Gujarat

GPSCની પરીક્ષાના શિડ્યુલમાં મોટો ફેરફાર કરાયો, હવે આ તારીખે પરીક્ષા લેવાશે

ગાંધીનગર: (Gandhinagar) સોમવારે સાંજે ગુજરાત (Gujarat) રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની (Election) તારીખો જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીની જાહેરાતની સીધી અસર GPSCની પરીક્ષાઓ પર પડી છે. GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખો બદલવામાં આવી છે. આ અગાઉ રાજ્યમાં GPSCની પરીક્ષા 19 ડિસેમ્બર 2021ના રોજ યોજાવાની હતી પરંતુ હવે તારીખ પાછી ઠેલવામાં આવી છે. GPSCની પ્રાથમિક પરીક્ષા હવે ડિસેમ્બરના છેલ્લાં સપ્તાહમાં યોજવામાં આવશે. ચાલો પરીક્ષાના નવી તારીખો વિશે જાણીએ.

પ્રાપ્ત માહિતી અનુસાર GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં ધરખમ ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. 19 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા હવે સીધી 26 ડિસેમ્બર એટલે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી પછી યોજવામાં આવશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ અંગેનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં GPSCની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.

ગુજરાત જાહેર સેવા આયોગે પરિપત્ર મુજબ વહીવટી સેવા વર્ગ-1ની પરીક્ષા 16 ડિસેમ્બરના રોજ યોજાશે. નપા મુખ્ય અધિકારી-2ની પરીક્ષા પણ 16 ડિસેમ્બરના રોજ જ યોજવામાં આવશે. મદદનીશ નિયામક-2ની પરીક્ષા 2 જાન્યુઆરી, આંકડાકીય સેવા વર્ગ-1ની પરીક્ષા 2 જાન્યુઆરી 2022ના રોજ યોજાશે. જ્યારે જુનિયર ટાઉન પ્લાનરની પરીક્ષા 9 જાન્યુઆરીના રોજ યોજવાનો નિર્ણય કરાયો છે.

ગુજરાત જાહેર સેવા આયોગે પરિપત્ર પ્રમાણે નીચે મુજબની પરીક્ષામાં ફેરફાર કર્યો…

  • વહીવટી સેવા વર્ગ-1ની પરીક્ષા 16/12ના યોજાશે 
  • નપા મુખ્ય અધિકારી-2ની પરીક્ષા 16/12ના યોજાશે 
  • મદદનીશ નિયામક-2ની પરીક્ષા 2 જાન્યુઆરીના યોજાશે 
  • આંકડાકીય સેવા વર્ગ-1ની પરીક્ષા 2 જાન્યુઆરીના યોજાશે 
  • જુનિયર ટાઉન પ્લાનરની પરીક્ષા 9 જાન્યુઆરીના યોજાશે

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ

ગુજરાત સરકારે રાજ્યમાં બિનસચવાલય (Non-Secretariat) કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આગામી 13 ફેબ્રુઆરી 2022 ના રોજ યોજાશે. 3738 જગ્યા માટે 10.45 લાખ ઉમેદવાર મેદાનમાં છે. આ પરીક્ષાની જાહેરાત વર્ષ 2018માં થઈ હતી અને ત્યારબાદ સતત વિવાદોમાં સપડાઈ જતા પરીક્ષા પાછળ ઠેલાઈ રહી હતી. આ પરિક્ષાના ફોર્મ પણ વર્ષ 2018માં જ ભરાઈ ગયા હતા. આથી આ પરિક્ષા અંગે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ જાહેરાત સીધી પરીક્ષા અંગેની જ છે. જેમાં કોઇ નવો વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે નહી. જે વ્યક્તિએ અગાઉ રદ્દ થયેલી પરીક્ષા સમયે ફોર્મ ભર્યું હશે તે જ વ્યક્તિ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તે જ વ્યક્તિ પરીક્ષા આપી શકશે. બિનસચિવાલયની આ સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખોની જાહેરાત આજે 22મી નવેમ્બરે થઈ છે. આજથી ગણીને 13મી ફેબ્રુઆરી સુધીમાં તૈયારી કરી અને પરીક્ષા આપવા માટે કુલ 83 દિવસનો સમય છે. આ અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2020 ની 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-3ની ભરતી પરીક્ષાને 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે પેપર લીક થયુ હોવાની બાબતે રદ કરી હતી. જો કે ત્યાર બાદ આ મામલે સંડોવાયેલા અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top