National

કેદારનાથમાં યાત્રાળુઓનું હેલિકોપ્ટર હવામાં બગડ્યું, પાયલોટની સર્તકતાને લીધે મોટી દુર્ઘટના ટળી

કેદારનાથ: ઉત્તરાખંડના તીર્થધામ કેદારનાથમાં આજે મોટી દુર્ઘટના ટળી છે. પાયલોટની સમજદારી અને સતર્કતાના લીધે 7 યાત્રાળુઓના જીવ બચી ગયા છે.

કેદારનાથમાં 7 યાત્રાળુઓને લઈને ઉપડેલું હેલિકોપ્ટર હવામાં બગડી ગયું હતું. હેલિકોપ્ટર હવામાં ફંગોળાવા લાગ્યું હતું. હેલિકોપ્ટરમાં બેઠેલા યાત્રાળુઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. કેદારનાથ મંદિર પાસે ઉભેલા ભક્તો પણ આ દ્રશ્ય જોઈ ડરી ગયા હતા, પરંતુ વિકટ પરિસ્થિતિમાં પણ પાયલોટે સમજદારી દાખવીને હેલિકોપ્ટરનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું, જેના લીધે યાત્રાળુઓના જીવ બચી ગયા હતા. આ ઘટનામાં ક્રિસ્ટલના હેલિકોપ્ટરને નુકસાન થયું હોવાની માહિતી મળી છે.

પાયલોટે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવતા મોટી દુર્ઘટના ટળી છે. હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ઉતરી જતાં યાત્રાળુઓએ રાહતનો શ્વાસ લીધો હતો. કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા હંમેશા જોખમી રહી છે. છેલ્લા 11 વર્ષમાં કેદારનાથમાં 10 અકસ્માતો થયા છે. 

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે આજે શુક્રવારે સવારે 7 વાગ્યે ક્રેટન એવિએશન કંપનીનું હેલિકોપ્ટર 7 મુસાફરોને લઈને કેદારનાથ માટે રવાના થયું હતું. ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરનું કેદારનાથ હેલિપેડથી લગભગ 100 મીટર પહેલાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

પાઇલટ કલ્પેશે સર્તકતા દાખવીને કટોકટીની પરિસ્થિતિમાં હેલિકોપ્ટરનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું, જેના લીધે તમામ શ્રદ્ધાળુઓ સલામત અને સુરક્ષિત છે. ઘટના દરમિયાન પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘટનાસ્થળે જઈને મુસાફરોની મદદ કરી અને તેમને મંદિર સુધી લઈ ગયા હતા.

કેદારનાથ ધામમાં ક્રિસ્ટલ કંપનીના હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગની તપાસ અધિકારી ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરના ટેલ રોટરમાં ટેકનિકલ ખામીના કારણે પાયલોટે ખૂબ જ સમજદારીપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. હેલિકોપ્ટરમાં તામિલનાડુના છ મુસાફરો સવાર હતા. તમામ સુરક્ષિત છે.

Most Popular

To Top