Madhya Gujarat

બોરસદમાં રૂ. 8.98 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક કોર્ટનું લોકાર્પણ

બોરસદ: બોરસદ તાલુકા મથક ખાતે રૂ. 8.98 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક સુવિધાસભર ન્યાયમંદિરને ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગરવાલ અને વડી અદાલતના ન્યાયમૂર્તિઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદબોધન દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલે જણાવ્યું હતું કે, ઐતિહાસિક બોરસદ તાલુકા મથક ખાતે નવીન કોર્ટ ભવનને ખુલ્લું મુકતા હું ગર્વની લાગણી અનુભવું છું. બોરસદ તાલુકાને નવીન કોર્ટ ભવન મળતા ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે લોકોને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. તેમણે લોકોને ઝડપી અને સરળ ન્યાય અપાવવામાં વકીલો અને ન્યાયાધિશોની ભૂમિકા મહત્વની રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે બોરસદ કોર્ટમાં વકીલાત કરી હતી, તે જગ્યાએ નવીન કોર્ટના લોકાર્પણમાં હાજર રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ પણ હું ઋણી છું.

ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ ઉમેશ ત્રિવેદી અને વડી અદાલતના ન્યાયમૂર્તિ અને આણંદ જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જજ જે.સી.દોશીએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ, ન્યાયમૂર્તિ સર્વ ઉમેશ ત્રિવેદી, જે.સી.દોશી અને એમ. કે.ઠક્કર, વડી અદાલતના રજીસ્ટ્રાર જનરલ મૂલચંદ ત્યાગી, કાયદા વિભાગના સચિવ પી.એમ.રાવલે ન્યાયમંદિરની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું.

આ પ્રસંગે તેમની સાથે આણંદ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વી. બી. ગોહિલ, બોરસદ કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજ એમ.ડી.નંદાણી તથા જિલ્લાની તમામ કોર્ટના જજ , સરકારી વકીલો તેમજ બાર એસોસિએશનના હોદ્દેદારો પણ જોડાયા હતા. આ કાર્યક્રમના પ્રારંભમાં બોરસદ કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એમ.ડી નંદાણીએ સૌનો આવકાર કર્યો હતો અને અંતમાં બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન સી. કે. પટેલે આભારવિધિ કરી હતી. આ કોર્ટ લોકાર્પણ પ્રસંગે આણંદ જિલ્લાની તમામ કોર્ટના જજ, સરકારી વકીલો, વકીલો, બાર એસોસિએશનના હોદ્દેદારો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ ન્યાયપાલિકાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top