નવસારી : (Navsari) નવસારીમાં સાસરીયાઓએ (In-laws) પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી માર મારતા હતા. જ્યારે પતિએ (Husband) બીજા લગ્ન (Second marriage) કર્યા બાદ પહેલી પત્નીને (Wife) જાનથી મારી નાંખવાની ધમકી (Death threat) આપતા મામલો નવસારી મહિલા પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, નવસારી ટેક્નિકલ સ્કુલની સામે કાગદીવાડમાં રહેતી તબસ્સુમબાનુ આમીન રીયાઝ શેખના લગ્ન ગત ૨૦૧૭માં નવસારી કમેલા રોડ પર રસીદ મુલ્લાની વાડીમાં રહેતા મોહમ્મદ સોયેબ મહેબુબ સૈયદ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં એક પુત્ર છે. ત્યારબાદ સમય જતા સાસુ મુમતાઝ મહેમુદ સૈયદ તબસ્સુમબાનુને કામકાજ બાબતે મનફાવે તેમ બોલી, મ્હેણાં-ટોણા મારતા હતા.
દરમિયાન તબસ્સુમબાનુ અને મોહમ્મદ સોયેબ વચ્ચે બોલાચાલી થતા સાસુ-સસરા મહેબુબ અમીર સોયેબની ચઢામણી કરી લડાઈ-ઝઘડા માટે પ્રોત્સાહન આપતા હતા. તેમજ સાસુ મુમતાઝ તેમનું મોટું ઘર જોઇને તારા મા-બાપે તને અહીં પરણાવી છે તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. ઝઘડા બાદ પતિ સોયેબ તબસ્સુમબાનુને માર મારતા હતા. જેથી તબસ્સુમબાનુ તેના પિયરમાં જતી રહેતી હતી. પરંતુ તેણીના પિયરવાળા તબસ્સુમબાનુને સાસરે મૂકી જતા હતા. ત્યારબાદ પણ સાસરિયાઓ નાની-નાની બાબતે તબસ્સુમબાનુ સાથે ઝઘડો કરતા હતા.
જોકે તબસ્સુમબાનુ તેના દીકરાનું ભવિષ્ય ખરાબ ન થાય તે માટે બધો ત્રાસ સહન કરી રહ્યા હતા. દરમિયાન પતિ સોયેબ બીજા લગ્ન કરવાનું જણાવતા તબસ્સુમબાનુ તેના દીકરાને લઈને પિયરમાં જતી રહી હતી. જેને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સાસરી પક્ષના કોઈ સમાધાન કરવા આવ્યા ન હતા. ત્યારબાદ પતિ સોયેબે તબસ્સુમબાનુની જાણ બહાર સંમતી લીધા વગર અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. તબસ્સુમબાનુના લગ્ન પહેલા યુવતી સાથે પતિ સોયેબ સાથે પ્રેમ સંબંધ હતો. જેની તબસ્સુમબાનુને જાણ ન હતી. ગત ૬ઠ્ઠી નવેમ્બર ૨૦૨૧ ના રોજ તબસ્સુમબાનુના સાસરી બાજુ ગયા હતા. ત્યારે સાસરીપક્ષનાઓએ તબસ્સુમબાનુને અપશબ્દો બોલી તેના દીકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.
જ્યારે પતિ સોયેબ તેની સાથે ૧૨ હજાર રૂપિયા લઈ આવી છુટાછેડા લઈ લેવા માટે દબાણ કરવા લાગ્યા હતા. પરંતુ તબસ્સુમબાનુએ છૂટાછેડા આપ્યા ન હતા. અને તબસ્સુમબાનુ તેના દીકરા સાથે પિયરમાં આવી ગયા હતા. આ બાબતે તબસ્સુમબાનુએ નવસારી મહિલા પોલીસ મથકે પતિ સોયેબ, સસરા મહેબુબ અમીર, સાસુ મુમતાઝ અને સોયેબની બીજી પત્ની નિશા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.એન. ચૌધરીએ હાથ ધરી છે.