પેઢી દર પેઢી મહિલાઓની સ્વંતત્રતા વધે છે?

‘વિમેન એમ્પાવરમેન્ટ’ આ શબ્દ આજે આ જમાનામાં ખૂબ પ્રચલિત છે. દરેક વ્યકિત આજે મહિલાઓના ઉધ્ધાર વિશે વાતો કરતો સંભળાય છે. ‘બેટી બચાવો બેટી પઢાવો’ એવાં સ્લોગન્સ ઠેર ઠેર વાંચવાં-સાંભળવાં મળે છે પરંતુ શું સાચા અર્થમાં સ્ત્રીઓને કે આજના જમાનાની દીકરીઓને જમાના પ્રમાણે એટલી છૂટ મળે છે? બે પેઢી પહેલાં જયારે આપણાં દાદી-નાની નાનાં હતાં ત્યારે ઘણી મર્યાદાઓ તેઓએ પાળવાની રહેતી. કંઇક અંશે છૂટ મળતી તો તેની સામે બંધનમાં પણ તેઓએ રહેવું પડતું હતું. એ પછીની પેઢીમાં પ્રમાણમાં થોડા ફેરફારો થયા હોય ભણવાની છૂટ વધી અને થોડી ફ્રીડમ મળી. આજના જમાનાની સ્ત્રીઓ જમાના પ્રમાણે ઘણી આગળ વધી છે. પહેલાંના સમયમાં ડાન્સ કરવો, પાર્ટીઝ કરવી, ફેશન ફોલો કરવું ટેબુ મનાતું હતું પરંતુ આજના સમયમાં એ બધી વ્યવસ્થામાં ઘણો ફેર પડયો છે. આજે વહુઓને કે દીકરીઓને ઘણી ફ્રીડમ આપવામાં આવે છે. તો ચાલો આજે આપણે મળીએ એક જ પરિવારની ત્રણ પેઢીની સન્નારીઓને અને જાણીએ કે એ લોકો જમાના પ્રમાણે કેટલાં બદલાયાં છે?

સ્કૂલ પ્રોગ્રામ્સમાં અને અન્ય સ્પોર્ટસ એક્ટિવીટીઝમાં ઘણો આગળ પડતો ભાગ લેતી હતી પરંતુ તે બધું ચોરીછૂપીથી : કાશ્મીરા ખરાદી

68 વર્ષના કેશ્મીરાબેન કહે છે કે, ‘‘તે જમાનામાં મારા દાદા થોડા ઓર્થોડોક્સ સ્વભાવના હતા. હું મારા સ્કૂલ પ્રોગ્રામ્સમાં અને અન્ય સ્પોર્ટસ એક્ટિવીટીઝમાં ઘણો આગળ પડતો ભાગ લેતી હતી પરંતુ તે બધું ચોરીછૂપીથી. મારો સ્વભાવ ટોમબોય જેવો હતો. આમ તો હું રાજ્ય કક્ષા સુધી સ્પોર્ટસ રમવા ગઇ છું અને વોલીબોલ ચેમ્પિયન રહી ચૂકી છું. મારે 7 વાગ્યા પહેલાં ઘરે આવી જવું પડતું હતું. મારી દીકરી દિલનાઝ જન્મી.  60-65 વર્ષ પછી ફેમિલીમાં દીકરી જન્મી તો એને ખૂબ લાડથી ઉછેરી પરંતુ એને મ્યુઝિક શીખવા બરોડા જવું હતું તે મોકલવાનો મારો જીવ ન ચાલ્યો. મારી દીકરીને મેં ઉચ્ચ ભણતર સાથે બીજી કેળવણી પણ આપી છે પરંતુ મારું માનવું છે કે  અમુક રીસ્ટ્રીક્શન અસ્સલ છોકરીઓ પર હતાં એ બરાબર હતાં અને એ હોવાં જોઇએ.’’

