Columns

અંતરનો અવાજ સાંભળો

એક વખત પાંચ માણસો ગીચ જંગલમાં ભૂલા પડી ગયા. હવે શું કરવું? પહેલા માણસે કહ્યું, ‘મારું મન કહે છે ડાબી બાજુ જવું જોઈએ.હું એ તરફ  જઈશ.’  બીજા માણસે કહ્યું, ‘મને લાગે છે જમણી બાજુનો રસ્તો સાચો છે. હું એ તરફ આગળ વધીશ.’ ત્રીજા માણસે કહ્યું, ‘મને લાગે છે જે બાજુથી આવ્યા હતા તે તરફ પાછા વળી જવું જોઈએ.’ ચોથા માણસે કહ્યું, ‘હું તો સીધો આગળ વધીશ.આ જંગલ ક્યાંક તો પૂરું થશે અને કોઈ નવા સ્થળે પહોંચશે.’  પાંચમા માણસે કહ્યું, ‘તમે બધા ખોટા છો.મારી પાસે સાચો રસ્તો છે.ઊભા રહો.’આમ કહી તેણે આજુબાજુ નજર દોડાવી સૌથી ઊંચું ઝાડ શોધ્યું.ત્યાં સુધી બધા પોતપોતાના રસ્તા તરફ આગળ વધી ગયા અને પાંચમા માણસે ઝાડની ટોચ સુધી ચઢી ચારે બાજુ નિરીક્ષણ કર્યું અને બહાર નીકળવાનો સૌથી ટૂંકો રસ્તો શોધ્યો.તેણે તકલીફને સમજીને સૌથી સારો ઉપાય શોધ્યો.તેને બીજા ચરણે પણ પોતપોતાના રસ્તે આગળ વળતા જોયા.તેણે વિચાર્યું કે મેં કર્યું તે સાચું કર્યું.બરાબર કર્યું.બીજાએ જીદમાં મારી વાત માની નહિ અને ખોટા માર્ગે આગળ વધી ગયા.હું સમજદાર અને સાચો હતો તે બધા ખોટા.

પહેલી નજરે જોતા પાંચમા માણસની વાત સાચી લાગે, પણ ખોટી હતી.તે સમજદાર હતો પણ અન્ય ચાર પણ નાસમજ ન હતા. જે માણસ ડાબી બાજુ ગયો તેણે આગળ ગીચ જંગલ જોયું. જંગલી પરાણીઓ સાથે લડ્યો અને જંગલમાં કઈ રીતે જીવી શકાય તે શીખ્યું અને અન્યને શીખવ્યું તે જંગલનો જાણકાર બની ગયો.જે માણસ જમણી બાજુ ગયો હતો તેને ડાકુઓએ લૂંટી લીધો  અને મારી ન નાખ્યો, પણ પોતાની ટોળીમાં સામેલ કરી લીધો.તેને ધીમે ધીમે ડાકુઓને સાચો રસ્તો સમજાવી માનવતા યાદ અપાવી અને સાચા રસ્તે વાળ્યા.ત્રીજો માણસ જે પાછો વળી ગયો હતો તેણે એક કેડી તૈયાર કરી જે જંગલમાં લઇ જાય અને ભૂલા ન પડવા દે.ચોથો માણસ જે સીધો ગયો હતો તે નવી જગ્યાએ પહોંચ્યો. જયાં સુધી હજી કોઈ ગયું ન હતું અને અન્ય બધાં માટે નવી તકો નિર્માણ કરી.પાંચમો માણસ જેણે ઝાડ પર ચડી સૌથી ટૂંકો રસ્તો શોધ્યો હતો તે અન્યને માર્ગદર્શન આપનાર બન્યો અને લોકોને દરેક પરિસ્થિતિમાં માર્ગદર્શન આપવા લાગ્યો. આ પાંચે સમજદાર માણસોએ પોતાના અંતરનો અવાજ સાંભળ્યો અને કોઈએ એકબીજાનું અનુકરણ ન કર્યું અને પોતાના રસ્તે આગળ વધી પોતાના ભાગ્યનું નિર્માણ કર્યું.અંતરનો અવાજ સાંભળો. તે તમને તમારા ભાગ્ય તરફ લઇ જશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top