9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં G20 સમિટ (G20 Summit) યોજાઈ હતી. આ સમિટની સૌથી ખાસ વાત એ છે કે સાઉદી અરેબિયા, ભારત, અમેરિકા (America) અને યુરોપિયન યુનિયન વચ્ચે મેગા ઇકોનોમિક કોરિડોર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના (Saudi Arabia) પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આ અંગે સહમત થયા છે. બંને વચ્ચે મીટીંગ થઈ હતી. પીએમ મોદી અને પ્રિન્સ સલમાને આ કોરિડોર અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ ઐતિહાસિક પ્રોજેક્ટ હેઠળ યુરોપ અને ભારતને મધ્ય પૂર્વના માધ્યમથી જોડવામાં આવશે. ભારતની અધ્યક્ષતામાં આયોજિત આ G20 સમિટમાં ઘણી સિદ્ધિઓ મળી હતી. આમાં સૌથી વિશેષ છે ‘ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર’ એટલે કે ‘IMEC’.
ભારતની આ પહેલની સાઉદી અરેબિયા અને યુરોપિયન દેશોએ ખૂબ પ્રશંસા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અરેબિયાના સુલતાન સાથે મુલાકાત કરી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યું કે ગઈકાલે અમે ભારત, પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે કોરિડોર સ્થાપિત કરવાની ઐતિહાસિક શરૂઆત કરી છે. આ માત્ર બંને દેશોને જ નહીં જોડશે પરંતુ એશિયા, પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે આર્થિક સહયોગ, ઊર્જા વિકાસ અને ડિજિટલ કનેક્ટિવિટી પણ મજબૂત કરશે. જ્યારે પ્રિન્સ સલમાને પીએમ મોદી માટે કહ્યું કે હું તમને G20 સમિટના તમારા સંચાલન અને મધ્ય પૂર્વ, ભારત અને યુરોપને જોડતા આર્થિક કોરિડોર સહિત હાંસલ કરેલી પહેલ માટે અભિનંદન આપું છું. હવે જરૂરી છે કે આપણે આ બાબતોને વાસ્તવિકતામાં ફેરવીએ.
આ કોરિડોર કેટલો લાંબો હશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કોરિડોર 6 હજાર કિલોમીટર લાંબો હશે. આમાંથી લગભગ 3 હજાર 500 કિલોમીટર દરિયાઈ માર્ગ હશે. આ પ્રસ્તાવિત ઈકોનોમિક કોરિડોરની જાહેરાત બાદ પ્રિન્સ સલમાન અને પીએમ મોદી વચ્ચેની બેઠકમાં પ્રોજેક્ટને આગળના સ્તરે લઈ જવા અંગે નક્કર ચર્ચા થઈ હતી. આ ઈકોનોમિક કોરિડોરના નિર્માણ બાદ ભારત, મધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચે નવી વેપાર વ્યવસ્થા ઉભી થશે. જેનો ભારતને ચોક્કસ ફાયદો થશે.
આ કોરિડોરના નિર્માણ બાદ ભારતથી મધ્ય પૂર્વ થઈને યુરોપમાં માલસામાનની આયાત અને નિકાસમાં ઘણી સરળતા રહેશે. ભારત સહિત મધ્ય પૂર્વના ઘણા દેશો અને યુરોપિયન યુનિયનના દેશોને આ પ્રોજેક્ટથી ફાયદો થશે. જો ભારતથી યુરોપમાં માલ મોકલવામાં આવે તો 40 ટકા મુસાફરીનો સમય બચશે. હાલમાં જો કોઈ પણ કાર્ગોને ભારતથી જર્મની મોકલવો હોય તો તે એક મહિના કરતાં વધુ સમય લે છે એટલે કે લગભગ 36 દિવસ. આ ઈકોનોમિક કોરીડોર બન્યા બાદ આ રૂટમાં લાગતો સમય 14 દિવસ ઓછો થઈ જશે. એટલે કે 22 દિવસમાં સામાન પહોંચી જશે. ભારત, UAE, સાઉદી અરેબિયા, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુરોપિયન યુનિયન સહિત કુલ 8 દેશો ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટમાં સામેલ થશે. આ 8 દેશો સિવાય ઈઝરાયેલ અને જોર્ડનને પણ આનો ફાયદો થશે.