Gujarat

ગુજરાતના ખેડૂતને 8 મણ ડુંગળીની સામે મળ્યા માત્ર 10 રૂપિયા, સોશિયલ મીડિયામાં રસીદનો ફોટો વાયરલ

રાજકોટ: દેશમાં મોંઘવારીનું પ્રમાણ વધ્યું છે. ખેતી કરવી પણ મોંઘી બની છે. જો આપણને લાગતું હોય કે માર્કેટમાં (Market) વસ્તુનો ભાવ આટલો છે તો તેનાથી બમણો ભાવ ખેડૂતો (Farmer) લેતા હશે. પરંતુ એવું નથી, મોંઘવારીનો સૌથી વધુ માર જગતના તાત પર પડી રહ્યો છે. મણ ડુંગળી (Onion) પર ખેડૂતોને માત્ર 2 રૂપિયા કે 10 રૂપિયાનો જ ફાયદો (Profit) થઈ રહ્યો છે. ગુજરાતના એક ખેડૂતને 8 મણ ડૂંગળી પર માત્ર 10 રૂપિયા મળ્યા હતા. જેનું બિલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

ગોંડલમાં ખેડૂતને 166 કિલો ડુંગળી એટલે 8 મણ ડુંગરીના 10 રૂપિયા જ મળ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર જામનગરના બજરંગપુર ગામના ખેડૂત સવજીભાઈ દોમડિયાએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 8 મણથી વધારે એટલે કે, 166 કિલો ડુંગળી વેચી હતી. મહામહેનતે તૈયાર કરેલ ડુંગળીનો પાક વેચવા માટે ગોંડલ માર્કેટયાર્ડ ગયા હતા. જ્યાં તેમણે 8 મણથી વધુ ડુંગળી વેચી હતી. જેમાં ખેડૂતને એક મણ ડુંગળીનો ભાવ 31 રૂપિયા મળવાના હતાં. જો કે આ ડુંગળીની કિંમત 257 રૂપિયા તો થઈ પણ પછી હિસાબને અંતે ખેડૂતના હાથમાં માત્ર 10 રૂપિયા જ આન્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં જ મહારાષ્ટ્રમાં પણ આવી એક ખેડૂતને પોતાની ડુંગળીના માત્ર 2 રૂપિયા જ મળ્યા હતા.

જગતના તાતને 8 મણ ડુંગળીની સામે માત્ર 10 રૂપિયા મળ્યા
ખેડૂત સવજીભાઈએ આ અંગે જણાવ્યું કે માત્ર મણના 31 રૂપિયા ભાવ મળતો હોવાથી અમારી મહેનત પાણીમાં જઈ રહી છે. આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમને 10 મણ ડુંગળીનું ઉત્પાદન કરવા માટે 1500 જેટલો ખર્ચો થાય છે. અને તેની સામે અમે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા જઈએ છીએ ત્યારે અમારે તેને મજબૂરીને પાણીના ભાવે વેચવી પડે છે. તેથી મહેનત તો ઠીક પણ ઉત્પાદનનો ખર્ચો પણ મળતા નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે જો અમને એક મણના 200 રૂપિયા પણ મળે તો અમારો ખર્ચો નીકળી જાય છે પરંતુ તેમાં પણ અમારી મજૂરી તો બાદ જ રહે છે.

સોશિયલ મીડિયા પર રસીદ થઈ રહી છે વાયરલ
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર 8 મણ ડુંગળીની સામે 10 રૂપિયા મળ્યાની રસીદ વાયરલ થઈ રહી છે. તેમણે જણાવ્યું કે આ વેચાણ પહોંચમાં વાહન ભાડું 220, ચઢાવ ઉતાર ખર્ચ 16 અને ઠલવાઈ ખર્ચ 4 રૂપિયા, એમ મળીને કુલ ખર્ચ 249 રૂપિયા થયો હતો. જેની સામે ડુંગળીના એક મણે 31 રૂપિયાના ભાવને કારણે 8 મણના 259.30 રૂપિયા થયા હતા. તેથી ખર્ચ બાદ કરતા માત્ર 10 રૂપિયા જ ખેડૂત સવજીભાઈના હાથમાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના ખેડૂતને મળ્યા હતા માત્ર 2 રૂપિયા
આ અગાઉ મહારાષ્ટ્રના એક ખેડૂતને માત્ર 2 રૂપિયાનો ચેક મળ્યો હતો. 2 રૂપિયાના ચેકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. માહિતી અનુસાર મહારાષ્ટ્રના સોલાપુરના બરશીના બોરગાંવ ગામના રાજેન્દ્ર તુકારામ ચૌહાણ નામના ખેડૂતે 512 કિલો ડુંગળી વેચવા માટે 70 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો ત્યાર બાદમાં આટલું અંતર કાપીને તેઓ સોલાપુર એપીએમસી પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ડુંગળીના ઘટતા ભાવને કારણે માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવી પડી હતી. 

Most Popular

To Top