દોહાઃ (Doha) કતારમાં (Qatar) ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં (FIFA World Cup) મંગળવારે મોટી ઉથલપાથલ જોવા મળી હતી. છેલ્લી 36 મેચોથી અજેય રહેલી આર્જેન્ટિનાની ટીમને ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં જ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. નીચલા ક્રમાંકની ટીમ સાઉદી અરેબિયાએ (Saudi Arabia) તેને 2-1થી હરાવ્યું. આર્જેન્ટિનાની ટીમ છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરતી રહી પરંતુ સ્કોર બરાબરી કરી શકી નહીં. આર્જેન્ટિના (Argentina) તરફથી એકમાત્ર ગોલ લિયોનેલ મેસીએ પેનલ્ટી કિકથી કર્યો હતો. સાઉદી અરેબિયાએ સાબિત કરી દીધું કે એશિયન ક્વોલિફાઈંગ દ્વારા વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવવો કોઈ વાંક નથી. પાંચ વખત વર્લ્ડ કપમાં સ્થાન બનાવ્યું હોવા છતાં સાઉદી અરેબિયા માત્ર એક જ વાર અંતિમ 16માં પહોંચી શક્યું છે. ત્યારે હવે આ વાતે ચર્ચા જગાવી છે કે ચેમ્પિયન ટીમને હરાવનાર ટીમનો જુસ્સો જોતા કદાચ આ વખતે ઈતિહાસ બદલાઈ જશે.
હાફ ટાઈમ સુધી સ્કોર 1-0 હતો પરંતુ બીજા હાફમાં સાઉદી અરેબિયાએ જે રીતે કમબેક કર્યું તે પછી આર્જેન્ટિનાની ટીમ લાચાર દેખાઈ. સાલેહ અને સાલેમ ઉપરાંત સાઉદી અરેબિયાની જીતના હીરો તેમનો ગોલકીપર અલ ઓવૈસ પણ હતો. આ સિઝનના ત્રીજા દિવસે આર્જેન્ટિનાની હારને મોટા અપસેટ તરીકે જોવામાં આવી રહી છે. આ ગ્રુપ સીની પ્રથમ મેચ હતી અને આ જ ગ્રુપની બીજી મેચ આજે મેક્સિકો અને પોલેન્ડ વચ્ચે રમાશે. આર્જેન્ટિનાની ટીમ હવે તેની આગામી મેચ મેક્સિકો સામે 26 નવેમ્બરે બપોરે 12.30 કલાકે રમશે. અને તે જ દિવસે સાંજે 6.30 કલાકે સાઉદી અરેબિયા પોલેન્ડ સામે ટકરાશે.
આર્જેન્ટિના આ હાર પચાવી ન શકી
આર્જેન્ટિનાએ ચાર વર્ષ પહેલા વર્લ્ડ કપમાં આઇસલેન્ડ સામે 1-1થી ડ્રો કરીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ અહીં તેની સાથેજ રમત થઈ ગઈ હતી. જ્યાં ટીમ પહેલા મોટી જીત સાથે મેદાનમાં ઉતરી હતી પરંતુ હવે તેને નીચું જોવાનો વારો આવ્યો છે. આર્જેન્ટિનાએ 2021માં કોપા અમેરિકા ટાઇટલ સહિત તાજેતરના ભૂતકાળમાં સારો દેખાવ કર્યો છે. છેલ્લા 28 વર્ષમાં કોઈ મોટી ટુર્નામેન્ટમાં આ તેની પ્રથમ ટાઈટલ જીત હતી.
હાર છતાં મેસ્સીએ રચ્યો ઈતિહાસ
સાઉદી અરેબિયા સામેની આ મેચમાં આવતાં લિયોનેલ મેસ્સી પાંચ વર્લ્ડ કપમાં રમવાનો રેકોર્ડ ધારક બની ગયો. જે ડિએગો મેરાડોના અને જેવિયર માસ્ચેરાનો કરતાં એક મેચ વધુ છે. મેચમાં મેસ્સીએ 10મી મિનિટે આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. તેણે પેનલ્ટી પર ગોલ કર્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં મેસ્સીનો આ સાતમો ગોલ છે. 2006, 2014, 2018 અને 2022માં આર્જેન્ટિના માટે ચાર અલગ-અલગ વર્લ્ડ કપમાં સ્કોર કરનાર તે પ્રથમ ફૂટબોલર બન્યો છે.
સાઉદી અરેબિયા કેવી રીતે જીત્યું
પ્રથમ હાફમાં પાછળ પડ્યા બાદ સાઉદી અરેબિયાએ બીજા હાફની શરૂઆતમાં શ્રેણીબદ્ધ હુમલા કર્યા. મેચની 48મી મિનિટે આ દબાણ કામ આવી ગયુ. સાલેહ અલશેહરીએ અલ બુરેકાનના શાનદાર પાસથી ગોલ કર્યો હતો. થોડીવાર પછી સાઉદી અરેબિયાની ખુશી બેવડાઈ ગઈ. સાલેમ અલ્દસારીએ 53મી મિનિટે આશ્ચર્યજનક ગોલ કર્યો હતો.