ભરૂચ: (Bharuch) ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલી નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં (Nitrax Chemical Company) બ્લાસ્ટ થયો હતો. ધડાકાભેર બ્લાસ્ટ (Blast) થતા કંપનીમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં મેઈન્ટેનન્સની કામગીરી કરતા ત્રણ કામદાર ઇજાગ્રસ્ત થયા હતા. તમામને પ્રાથમિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઝઘડિયા જીઆઈડીસીના (Zaghadiya GIDC) ફાયર ટેન્ડરો તેમજ ઝઘડિયા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નં.૭૭૨માં આવેલ નાઈટ્રેકસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડમાં કેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે. મંગળવારે સવારે ૧૦.૧૫ વાગ્યાના અરસામાં પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન નાઈટ્રીસન ડિપાર્ટમેન્ટમાં પ્રેસર વધતા વેસલ્સમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકાભેર બ્લાસ્ટ થતા કંપનીમાં નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટ થવાના પગલે તાત્કાલિક ઝઘડિયા જીઆઈડીસીના ફાયર ટેન્ડરો તેમજ ઝઘડિયા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
કંપનીમાં મેઇન્ટેનન્સ દરમિયાન બ્લાસ્ટ થવાના પગલે પાંચ જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં (૧) પ્રવીણ ધીરજ વસાવા (રહે.,ગોરાટિયા), (૨) સુમનભાઈ બી. વસાવા (રહે., ડુંગરી), (૩) રાહુલ રાજેન્દ્ર વસાવા (રહે.,આમોદ), (૪) પ્રદીપ વસાવા (રહે.,હિગોરિયા), (૫) ચિરાગ ભીખુ પટેલ (રહે.,વાલિયા) ઈજાગ્રસ્ત થયા હતા. જે તમામને પ્રાથમિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત કામદારોને સહાય માટે કંપની મેનેજમેન્ટ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.
બળદે પેટમાં લાત મારતાં મઢી સુગર ફેક્ટરીના મજૂરનું મોત
બારડોલી : બારડોલી તાલુકાના સુરાલી ગામે પડાવમાં રહેતો મજૂર બળદને ચારો આપવા જતાં બળદે અચાનક પેટમાં લાત મારતાં મજૂરને ગંભીર ઇજા થઈ હતી. તેનું સારવાર દરમિયાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના લીંબુળના અને હાલ બારડોલીના સુરાલી ગામે નવી વસાહત ફળિયા નજીક મઢી સુગર ફેક્ટરીના મજૂરોના પડાવમાં રહેતો એકનાથ પીતાંબર રાઠોડ (ઉં.વ.55) ગત 12મી નવેમ્બરના રોજ પોતાના પાળેલા બળદને ચારો નાંખવા જતાં બળદે તેને લાત મારી હતી. બળદની લાત પેટમાં વાગતાં તે બેભાન થઈ નીચે ઢળી પડ્યો હતો અને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન બીજા દિવસે મોત થયું હતું. સમગ્ર ઘટના અંગે સુરતથી કાગળો આવતાં બારડોલી પોલીસે સોમવારે અમોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.