SURAT

સુરતમાં હીરા ઉદ્યોગનું 21 દિવસનું દિવાળી વેકેશન પૂરું, કારખાના ધમધમતાં થયાં

સુરત: (Surat) હીરા ઉદ્યોગમાં (Diamond Industries) 21 દિવસનું વેકેશન પૂર્ણ થતા આજે સોમવારે ઉઘડતા દિવસેથી 80 ટકા હીરાના કારખાનાઓ (Diamond Factory) ફરી ધમધમતા થયાં છે. સુરતમાં કાર્યરત ડાયમંડ માઇનિંગ કંપનીઓની સાઇટ હોલ્ડરશીપ ધરાવનાર 56થી વધુ મોટી ડાયમંડ કંપનીઓએ આજથી બે પાળીમાં પ્રોડકશન શરૂ કર્યું છે. દિવાળીની સીઝન (Diwali Season) હીરા ઉદ્યોગ અને ઝવેરાત ઉદ્યોગ માટે તેજીસમાન બની રહી હતી. સીઝનનો 40 ટકા વેપાર મેથી ઓકટોબર 2021 સુધીમાં જ થયો છે. તે પછી પણ આ તેજી યથાવત રહી છે. ભારતમાં લગ્નસરાની સીઝન અને યુરોપમાં ક્રિસમસના તહેવાર જયારે ચાઇનામાં ચાઇનીઝ ન્યૂયરનું પર્વ હોવાથી સુરતનો ડાયમંડ અને જવેલરી મેન્યુફેકચર્સને કરોડો રૂપિયાના ઓર્ડર મળ્યા છે. સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જવેલરી માટે સુરતના મેન્યુફેકચર્સને મોટા ઓર્ડર મળ્યાં છે. યુરોપના બાયર દ્વારા લેબગ્રોન ડાયમંડ જવેલરીના પણ ઓર્ડર અપાયાં છે.

  • હીરા ઉદ્યોગનું 21 દિવસનું દિવાળી વેકેશન પૂરું થતાં 80 ટકા કારખાના ધમધમતાં થયાં
  • ક્રિસમસ અને ચાઇનીઝ ન્યૂયરના ઓર્ડર પૂર્ણ કરવા ઉત્પાદન શરૂ
  • યુરોપના બાયર દ્વારા લેબગ્રોન ડાયમંડ જવેલરીના પણ ઓર્ડર અપાયા

સપ્ટેમ્બર, ઓકટોબર અને નવેમ્બરની સાઇટમાં રફ ડાયમંડના ભાવ 12 થી 15 ટકા વધી ગયા હોવા છતાં યુરોપ અને ચીનમાં ડાયમંડ જવેલરીની ડિમાન્ડ નીકળી છે. કોરોના કાળના દોઢ વર્ષ પછી હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળી છે. જેનો લાભ લેવા માટે સુરતમાં હીરાના કારખાના આઠ-આઠ કલાકની પાળીઓમાં ધમધમતા કરવામાં આવ્યા છે. માર્કેટમાં તેજી હોવાથી રત્નકલાકારો પણ મજૂરીના દરમાં ભાવ વધારો માગી રહ્યા છે. કોરોનાની બીજી લહેર વખતે 15 થી 30 ટકા સુધી મજૂરીના દર ઘટાડવામાં આવ્યા હતાં તે ફરી વધારવા ડાયમંડ વર્કર યુનિયને માંગણી કરી છે. હાલમાં તો ભારતમાં લગ્નસરાની સીઝન અને યુરોપમાં ક્રિસમસના તહેવાર જયારે ચાઇનામાં ચાઇનીઝ ન્યૂયરનું પર્વ હોવાથી સુરતનો ડાયમંડ અને જવેલરી મેન્યુફેકચર્સને કરોડો રૂપિયાના ઓર્ડર મળ્યા છે. જેને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરર એસોસિએશનના પ્રમુખ બાબુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ક્રિસમસ અને ચાઇનીઝ ન્યૂયરને લઇ ઇન્ટરનેશનલ માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ અને જવેલરીની ડિમાન્ડ હોવાથી આ સેકટરના તમામ મેન્યુફેકચરિંગ યુનિટો અને ઓફીસ શરૂ કરી દેવામાં આવી છે. ગયા વર્ષે આ સેગમેન્ટમાં 300 ટકાનો વેપાર વધારો જોવા મળ્યો હતો. આ વખતે તેમાં વધારો નોંધાઇ શકે છે.

Most Popular

To Top