બોલિવુડ એક્ટર ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. ખાસ કરીને કોમલ રાની સ્વર્ણકાર સાથે મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. આ મામલે ગોવિંદાને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે ગોવિંદાએ સમગ્ર વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપતાં સવાલ ઉઠાવનારા લોકોને જવાબ આપ્યો છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ કોમલ રાની સાથે લાલબાગચા રાજાના દર્શને જવા અંગે વાત કરી હતી. તેણે સ્પષ્ટતા કરી હતી કે તે પોતાની આગામી ફિલ્મ ‘રૂપા’ની સફળતા માટે આશીર્વાદ લેવા ગયો હતો. આ ફિલ્મમાં કોમલ રાની તેની સાથે કામ કરી રહી છે. ગોવિંદાના જણાવ્યા પ્રમાણે, પોતાની કો-સ્ટાર સાથે ધાર્મિક સ્થળે દર્શન કરવા જવું તેના માટે કોઈ નવી વાત નથી.
ગોવિંદાએ જણાવ્યું કે અગાઉ પણ તે પોતાની ફિલ્મોની સફળતા માટે પોતાની કો-સ્ટાર્સ સાથે બાપ્પાના દર્શને જઈ ચૂક્યો છે. તેણે કરિશ્મા કપૂર સાથે લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા અને તે સમયની ફિલ્મો સફળ રહી હોવાનું કહ્યું. ત્યારબાદ રવીના ટંડન સાથે પણ દર્શન કરવા ગયો હતો અને તે સમયે પણ ફિલ્મ હિટ રહી હતી. આ જ કારણસર આ વખતે ‘રૂપા’ની સફળતા માટે કોમલ રાની સાથે બાપ્પાના દર્શન કરવા ગયો હોવાનું તેણે કહ્યું. ગોવિંદાએ આ મુદ્દે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે લોકો તેમની મુલાકાતને લઈને એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે જાણે કોઈ મોટી ઘટના બની ગઈ હોય. તેના કહેવા પ્રમાણે, તે માત્ર પોતાની ફિલ્મ માટે પ્રાર્થના કરવા ગયો હતો અને તેમાં કોઈને વાંધો હોવો જોઈએ નહીં.
ગોવિંદાએ પોતાની વાતમાં કહ્યું, “લોકો એવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે જાણે ખબર નહીં શું થઈ ગયું હોય. હું મારી ફિલ્મ ‘રૂપા’ માટે પ્રાર્થના કરવા ગયો હતો. આ પહેલાં હું કરિશ્મા સાથે ગયો હતો, તે મારા માટે ગુડ લક સાબિત થયું હતું અને ફિલ્મો હિટ રહી હતી. રવીના સાથે પણ ગયો હતો ત્યારે પણ ફિલ્મ હિટ ગઈ હતી. આ વખતે હું રાની સાથે ગયો છું. ખબર નહીં લોકોને શું તકલીફ છે? અમે મશહૂર થઈ રહ્યા છીએ તો તમને શું પરેશાની છે?” ગોવિંદાના આ નિવેદન બાદ ફરી એકવાર તેમના અને કોમલ રાનીના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચા સામે આવી છે. જોકે, ગોવિંદાએ આ અફવાઓ અંગે સીધી રીતે કોઈ સ્પષ્ટતા કરવાને બદલે પોતાની આગામી ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી છે.
બીજી તરફ, કોમલ રાની સાથે ગોવિંદા લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા બાદ તેમની પત્ની સુનીતા આહુજાના એક નિવેદને પણ ચર્ચા જગાવી હતી. સુનીતાએ પેપરાઝી સાથે વાતચીત દરમિયાન પોતાના પાલતુ શ્વાનનો ઉલ્લેખ કરતાં માણસો અને પ્રાણીઓ વચ્ચેના પ્રેમને લઈને કટાક્ષ કર્યો હતો. સુનીતાએ કહ્યું હતું કે માણસોને ગમે તેટલો પ્રેમ આપો તો પણ કોઈ ફાયદો નથી, તેઓ દગો જ આપે છે. તેના કહેવા પ્રમાણે, પાલતુ પ્રાણીઓને પ્રેમ કરવામાં આવે તો તેઓ હંમેશાં સાથે રહે છે અને માણસોની સરખામણીમાં પ્રાણીઓ વધુ સારા હોય છે. સુનીતાના આ નિવેદનને ગોવિંદા અને તેમના અંગત જીવનને લઈને ચાલી રહેલી ચર્ચા સાથે જોડવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી ગોવિંદા અને સુનીતા આહુજાના સંબંધોને લઈને પણ વિવિધ અહેવાલો અને અફવાઓ સામે આવી રહી છે. બંનેના લગ્ન 11 માર્ચ, 1987ના રોજ થયા હતા. ગોવિંદાએ પોતાના અભિનય કરિયરના શરૂઆતના વર્ષોમાં લગભગ ચાર વર્ષ સુધી પોતાના લગ્નની વાત જાહેરથી દૂર રાખી હતી. હવે લાંબા લગ્નજીવન બાદ બંને અલગ-અલગ રહેતા હોવાની ચર્ચા પણ સમયાંતરે સામે આવી છે. આ સાથે ગોવિંદા અને કોમલ રાની વચ્ચે સંબંધ હોવાની અફવાઓએ પણ જોર પકડ્યું છે. જોકે, આ અંગે ગોવિંદા તરફથી કોઈ સીધી પુષ્ટિ કરવામાં આવી નથી. લાલબાગચા રાજાના દર્શન બાદ થયેલા વિવાદમાં પણ તેણે પોતાના અંગત સંબંધો વિશે વાત કરવાને બદલે પોતાની ફિલ્મ ‘રૂપા’ને લઈને સ્પષ્ટતા કરી હતી.
દરમિયાન ગોવિંદા રિયાલિટી શોમાં જોવા મળશે કે નહીં તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આ અંગે વાત કરતાં તેણે કહ્યું કે હાલમાં કોઈ વાત કન્ફર્મ નથી. માત્ર વાતચીત ચાલી રહી છે અને ભવિષ્યમાં કોઈ રિયાલિટી શો કરવાનો નિર્ણય લઈ શકે છે. ગોવિંદાએ એ પણ જણાવ્યું કે તે સામાન્ય રીતે વધારે રિયાલિટી શો જોતો નથી, પરંતુ કોઈ કાર્યક્રમ તેને રસપ્રદ લાગશે તો તેમાં ભાગ લેવા અંગે વિચાર કરી શકે છે.
આ રીતે ગોવિંદાની એક તરફ આગામી ફિલ્મ ‘રૂપા’ને લઈને ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ કોમલ રાની સાથેના તેમના જાહેર કાર્યક્રમને કારણે તેમની પર્સનલ લાઇફ પણ ફરી ચર્ચામાં આવી છે. ગોવિંદાએ જોકે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લાલબાગચા રાજાના દર્શનનો તેમનો હેતુ પોતાની ફિલ્મ માટે આશીર્વાદ મેળવવાનો હતો.