Gujarat

ગુજરાતની આંગડિયા પેઢીઓના કનેક્શન હવે ડ્રગ્સની હેરાફેરી સુધી પહોંચ્યા? સામે આવી ચોંકાવનારી વિગતો

અમદાવાદ: ગુજરાત રાજ્યના અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં કાર્યરત ગેરકાયદેસર આંગડિયા પેઢીઓને 10 દિવસ પહેલાં જ દરોડા પાડી બંધ કરવામાં આવી હતી. ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પરંતુ દરોડાના એક જ અઠવાડીયા બાદ નીડર બનેલી આ પેઢીઓ ફરી ધમધમી રહેલી જોવા મળી હતી.

અગાઉના દરોડા બાદ અમદાવાદના સીજીરોડ ઉપર આવેલી 20થી વધુ આંગડિયા પેઢીઓ બંધ થઈ ગઈ હતી. જોકે એક અઠવાડિયા બાદ હવે ફરીથી આ આંગડિયા પેઢીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે એક અઠવાડિયા બાદ હવે ફરી ગુજરાતમાં આંગડિયા પેઢીઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે.

અગાવના દરોડામાં ગુજરાત અને રાજસ્થાનના ડ્રગ્સ કેસમાં કેટલાક મની ટ્રાન્સફરના હવાલા અમદાવાદ અને રાજ્યની અલગ અલગ આંગડિયા પેઢીઓમાંથી થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પેઢીઓની આ માહિતી ક્રાઇમ બ્રાંચને મળતા દરોડા પડ્યા હોવાની શક્યતા છે.

10 દિવસ પહેલા જ્યારે હવાલાના આધારે ગુજરાત CID ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા, ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ સીજી રોડ ઉપર આવેલી H M આંગડિયા પેઢીને પૈસા ટ્રાન્સફર કરવાના મામલે દિલ્હી NCB દ્વારા સમન્સ પણ પાઠવવામાં આવ્યું હતું.

જણાવી દઇયે કે અમદાવાદના સીજી રોડ પર ઇસ્કોન આર્કેડ નામના કોમ્પ્લેક્સમાં 20થી વધુ આંગડિયા પેઢીની ઓફિસો કાર્યરત છે. તેમજ રાજ્યમાં CID ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓના દરોડા બાદ જ્યારે ઇસ્કોન આર્કેડ ખાતેની આંગડિયા પેઢીઓની ઓફિસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, એક અઠવાડિયા બાદ આંગડિયા પેઢીઓની ઓફિસો ફરીથી શરૂ થઇ ગઇ હતી.

CID ક્રાઇમ અને અન્ય એજન્સીઓની તપાસમાં પીએમ એન્ટરપ્રાઇઝ, H M આંગડિયા સહિતની આંગડિયા પેઢીનાં નામ બહાર આવ્યાં હતા. તે તમામ ઓફિસો ફરીથી ધમધમતી જોવા મળી હતી. આ સાથે જ એચ એમ આંગડિયા પેઢીની ઓફિસની બહાર દિલ્હી NCBના ઇન્સ્પેક્ટર દ્વારા મોકલવામાં આવેલા સમન્સની કોપી પણ ચોંટાડેલી જોવા મળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના જોધપુર ખાતે ઝડપાયેલા એમડી ડ્રગ્સ અને અન્ય ડ્રગ્સમાં મુંબઈ, રાજસ્થાન અને ગુજરાતનું કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રગ્સના વેપારના કેટલાક મની ટ્રાન્સફરના હવાલા આંગડિયા પેઢીઓ દ્વારા કરવામાં આવ્યા હોવાની આશંકા છે. ત્યારે હવે ગુજરાતની તમામ તપાસ એજન્સીઓ સમગ્ર મામલાના મૂળમાં જવાના પ્રયાસો કરી રહી છે.

અસલમાં 9મેના રોજ ક્રિકેટ સટ્ટા, કોલ સેન્ટરમાં 10 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયાના 40થી 50 બેન્ક ખાતાં પોલીસને મળ્યા હતા. આ તપાસમાં નાણાં આંગડિયા દ્વારા હવાલાથી દુબઈ મોકલાયા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યાર બાદ ગુજરાત સીઆઈડી ક્રાઈમે ઈન્કમટેક્સની ટીમો સાથે મળી સંયુક્ત રીતે અમદાવાદ, સુરતની 20થી વધુ આંગડિયા પેઢી પર દરોડા પાડ્યા હતા. જેમાં તપાસ એજન્સીઓને 15 કરોડથી વધુના નાણાં મળ્યા હતા.

Most Popular

To Top