વલસાડ: વલસાડના (Valsad) કચીગામના એક ઘરમાં ઘૂસેલા દિપડાએ (Leopard) પિતા-પુત્ર પર હુમલો (Attack) કર્યાની ઘટનાને પગલે ભયનો માહોલ છવાયો છે. આ એ જ દિપડો છે જે રવિવારે વલસાડ તાલુકાના વેલવાચ ગામે એક ઘરમાં ભરાઇ ગયો હતો અને ઘરની બે મહિલાઓને ઘાયલ કરી ભાગી ગયો હતો. આ દિપડો ત્યાંથી ભાગીને નજીકના કચીગામમાં પહોંચી ગયો અને ત્યાં પણ એક ઘરમાં ભરાઇ ગયો હતો, એટલું જ નહીં, ઘરમાં પિતા-પુત્ર પર હુમલો સુદ્ધાં કર્યો હતો. પિતાએ દિપડા સાથે બાથ ભીડી તેને એક રૂમમાં પૂર્યો હતો, બાદમાં 6 કલાકની જહેમત બાદ વન વિભાગે તેને પકડીને પાંજરે પૂર્યો છે.
- સવારે વોશિંગ મશીન ચાલુ કરવા ગયેલી પરિણીતાને બાથરૂમમાં કોઈ ભરાયું હોવાની શંકા જતાં પતિને જોવા કહ્યું, તો બાથરૂમમાં બિરાજમાન દિપડાએ સીધો જ એટેક કર્યો
- વેલવાચ ગામે રસોડામાં બે મહિલાઓને ઘાયલ કરી ભાગેલો દિપડો કચીગામના બાથરૂમમાં ભરાયો હતો
વેલવાચમાં રહેતા મનિષાબેન પટેલને પીઠ પર બચકું ભરીને તેમના કાકી કમલાબેનના મોં પર પંજો મારી ભાગેલો દિપડો કચીગામ પહોંચ્યો હતો. અહીં આ દિપડો જીઇબીના નિવૃત્ત કર્મચારી કિશોરભાઇ ડાહ્યાભાઇ ઠાકોરના ઘરમાં ભરાયો હતો. સવારના સમયે દિપડો ઘરના બાથરૂમમાં બેઠો હતો. ઘરની વહુ અદિતિબેન ઠાકોર સવારે જ્યારે વોશિંગ મશીનમાં કપડા નાંખવા ગયા ત્યારે તેમને લાગ્યું કે બાથરૂમમાં કોઇ છે.
તેમણે તુરંત તેમના પતિ કેયુરને આ વાત કહી, ત્યારે કેયુર બાથરૂમમાં જોવા ગયો અને તેના પર દિપડાએ હુમલો કર્યો અને બચકું ભરી લીધું હતું. પુત્ર પર દિપડાનો હુમલો જોઇ કિશોરભાઇ ત્યાં દોડી આવ્યા અને દિપડા સાથે બાથ ભીડી હતી. દિપડા સાથેની આ લડાઇમાં દિપડો લપકીને બીજા રૂમમાં ગયો અને કિશોરભાઇએ અને કેયુરે સમય સુચકતા વાપરી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. જેના કારણે તેમના ઘરના અન્ય લોકોનો જીવ પણ બચી ગયો હતો.
દિપડાને એક રૂમમાં પૂર્યા બાદ કિશોરભાઇએ આ અંગે સ્થાનિકોને અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ ત્યાં આવી અને ભારે જહેમત બાદ 6 કલાકે દિપડાને પાંજરે પૂર્યો હતો.
અનેક પ્રયત્નો છતાં દિપડાને બેહોશ કરવામાં વનવિભાગ વિફળ
વલસાડના કચીગામના એક પરિવારના ઘરમાં પુરાયેલા દિપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે તેને બેહોંશ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ વન વિભાગની ટીમ તેને બેહોંશ કરી શકી ન હતી. તેમજ પાંજરામાં પણ દિપડો પુરાતો ન હતો. જોકે, 6 કલાકની જહેમત બાદ દિપડો જેમ તેમ પાંજરે પુરાયો હતો. જેના કારણે પરિવારના લોકો તેમજ સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
વેચવાલથી ભાગેલો દિપડો જંગલને બદલે ફરી માનવ વસતિ તરફ ગયો! માનવભક્ષીના લક્ષણ?
પહેલાં વેલવાચમાં બે મહિલાઓ પર અને પછી કચીગામના બે પુરુષો પર હુમલો કરનાર દિપડો હવે માનવીનું લોહી ચાખી ગયો છે. કચીગામમાં મહિલાને પીઠમાં બચકું ભરીને ભાગેલો દિપડો જંગલમાં નહી ગયો પરંતુ કચીગામમાં બીજા ઘરમાં ભરાયો હતો. જેના કારણે હવે તેની આ હરકત મુશ્કેલી સર્જી શકે એમ છે. હાલ આ દિપડાને જંગલમાં જ છોડવાનો નિર્ણય લેવાયો છે. જો કે, માનવીનું લોહી ચાખી ગયેલો આ દિપડો ભવિષ્યમાં પણ કોઇ માનવ પર હુમલો કરે તો નવાઇ નહીં.