SURAT

‘બપોરે ટ્રાફિક પોલીસને રજા આપો’, સુરત પોલીસ કમિશનરને મળી સ્પેશ્યિલ રિક્વેસ્ટ

સુરત: આ વર્ષે આખાય દેશમાં ઉનાળો ખૂબ તપ્યો છે. સૂર્યદેવ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યાં છે. તાપમાનનો પારો રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ભરૂચમાં પારો 46 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. સુરતમાં પણ બે દિવસથી 42 ડિગ્રીથી વધુ ગરમી છે. બપોરના સમયે રસ્તા પર 10 મિનીટ જવાનું થાય તો લોકો તોબા પોકારી જાય છે, ત્યાં ટ્રાફિક સિગ્નલ પર આકરાં તાપમાં ખડેપગે ઉભા રહેતાં પોલીસ કર્મીઓની શું હાલત થતી હશે તે વિચારીને જ પરસેવો છૂટી જાય છે.

હવામાન વિભાગે સુરતમાં તા. 25 મે સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 25મી સુધી સુરતમાં હિટવેવની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, તેના પગલે તંત્ર સાબદું બન્યું છે. સુરત મનપાના આરોગ્ય કેન્દ્રોમાં ઓઆરએસની વ્યવસ્થા કરાઈ છે. નવી સિવિલ હોસ્પિટલમાં સનસ્ટ્રોક માટે અલાયદો વોર્ડ શરૂ કરાયો છે. ઠેરઠેર પાણીના પરબો ખોલવામાં આવ્યા છે, પરંતુ કોઈએ પણ રસ્તા પર આકરાં તાપમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે કોઈ વ્યવસ્થા કરી નથી, ત્યારે આ પોલીસ કર્મચારીઓએ સુરત પોલીસ કમિશનરને પત્ર લખી સ્પેશ્યિલ રિક્વેસ્ટ કરી છે.

સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઓેરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા હીટવેવને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે જાહેર રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટને લઈને ઉભા રહેતા જવાનોને બપોરના સમયે ફરજમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કલ્પેશ બારોટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખીને કરવામાં આવી છે.

કમિશનરને લખાયેલા પત્રમાં કલ્પેશ બારોટે લખ્યું છે કે, હાલ 40થી વધુ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે. ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યાં છે. ત્યારે તબીબો પણ કામ કાજ વગર ઘર બહાર ન નીકળવા સલાહ આપી રહ્યાં છે. ત્યારે ટ્રાફિક જવાનોમાં પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને ગરમીમાં ફરજ બજાવવામાંથી મુક્તિ મળે જેથી તેમની તબિયત પણ જળવાઈ રહે.

હાલ એક અઠવાડિયા સુધી વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ અઠવાડિયા દરમિયાન જવાનોને બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફરજમાંથી આંશિક મુક્તિ આપવી જોઈએ. જેથી કરીને પોલીસ જવાનોને હીટવેવ જેવી સ્થિતિમાંથી બચાવી શકાય તેમ છે. આ અંગે ઝડપતી નિર્ણય લેવામાં આવે તેવી કલ્પેશ બારોટે વધુમાં માગ કરી છે.

Most Popular

To Top