શેરીનો ગુંડો કે જે તે વિસ્તારનો માથાભારે માણસ (?) મનફાવે ત્યારે રાજાપાઠમાં આવી જતો હોય છે ત્યારે સામાન્ય રીતે લોકો એનો સામનો કરવાને બદલે ઘરમાં પૂરાઇ રહેવાનું પસંદ કરતા હોય છે. હમણાં કેટલાક વૈશ્વિક ગુંડાઓ આખા વિશ્વને ભારે પડી રહ્યા છે. તેઓ માનવતા, દયા, પ્રેમને નેવે મૂકીને પોતાને ગમતા વિસ્તારો પચાવી પાડવાની પેરવી કરતા ફરે છે. આવા વિસ્તારવાદીને નાથવાનો સમય એકદમ પાકી ગયો છે. કાલે ઊઠીને ચીન નેપાળને ગળી જશે. (તિબેટના લોકોનો કે દલાઇ લામાનો અવાજ કોઇને સંભળાયો?) આવું જ શ્રીલંકા માટે, ભૂતાન માટે, બાંગ્લાદેશ કે પાકિસ્તાન માટે પણ થઇ શકે છે! રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી. આ ભાંગી લાખું, તોડી લાખું ની વૃત્તિવાળા માથાફરેલ નેતાઓએ અણુ પરમાણુ શકિતનો અધધ દુરુપયોગ કરીને માનવજાતને માથે લટકતી તલવાર જ (લટકતો પરમાણુ બોંબ જ તો!) મૂકી દીધી છે. હરીભરી વસુંધરા દેવીને અભડાવી દીધી છે.
એ બધા નેતાઓ વૈભવી સંપત્તિના માલિક બનીને પ્રજાનું સરેઆમ શોષણ જ કરી રહ્યા છે. બધા વુસુધૈવ કુટુમ્બકમ્ની બાંગ પુકારે છે! આશ્ચર્ય થાય એવી હકીકત તો જુઓ. ઇવ્ર દત્ત (પ્રકૃતિ દત્ત) વિશાળ જમીન વિસ્તારના ભાગ પાડયા, પરંતુ આટલું આકાશ પણ મારું (ઉપરથી ઊડી તો જુઓ!) અને પેલો દરિયો-મહાસાગર તો જાણે મારા બાપનો જ! તાજેતરમાં રશિયાએ આપેલી ધમકીઓ તમામ મર્યાદા વટાવી ગઇ છે. રશિયાના લશ્કરના સૈનિકો, ટોચના અધિકારીઓ અને છેવટે પ્રજા માટે કેટલા બંકરો બનાવેલાં છે? ચીને માટે કહેવાય છે કે ‘મન થઇ ગયું ત્યાં મુકામ’ ભાંગી લાખું, તોડી લાખું ના સંસ્કાર (કુસંસ્કાર?) એમને પારણામાંથી મળ્યા હશે ને? હવે પછી નિર્ભય લોકશાહી મૂલ્યોવાળી એક નવી વ્યવસ્થા સાકાર થાય એવી અપેક્ષા હમણાં તો ઘણી વહેલી જ કહેવાય.
સુરત – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.