Gujarat

IMDએ આપ્યું ભારે વરસાદનું એલર્ટ, બનાસકાંઠાના તમામ તાલુકા જળબંબાકાર

કચ્છમાં તાંડવ મચાવ્યા બાદ બીપોરજોય વાવાઝોડું (Cyclone) ઉત્તર ગુજરાત અને રાજસ્થાનને (Rajasthan) પાણી પાણી કરી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ હાઈવે (Highway) અને રોડ્સ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના તમામ તાલુક જળમગ્ન બન્યા છે. તો બીજી તરફ ચારણકામાં આવેલા સોલાર પાર્કમાં (Solar Park) પાણી ભરાઈ ગયા છે. IMDએ ઉત્તર ગુજરાતમાં હજી પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાથેજ દક્ષિણી રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • IMDએ ઉત્તર ગુજરાતમાં હજી પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી
  • ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ
  • ચારણકામાં આવેલા સોલાર પાર્કમાં પાણી ભરાઈ ગયા

ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડો. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચક્રવાત બિપરજોય હવે નબળું પડી ગયું છે અને તે પૂર્વ-ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. ઉત્તર ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં અને દક્ષિણ રાજસ્થાન સહિત એક-બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતને કારણે માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ વરસાદ થઈ રહ્યો છે.

ઉત્તર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ સવારથી પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે. જેના કારણે રાધનપુર, સાંતલપુર, વારાહીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. તો ચારણકામાં આવેલા સોલારપાર્કમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. સોલારપાર્કની ઓફિસોની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે.

આ તરફ બનાસકાંઠાના તમામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાલનપુરમાં છેલ્લા છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. અહીં અમદાવાદ-દિલ્હી નેશનલ હાઈવે પર બબ્બે ફૂટ પાણી ભરાઈ જતા વાહનચાલકો પેરશાન થયા છે. એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે અમીરગઢમાં પોણા ત્રણ ઈંચ, ધાનેરા, દાંતા અને દાંતીવાડામાં અઢી-અઢી ઈંચ ખાબક્યો છે. તો બીજી તરફ સાંતલપુર, રાધનપુર તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી ચારણકાના સોલાર પ્લાન્ટમાં પાણી ભરાયા છે. ઢીંચણસમા પાણી ભરાતા સોલાર પ્લાન્ટને મોટું નુકસાન થયું છે.

સાબરકાંઠાનાં હિંમતનગરનાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળ્યું હતું. જેમાં ધનપુરા, ખેડ, બોલોન્દ્ર, હિંમતપુર સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે હિંમતનગર, ઈડર, વડાલી, વિજયનગર, પોશીના તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાનાં પોશી તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

પાટણનાં રાધનપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી રાધનપુરમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ભારે વરસાદને કારણે બજાર સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાધનપુરનાં ગાયત્રી મંદિર રોડ, મસાલી રોડ તેમજ બસ સ્ટેશન રોડ પર પાણી ભરાયા હતા . 

Most Popular

To Top