SURAT

કર્મ કોઈને છોડતું નથી: મિત્રની હત્યા કર્યા બાદ નામ બદલ્યું, સાધુ બન્યો છતાં ન બચ્યો, 18 વર્ષે પકડાયો

સુરત: કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. આજે નહીં તો કાલે કરેલા પાપોની સજા ભોગવવી જ પડે છે એ કહેવતને સાચી ઠેરવતી ઘટના સુરતમાં બની છે. 18 વર્ષ પહેલાં પગારના મામલે ઝઘડો થતા મિત્રની હત્યા કરનાર હત્યારો 18 વર્ષે પકડાયો છે. બે વખત વેશપલ્ટો કર્યો છતાં તે બચી શક્યો નહોતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2006માં ભેસ્તાન પાસે સળિયા બનાવવાની ફેક્ટરીમાં વોચમેન તરીકે કામ કરતા ભોલા કુર્મી સાથે પગાર લેવા બાબતે ઝઘડો થતાં નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહન સિંહ રાજપુતે ગુસ્સામાં માથાના ભાગે સળિયો મારી ભોલાની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ નારાયણસિંહ ભાગી ગયો હતો.

હત્યાનો મુખ્ય આરોપી નારાયણ સિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભ સિંહ બ્રિજમોહન સિંહ રાજપુતની તપાસ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન સોર્સથી માહિતી મળી કે, નાસતો ફરતો આરોપી નારાયણ સિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભ સિંહ બ્રિજમોહન સિંહ રાજપુત ઉત્તર પ્રદેશ ખાતે વેશ પલટો કરીને હાલ સાધુનાં વેશમાં રહે છે. જેથી ઉત્તરપ્રદેશનાં ફતેપુર ખાતે ફરીથી એક ટીમ બનાવી મોકલી તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

પાંડેસરા પીઆઈ એન.કે. કામળિયાએ કહ્યું કે, નારાયણસિંહ દંતોલીમાં વેશપલટો કરી રહેતો હતો. ત્યાંથી તેને પકડી લેવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન નારાયણે પોતે હત્યા કર્યા બાદ મુંબઈ અને કાનપુર ભાગી ગયો હોવાની કબૂલાત કરી છે. કાનપુરમાં પોલીસથી બચવા નારાયણે નામ બદલીને રાજુ કરી દીધું હતું.

તે ડ્રાઈવરનું કામ કરતો હતો. 2014માં એક અકસ્માતમાં તેનો ડાબો હાથ કપાઈ ગયો હતો. ત્યાર બાદ ફરી વેશપલટો કરી તે સાધુ બની ગયો હતો. પોલીસે 18 વર્ષથી ભાગતા ફરતા નારાયણસિંહને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top