ભાઇ નાનો છે એનું બધું કામ તારે કરવાનું એ વાત નહોતી ગમતી  :  દિલનાઝ બેસાનિયા

47 વર્ષીય દિલનાઝ કહે છે કે, ‘‘મારાં દાદી એ તે જમાનામાં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હતો. મારા મમ્મીને મારા પપ્પાએ એટલો સપોર્ટ આપ્યો છે કે તે બેન્કમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે. હું જે માહોલમાં મોટી થઇ છું તેમાં અમને ઘણી છૂટ હતી. ઘરમાં કોઇ આવ્યું હોય તો મને પણ ત્યાં બેસીને વાતોમાં ભાગ લેવાની છૂટ હતી. મને હંમેશાં એક વસ્તુ નહોતી ગમતી કે મને એમ કહેવામાં આવતું કે ભાઇ નાનો છે એનું બધું કામ તારે કરવાનું. જ્યારે આજે મારો દીકરો અને દીકરી બંને છે તો મારા દીકરાને પણ હું બધું કામ શીખવાડુ઼ં જ છું. અમુક પ્રકારનાં કપડાં હું નહીં પહેરી શકતી પરંતુ હું મારી દીકરીને બધી છૂટ આપું છું. મારાં મમ્મી એવું માને છે કે અમુક ઉંમરે મેરેજ થઇ જ જવા જોઇએ પરંતુ મારી દીકરીને મારા તરફથી એવું કોઇ બંધન નથી.’’

મને નાઇટ આઉટ કરવાની પરમિશન નથી: આઝમીન બેસાનિયા 

13 વર્ષની આઝમીન કહે છે કે, ‘‘મારાં મમ્મીએ મને જમાના પ્રમાણે ઘણી ફ્રીડમ આપી છે. મને જે ભણવું હોય કે જે એક્ટિવીટી કરવી હોય એ હું કરી શકું. મારાં મમ્મીનો એવો આગ્રહ રહે છે કે હું પાર્ટી કરી શકું પણ મને નાઇટ આઉટ કરવાની પરમિશન નથી. હું અને મારો ભાઇ એકબીજાનું રીસ્પેક્ટ કરીએ એવો પણ મારાં મમ્મીનો આગ્રહ રહે છે.’’

સારો છોકરો મળે એટલે પરણી જવાનો તે વખતે આગ્રહ રહેતો: મધુકાન્તાબેન જીનવાળા

68 વર્ષીય મધુકાંતાબેન કહે છે કે, ‘‘હું ખૂબ મોટા સંયુકત પરિવારમાં રહી છું અને હું ઘરમાં સૌથી નાની હતી એટલે મારે એ જમાનામાં સાસુનો અને બીજા બધા ફેમિલી મેમ્બર્સનો વિચાર કરવો પડતો હતો. માનમર્યાદામાં રહેવું પડતું હતું. મારી વહુઓને હું કોઇ બંધનમાં બાંધતી નથી. મારા મેરેજ ૨૦ વર્ષની ઉંમરે થઇ ગયા હતા અને એ વખતે ભણતરનું એટલું મહત્ત્વ નહોતું. મારા પિયરમાં પણ મને બહુ બહાર નહોતા જવા દેતા. હું શાંત પ્રકૃતિની વ્યકિત છું એટલે હું કયારેય સામે નહોતી બોલતી. સારો છોકરો મળે એટલે પરણી જવાનો તે વખતે આગ્રહ રહેતો. મારા પિયરમાં હું ખૂબ પ્રોટેકટેડ માહોલમાં રહેતી હતી.’’

મારા પિયરમાં એટલું રિસ્ટ્રીકશન હતું કે રાત્રે પાર્ટીઝમાં નહીં જવાનું: રૂતા જીનવાળા

44 વર્ષીય રૂતાબેન કહે છે કે, ‘‘અમારા વખતે ભણતરને લઇને કોઇ બંધન નહોતું. કુકીંગ, બેકીંગ, સીંગીંગ એવા બધા વિવિધ કલાસિસ પણ અમને કરાવતા હતા. મારા પિયરમાં એટલું રિસ્ટ્રીકશન હતું કે રાત્રે પાર્ટીઝમાં નહીં જવાનું, 9 વાગ્યા પહેલાં ઘરે આવી જવાનું, સ્કૂલ, ટયુશન ગયા હોઇએ તો ત્યાંથી પણ સીધા ઘરે જ આવવાનું. હું બધી બહેનોમાં નાની હતી એટલે મારા મેરેજ પણ મારી કોલેજ પત્યા પછી થયા. મારી બહેનોના મેરેજ જલ્દી થઇ ગયા હતા. મારી દીકરી ઇન્ટીરિયર ડિઝાઇનર છે તો તે 4 વર્ષનાં કોર્ષ દરમિયાન તે તેના ફ્રેન્ડઝને ત્યાં રહીને પ્રોજેકટ્‌સ કરતી તો મેં કયારેય એના પર કોઇ બંધન નથી નાખ્યું અને જમાના પ્રમાણે છૂટ આપી જ છે.’’

