National

‘પહેલી દોસ્તી, પછી ફ્લેટ પર’ આ રીતે બાંગ્લાદેશી સાંસદ હનીટ્રેપમાં ફસાયા, પછી થયું આવું…

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal) સીઆઈડી બાંગ્લાદેશના (Bangladesh) સાંસદ અનવારુલ અઝીમ અનારની (Anwarul Azim Anar) હત્યાના સંબંધમાં કાર્યવાહી કરી હતી. જેમાં સીઆઈડીએ બાંગ્લાદેશી સાંસદની હત્યામાં એક શકમંદની ધરપકડ કરી હતી. આ એ જ કસાઈ છે જેણે હત્યા બાદ લાશ કાપવા માટે મુંબઈથી અન્ય આરોપીઓને બોલાવ્યા હતા. હત્યાના (Murder) બે મહિના પહેલા જ તે મુંબઈથી કોલકાતા આવ્યો હતો.

CIDએ જણાવ્યું છે કે ધરપકડ કરાયેલ શંકાસ્પદ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ છે, જે બાંગ્લાદેશનો રહેવાસી છે. ધરપકડ કરાયેલ શંકાસ્પદની ઓળખ 24 વર્ષીય જેહાદ હવાલદાર તરીકે થઈ છે, જે બાંગ્લાદેશના ખુલનાનો રહેવાસી છે. તેમજ સાંસદ અનવારુલ અઝીમની હત્યાના માસ્ટરમાઇન્ડનું નામ અખ્તરુઝમાન છે, જે બાંગ્લાદેશી મૂળનો અમેરિકન નાગરિક છે. અખ્તરુઝમાને પોતે બે મહિના પહેલા આ કસાઇને મુંબઈથી કોલકાતા બોલાવ્યો હતો.

કસાઈએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે કેવી રીતે આરોપીઓએ પહેલા બાંગ્લાદેશી સાંસદની હત્યા કરી અને પછી તેના મૃતદેહના ટુકડા કરી કોલકાતામાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા.

બાંગ્લાદેશી સાંસદને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા
સમગ્ર મામલામાં બાંગ્લાદેશ પોલીસે એક મહિલાની અટકાયત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલા દ્વારા સાંસદને હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની શક્યતા છે. આ મહિલાનું નામ શિલાંતી રહેમાન છે, જે બાંગ્લાદેશની નાગરિક છે. બાંગ્લાદેશ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર શિલાંતી આ હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ અક્તરુઝમાન શાહીનની ગર્લફ્રેન્ડ છે. જે સમયે સાંસદ અનવારુલની હત્યા કરવામાં આવી હતી. તે સમયે શિલાંતી કોલકાતામાં હતી અને 15 મેના રોજ આ હત્યાકાંડના મુખ્ય આરોપી, ખૂની અમાનુલ્લાહ અમાન સાથે ઢાકા પરત આવી હતી.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે બાંગ્લાદેશથી સાંસદને કોલકાતા બોલાવવા માટે અક્તરુજમાને શિલાંતીનો હનીટ્રેપ તરીકે ઉપયોગ કર્યો હતો. આ કેસમાં બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા આરોપીઓના નિવેદનના આધારે શિલાંતીની અટકાયત કરવામાં આવી હતી.

બાંગ્લાદેશી સાંસદની હત્યા કેવી રીતે કરવામાં આવી?
આરોપી કસાઈએ જણાવ્યું હતું કે અખ્તરુઝમાનના નિર્દેશ પર તેણે અને અન્ય ચાર બાંગ્લાદેશી નાગરિકોએ પહેલા સાંસદ અનવારુલ અઝીમનું ગળું દબાવીને નિર્દયતાથી હત્યા કરી હતી. આ સમગ્ર ગુનો કોલકાતાના એક ફ્લેટમાં આચરવામાં આવ્યો હતો. જેહાદ હવાલદારે જણાવ્યું હતું કે હત્યા બાદ બાંગ્લાદેશી સાંસદના આખા શરીરની ચામડી ઉતારી દેવામાં આવી હતી અને તમામ માંસ બહાર કાઢવામાં આવ્યું હતું. અંતે, ઓળખ અટકાવવા માટે માંસને નાના ટુકડાઓમાં કાપવામાં આવ્યું હતું.

કસાઈએ જણાવ્યું કે મૃતદેહના નાના ટુકડાને પોલી પેકમાં ભરી દેવામાં આવ્યા હતા અને હાડકાંના પણ નાના ટુકડા કરી દેવામાં આવ્યા હતા. આ બધા ટુંકડાઓને પોલી પેકમાં સારી રીતે પેક કરવામાં આવ્યા હતા. હત્યા કર્યા પછી આરોપીઓએ આ પોલી પેક ઉપાડ્યા અને ક્યારેક ટ્રેન અને ક્યારેક બસમાં મુસાફરી કરતી વખતે કોલકાતાના જુદા જુદા ભાગોમાં ફેંકી દીધા. આરોપી કસાઈને હવે કોર્ટમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ શરીરના અંગોને શોધવામાં આવશે.

Most Popular

To Top