Gujarat

દાદા કરશે જનકલ્યાણ: 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવા મુખ્યમંત્રી કાર્યાલયથી આદેશ છોડાયા

વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં ગુજરાત સરકારમાં ઉર્જાનો નવો સંચાર થયો છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) બુલેટ ટ્રેનની સ્પીડથી કામગીરી આરંભી છે. ચૂંટણી પહેલાં પ્રજાને કોઈ ફરિયાદ નહીં રહે તે માટે દાદાની સરકારે જનકલ્યાણનું બીડું ઉપાડ્યું છે. મુખ્યમંત્રીએ તેમની કેબિનેટના મંત્રીઓ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓને જનકલ્યાણ (Jankalyan) માટેના કામો કરવા માટે આગામી 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવાના આદેશ આપ્યા છે.

26 વર્ષ બાદ ગુજરાતમાં ફરી એકવાર જનકલ્યાણ મિશન ઉપાડવામાં આવ્યું છે. આ અગાઉ 1995માં કેશુ પટેલની સરકારે 100 દિવસનું પ્લાનિંગ કર્યું હતું. તે પ્લાનિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ હતા. આજે 26 વર્ષ બાદ ચૂંટણીના એક વર્ષ પહેલાં દાદાની સરકારે જનકલ્યાણ મિશન અમલમાં મુકી પ્રજાની નારાજગી દૂર કરવાનો પ્લાન ઘડ્યો છે.

વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રજા લક્ષી યોજનાઓની સાથે દરેક જિલ્લા-તાલુકાની સમસ્યાઓના નિકાલ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, તેમાં પણ સરકાર અને સંગઠનના આગેવાનો ભેગા મળીને પ્રજાની વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળી ઉકેલવાની કામગીરી શરૂ કરી દીધી છે.

જૂની સરકાર સામેનો પ્રજાનો રોષ ઓછો કરવાની સાથે જૂની સરકારના નિર્ણયો, યોજનાઓ આગળ વધારવા કે નહીં તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર અત્યારે 100 દિવસની તૈયારીમાં લાગી ચૂકી છે. શાસનના 100 દિવસમાં શું થઇ શકે છે, કયા બાકી કામ પૂર્ણ કરવાના છે તેવા વિભાગો દીઠ અભિપ્રાય માગવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેબિનેટ મંત્રીઓને પણ તેમના વિભાગમાં બાકી ફાઇલોની સમીક્ષા ઉપરાંત દિવાળીના સમયમાં લોકો માટે કયા નવા કાર્યો થઇ શકે તેની વિગતો આપવા આદેશ કર્યો છે. એટલું જ નહીં પ્રત્યેક સોમવાર અને મંગળવારે તમામ મંત્રીઓને ગાંધીનગર નહીં છોડવાનો આદેશ પણ કરી જે તે વિભાગોના અધિકારીઓ સાથે બેસીને પ્રજાના પ્રશ્નો હલ કરવા સૂચના આપવામાં આવી છે. આ બન્ને દિવસોએ મુલાકાતીઓને મળવાનો અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કહેવામાં આવ્યું છે. આવો આદેશ કેબિનેટમાં સચિવાલયના ઉચ્ચ અધિકારીઓને પણ આપવામાં આવેલો છે.

Most Popular

To Top