મને મેરેજ કરવા માટે કોઇ પ્રેશર નથી: યશવી જીનવાળા

22 વર્ષની યશવી કહે છે કે મારી મમ્મીને 9 વાગ્યા સુધી ઘરે આવી જવાનું રહેતું પણ મને 11-12 વાગ્યા સુધી બહાર રહેવાની છૂટ છે. મારી મમ્મીના ભણીને તરત મેરેજ થઇ ગયા પરંતુ મારી મમ્મીએ મને જોબ કરવા માટે હંમેશાં એનકરેજ કરી છે. મારી મમ્મી કહે છે કે જોબ કરીને પગભર થઇને પછી મેરેજ કર. મને મેરેજ કરવા માટે કોઇ પ્રેશર નથી જયારે મમ્મીના સમયમાં સારો છોકરો મળે એટલે બીજા કોઇ વિચાર નહોતા થતા.’’

ને તો ખૂબ ફ્રી માહોલ મળ્યો છે : અંજના મારફતિયા

76 વર્ષીય અંજનાબેન કહે છે, ‘‘ફ્રીડમ અને રીસ્ટ્રીકશનની વ્યાખ્યા ફેમિલી પ્રમાણે અલગ હોય છે. મારા સાસરામાં અમને કોઇ ફરજ નહોતી પડાતી પણ અમે જ ડરતા હતા કે આવું કંઇક કરશું તો એ લોકોને કેવું લાગશે. મારા સસરા મારા નણંદને ટેબલ ટેનિસ રમવા દેતા હતા. મારા ભાભીના લગ્ન થયા પછી એમણે પોસ્ટ ગ્રેજયુએશન કર્યું અને મારી મમ્મી બધું સાચવી લેતી હતી. મેં ખુદ પણ મારું પોસ્ટ ગ્રેજયુએશન મેરેજ પછી કર્યું હતું. દરેક જનરેશનમાં અલગ અલગ સ્વભાવનાં લોકો હોય છે. મને તો ખૂબ ફ્રી માહોલ મળ્યો છે મારા સાસરે મને તો જોબ કરવાની પણ છૂટ હતી પણ મારા ત્રણ બાળકોનું ધ્યાન રાખવા માટે મેં જોબ નહીં કરી.’’

મારાં માતાપિતાએ મને જે મારું પેશન હતું એમાં આગળ નહોતી વધવા દીધી : ટીના મારફતિયા

42 વર્ષીય ટીના કહે છે કે, ‘‘મારી મમ્મી સામે ચાલીને કહેતી કે તારે જે શોખ પૂરા કરવા હોય, જેવી ફેશનના કપડાં પહેરવાં હોય તે તું કરી લે કેવું સાસરું મળશે શું ખબર? મારા સારા નસીબે મને સાસરું પણ એવું જ મળ્યું જયાં મને બધી જ છૂટ છે. પિયરમાં અને સાસરીમાં મને શોટ્સ કે જે ફેશનેબલ કપડાં પહેરવાં હોય એ પહેરવાની છૂટ છે. મને એક રીસ્ટ્રીકશન હતું કે મારાં માતાપિતાએ મને જે મારું પેશન હતું એમાં આગળ નહોતી વધવા દીધી. મને આર્કિટેકચર ભણ્વું હતું પરંતુ એ પાંચ વર્ષનો લાંબો કોર્સ હોવાને લીધે મને પહેલાં કંઇક બીજું ભણીને જોબ લેવા કહ્યું. મારી દીકરીને બેંકર બનવું છે તો હું એને એ જ ફિલ્ડમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપું છું.’’

