Vadodara

ખેડામાં સાડા પાંચ હજાર ઉમેદવાર GPSCની પરીક્ષા આપશે

ખેડા, તા.4
ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર ગુજરાત વહીવટી સેવા વર્ગ- 1, ગુજરાત મુલ્કી સેવા-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રિલિમરી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટર કે.એલ.બચાણી દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ- 1, ગુજરાત મુલ્કી સેવા- 1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રિલિમરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે લાઈઝનીંગ અધિકારીઓને જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેકટર કે.એલ.બચાણી એ જણાવ્યું કે એમના કાર્યકાળ દરમિયાન એક પણ પરીક્ષામાં ગેરરીતિનો બનાવ બન્યું નથી. તે માટે તેમણે કેન્દ્ર સંચાલકોને અભિનંદન પાઠવ્યા.
જેમાં આગામી 7 મી જાન્યુઆરી 2024 રોજ યોજાનારી પ્રિલિમરી પરીક્ષામાં જિલ્લાના 24 પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ, બેઠક વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણુક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ, વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત, અને આરોગ્ય અધિકારી દ્વારા થતી કામગીરી, તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારુરૂપે ભૌતિક અને આનુષંગિક તમામ વ્યવસ્થા જળવાઈને પરીક્ષા સુચારૂ રૂપે યોજાય તે માટેના તમામ પ્રકારના જરૂરી સલાહ સૂચનો કલેકટર કે.એલ.બચાણી દ્વારા આપવામાં આવ્યા હતા.
આ મિંટીંગ દરમ્યાન ઉપસ્થિત તકેદારી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, કેન્દ્ર નિયામક, વગેરેને પરીક્ષા પહેલા, પરીક્ષા બાદ તેમજ પરીક્ષા દરમ્યાન રાખવાની તકેદારીઓ, ફરજો વગેરે જેવી તમામ કાર્યપધ્ધતિઓની માહિતી શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણાધિકારી કલ્પેશ રાવળ દ્વારા આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ખેડા જિલ્લામાં તા.7મી જાન્યુઆરી, 2024ના રોજ સવારે 10-00 થી બપોરે 1-00 કલાકે અને 3-00 થી 6-00 એમ બે ભાગમાં પ્રશ્નપત્ર-1 અને પ્રશ્નપત્ર-૨માં, કુલ 24 પરીક્ષા કેન્દ્રો અને 234 બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે તેમજ જિલ્લામાં કુલ 5690 ઉમેદવારો આ પરીક્ષામાં હાજરી આપશે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.કે.જોષી, નાયબ પોલીસ અધિક્ષક વિમલ બાજપેયી, જિલ્લા શિક્ષણાધિકારી, સહિત સંબંધિત અધિકારીઓ તેમજ સમિતીના સભ્યો, શાળા સંચાલકો ઉપસ્થિત રહી પરીક્ષા સુચારૂરીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે પોલીસની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

Most Popular

To Top