરેમા એફસી અને પર્સેબાયા સુરબાયા ક્લબ વચ્ચે ફૂટબોલ મેચ રમાઈ રહી હતી. મેચમાં અરેમાની ટીમ હારી ગઈ ત્યાર બાદ બંને ટીમના ચાહકો એકબીજા સાથે સંઘર્ષમાં ઉતરી પડ્યા હતા. મેચમાં હાર બાદ નિરાશ થયેલા ચાહકોએ લડાઈ શરૂ કરી ત્યાર બાદ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. શનિવારે રાતે મલંગ રીજન્સીના કંજુરૂહાન સ્ટેડિમય ખાતે તેની ક્ષમતા કરતાં પણ વધારે આશરે 40,000 જેટલા દર્શકો ઉપસ્થિત હતાં.

મેચના પરિણામ બાદ હારનારી અરેમા ટીમના સમર્થકો મેદાનમાં ઉતરી આવ્યા હતાં અને હિંસક બની ગયા હતા.  સમગ્ર સ્થિતિને કાબૂમાં લેવા માટે અધિકારીઓએ આંસુ ગેસની મદદ લેવી પડી હતી અને સમગ્ર ઘટનામાં 2 પોલીસ અધિકારી સહિત કુલ 127 લોકોનાં મોત થયા છે. સ્ટેડિયમમાં નાસભાગના કારણે 34 લોકોના મોત થયા હતાં જ્યારે બાકીના 93 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ હદે સ્થિતિ વણસી ગયા બાદ સ્ટેડિયમમાં એક સપ્તાહ માટે તમામ મેચ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

પ્રશાસન ભીડને કાબૂમાં કરવા માટે અસફળ રહ્યું હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં સ્ટેડિયમના અનેક વીડિયો પણ સામે આવી રહ્યા છે જેમાં સેંકડો ચાહકો મેદાનમાં ઘૂસીને એકબીજા પર હુમલો કરતા હોવાનું જોઈ શકાય છે. ઈન્ડોનેશિયા ફૂટબોલ સંઘે શનિવારે મોડી રાતે એક નિવેદન બહાર પાડીને સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને રમત બાદ બનેલી ઘટનાની તપાસ માટે એક ટીમ મલંગ જવા રવાના થઈ હોવાની માહિતી આપી હતી. PSSIએ પીડિતોના પરિવારજનો અને આ ઘટના માટે તમામ પક્ષોની માફી માગી હતી.

લીગે આ પ્રકારના તોફાન બાદ એક સપ્તાહ માટે રમતોને સસ્પેન્ડ કરી દીધી છે. અરેમા એફસી ટીમ પર આ સીઝનની બાકીની મેચ માટે યજમાની કરવા પર પણ પ્રતિબંધ મુકી દેવાયો છે. લીગના માલિક પીટી એલઆઈબીના અધ્યક્ષ ડિરેક્ટર અખમદ હાદિયન લુકિતાના કહેવા પ્રમાણે PSSIના અધ્યક્ષનો નિર્દેશ મળ્યા બાદ તેમણે નિર્ણયની જાહેરાત કરી હતી. આ પહેલા એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન દિલધડક મેચમાં આખરી ઓવરમાં નસીમ શાહના ઉપરાઉપરી બે છક્કાથી અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનની 1 વિકેટે સનસનીખેજ જીત થઈ હતી. અફઘાનિસ્તાનની આ હારથી ભારત પણ ફાઈનલની બહાર થયું હતું. આ મેચ એટલો તીવ્ર રસાકસીભર્યો હતો કે મેદાનમાં બંને ટીમના ખેલાડીઓ એક-બીજા સામે ભીડી ગયા હતા તો મેદાન બહાર બન્ને દેશના સમર્થકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. સ્ટેડિયમમાં ખુરશીઓ ઉછળી હતી અને અફઘાન-પાક.ના સમર્થકો વચ્ચે ગાળાગાળી અને મારામારી થઈ હતી. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં.

મેચ બાદ પાકિસ્તાનના કેટલાક દર્શકો અફઘાનિસ્તાનના ચાહકોને નાચગાન કરીને ચીડવી રહ્યા હતા. આ પછી અફઘાન ચાહકો વિફર્યા હતા અને મારામારી પર ઉતરી આવ્યા હતા. કેટલાક દર્શકોએ શારજાહ સ્ટેડિયમની ખુરશીઓ ઉખાડીને છૂટા ઘા કર્યા હતા જ્યારે સ્ટેડિયમની બહાર તો લાઠીઓથી પણ મારામારી થઈ હતી. તો એશિયા કપની મેચ ભલે દુબઇમાં રમાઇ હતી. ખેલાડીઓ ભલે ભારત અને પાકિસ્તાનના હતા પરંતુ આ મેચ માટે ઇંગ્લેન્ડમાં ભારત અને પાકિસ્તાનના સમર્થકો બાખડ્યા હતાં.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ પછી, આતંકવાદીઓના ટોળાએ એક શિવ મંદિર પર હુમલો કર્યો હતો, એક શિવ મંદિરમાં તોડફોડ કરી અને મંદિરની ઉપરનો ભગવો ધ્વજ પણ નીચે લઇ આવવામાં આવ્યો હતો. આ હિંસા માત્ર ગણતરીની મિનીટોમાં જ સમી ન હતી પરંતું દિવસો સુધી ચાલી હતી. એટલું જ નહીં ઇંગ્લેન્ડના એક વિસ્તાર કે શહેર પૂરતી સિમીત રહી ન હતી. અન્ય શહેરોમાં પણ પ્રસરી હતી. આ વાત ઇંગ્લેન્ડ જેવા દેશ માટે ખૂબ જ ચોંકાવનારી હતી. એવું નથી કે ભૂતકાળમાં રમત ગમતમાં હારજીતના મામલે સમર્થકો બાખડ્યા ન હતાં. ઇંગ્લેન્ડમાં આ પ્રકારે ફૂટબોલ મેચની જુદી જુદી મેચના પરિણામ પછી સમર્થકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પરંતુ બે જુદા જુદા ધર્મના અનુયાયીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ બાબતે થયેલો ઝગડો ખૂબ જ ગંભીર કહી શકાય તેમ હતો.

Most Popular

To Top