હું ઘણી ફ્રીડમ અને ઇન્ડીપેન્ડન્સથી જીવી શકું છું : હીયા મારફતિયા

17 વર્ષીય હીયા કહે છે, ‘‘હું 5th ગ્રેડમાં હતી ત્યારથી બેંકીંગ મારું પેશન છે. મને મારા પેરેન્ટસે ઘણી ફ્રીડમ આપી છે. મને બેંકીંગમાં આગળ વધવું છે અને હું યુનિવર્સિટીમાં આવતા વર્ષે બેંકીંગના કોર્ષ માટે અપ્લાય કરવા માંગું છું. તો મારા પેરેન્ટસે મને ખૂબ સપોર્ટ પૂરો પાડયો છે. હું ખૂબ ખુશ છું અને હું ઘણી ફ્રીડમ અને ઇન્ડીપેન્ડન્સથી જીવી શકું છું.’’

શિક્ષણ મોટો ભાગ ભજવે છે: ચંચલા અજમેરા

ચંચલા અજમેરા M.P. માં રહે છે. તેઓ આર્ટસ ગ્રેજયુએટ છે. ચંચલાબેન કહે છે કે, ‘વિચારોમાં શિક્ષણ બહુ મોટો ભાગ ભજવે છે. મારું ફેમિલી ઘણું એડવાન્સ છે. મને પણ મારા ભાઇઓ જેટલી જ અભ્યાસ કરવાની છૂટ હતી. અમે નાનાં શહેરમાં રહીએ એટલે એ જમાનામાં ઘરની બહાર નીકળતાં પહેલાં ઘૂંઘટ તો કાઢવો જ પડતો. પતિપત્ની સાથે બહુ નીકળી શકતાં નહીં પરંતુ એ તો જ્યાં રહીએ તેના પ્રમાણે ચાલવું પડે. આ સિવાય મારા પર કોઇ રિસ્ટ્રિકશન નહોતાં. મારી વહુ પણ M.P. આવે ત્યારે અત્યાર સુધી ઘૂંઘટ કાઢતી હતી. જો કે હવે આ બધા રિવાજો ઘટતા જાય છે. મેં મારી વહુ-દીકરીઓને બધી છૂટ આપી છે.’ 

પહેલાં થોડાં રીસ્ટ્રીકશન હતાં જે આજની પેઢીને નથી : મેઘા અજમેરા

મેઘા મૂળ મધ્ય પ્રદેશનાં છે પરંતુ નોકરી-વ્યવસાય અર્થે સુરતમાં સ્થાયી થયાં છે. 40 વર્ષીય મેઘાબહેન કહે છે કે, ‘‘હું એવા ફેમિલીમાંથી આઉં છું કે જે બહુ ઓર્થોડોક્સ નથી. મારા દાદા લોયર હતા અને ફોઇઓ પણ સારું ભણ્યાં હતાં. મેં પણ લોનો અભ્યાસ કર્યો છે અને ટ્યુશન કરાવું છું. હા, અમને ભણવા માટે બહુ દૂર બીજા સિટીમાં જવાની છૂટ નહોતી. ફેમિલી ઓળખતું હોય એવા જ ફ્રેન્ડ્સ સાથે હરવાફરવાની પરમિશન મળતી. 9 વાગે તો ઘરે આવી જ જવાનું. કોલેજ પિકનિક કે ટુર પર જવાની તો મનાઇ જ. કોલેજમાં અભ્યાસ કરતાં કરતાં જ જીવનશાથીની શોધ શરૂ થઇ જતી અને જો સારું પાત્ર હોય તો લગ્ન કરાવી દેવાતાં. જો કે હવે આજે આ બધું રહ્યું નથી. સંતાનોને સ્વતંત્રતા આપવી પડે છે.’’

હું જે ઇચ્છું તે કરવાની મને છૂટ છે: કાશ્વી અજમેરા

કાશ્વી  14 વર્ષની છે અને 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. એ કહે છે, ‘‘મને ઘણી સ્વતંત્રતા મળે છે. હું જે ઇચ્છું તે કરવાની મને છૂટ છે. મારું ફ્રેન્ડ સર્કલ નાઇટ પાર્ટી તો નથી કરતું પરંતુ હું ફ્રેન્ડને ત્યાં નાઇટ આઉટ માટે જાઉં છું. મારા પેરન્ટ્સ મને સામેથી ડાન્સ ક્લાસ અને ઇતર પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહન આપે છે. કરિયર અંગે મેં હજુ બહુ વિચાર્યું નથી પરંતુ મને ખાતરી છે કે તેઓ મને યોગ્ય માર્ગદર્શન આપી સપોર્ટ કરશે જ.’

Most Popular

To Top