અમેરિકાના પ્રમુખની ગણતરી દુનિયાના સૌથી શક્તિશાળી માનવ તરીકે થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે તા. ૨૦ જાન્યુઆરીના અમેરિકન પ્રમુખપદ છોડવું પડશે તે નક્કી છે; તો પણ તેમના હાથમાં ન્યુક્લિયર બટન છે, જેનો ઉપયોગ કરીને તેઓ દુનિયાને અણુયુદ્ધ તરફ ધકેલી શકે તેમ છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો ચૂંટણીમાં થયેલી કથિત ગોલમાલના વિરોધમાં કેપિટોલ હિલ તરફ ધસી ગયા હતા અને તેમણે મકાનમાં ભાંગફોડ પણ કરી હતી.
આ ઘટના પછી ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામે પ્રમુખ ટ્રમ્પનું ખાતું બ્લોક કરી દીધું છે. તેનાથી વિચલિત થયા વિના પ્રમુખ ટ્રમ્પના સમર્થકો પાર્લર નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરફ વળ્યા તો ગૂગલે અને એપલે પાર્લરને પણ ચેતવણી આપી છે કે જો તે પ્રમુખ ટ્રમ્પના વિચારોને પ્લેટફોર્મ આપવાનું ચાલુ રાખશે તો ગૂગલ પ્લેસ્ટોર અને એપલ પરથી તેને દૂર કરવામાં આવશે. પાર્લર અત્યારે અમેરિકાની સૌથી ઝડપથી વિકસી રહેલી એપ છે, કારણ કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો તેનો ઉપયોગ કરે છે.
ગૂગલ અને એપલ જેવી કંપનીઓ એક તરફ એવો દંભ કરે છે કે સોશિયલ મીડિયામાં તેઓ વિચારોની મુક્ત અભિવ્યક્તિનો આદર કરે છે. બીજી તરફ દુનિયાની ચૂંટાયેલી સરકારની વિરુદ્ધમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો મત વ્યક્ત કરે તો તેને સેન્સર કરવામાં આવે છે અને તેનું અકાઉન્ટ ડિલિટ કરવામાં આવે છે. દુનિયામાં જેટલા પણ સ્માર્ટ ફોન બને છે તેઓ ક્યાં તો ગૂગલની અને ક્યાં એપલની ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે.
સોશિયલ મીડિયાની કોઈ પણ એપ લોન્ચ કરવી હોય તો તેના માટે ગૂગલ અથવા એપલ પ્લેસ્ટોર સિવાય ત્રીજું કોઈ માધ્યમ નથી. જો ગૂગલ અને એપલ કંપનીઓ મળીને નક્કી કરે કે તેમણે કોઈ વ્યક્તિને સામાજીક કે રાજકીય રીતે ખતમ કરી નાખવી છે, તો તેમને કોઈ રોકી શકતું નથી. આ તાકાતનો અનુભવ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ થઈ ગયો છે. હકીકતમાં આપણી દુનિયાના નવા સરમુખત્યારો ગૂગલ અને એપલ જેવી કંપનીઓ છે.
આજની દુનિયામાં અખબારો અને ટીવી કરતાં પણ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સ એપ વગેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મોની તાકાત બહુ વધી ગઈ છે, કારણ કે જગતના મોટા ભાગના લોકો માહિતી મેળવવા માટે અને મિત્રોના સંપર્કમાં રહેવા માટે આ પ્લેટફોર્મોનો ઉપયોગ કરે છે.
દુનિયાના મોટા ભાગના દેશના વડાઓ અને વિપક્ષી નેતાઓ પણ પોતાના ચાહકોના અને સમર્થકોના સંપર્કમાં રહેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ગૂગલ, ફેસબુક અને એપલની નીતિ એવી છે કે દેશની સરકાર દ્વારા જે કોઈ માહિતી પ્રસારિત કરવામાં આવે તે અંતિમ સત્ય હોય છે. તેના વિરુદ્ધના કોઈ પણ વિચારોને તેઓ લોકો સુધી પહોંચવા દેતા નથી.
દાખલા તરીકે છેલ્લા ૬ મહિનાથી દુનિયામાં કોરોનાના નામે કટોકટી જાહેર કરીને લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે અને હવે મહામારીને દૂર કરવાના બહાને કરોડો લોકોને શંકાસ્પદ રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. યુટ્યૂબ, ફેસબુક, ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ પર જે કોઈ વ્યક્તિ વિશ્વ આરોગ્ય સંસ્થાની નીતિ સામે સવાલ કરે તેના અકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવે છે.
ભારતમાં ડો. બિશ્વરૂપ ચૌધરી, ડો. તરૂણ કોઠારી અને તેમના મિત્રો દ્વારા આ નીતિના વિરોધમાં વીડિયો બનાવીને યુટ્યૂબ પર મૂકવામાં આવ્યા તો તેમની ચેનલ જ ડિલિટ કરી નાખવામાં આવી. આ માટે કારણ આપવામાં આવ્યું હતું કે તેમની પોસ્ટ ગૂગલ અને ફેસબુકની સરકારી વાત માનવાની સત્તાવાર નીતિનો ભંગ કરનારી છે.
ગૂગલ, એપલ અને ફેસબુક જેવી કંપનીઓ અત્યાર સુધી દાવો કરતી હતી કે તેઓ લોકશાહીમાં માને છે અને વિચારોની મુક્ત અભિવ્યક્તિને પ્રોત્સાહન આપે છે. કોઈ પણ લોકશાહીનો પ્રાણ ભિન્ન મતને પ્રોત્સાહન આપવામાં છે.
રશિયા અને ચીન જેવા સામ્યવાદી દેશોની સરકારો દ્વારા ભિન્ન મતને બિલકુલ સાંખી લેવામાં આવતો નથી. સરકારની નીતિઓનો જાહેર વિરોધ કરનારાઓને જેલમાં નાખવામાં આવે છે, અથવા મારી નાખવામાં આવે છે. અમેરિકા જેવા લોકશાહી દેશોમાં પ્રસાર માધ્યમોને પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન મીડિયામાં તેમની સતત ટીકા કરવામાં આવતી હતી; તો પણ સરકારે તેમની સામે સેન્સરશિપના શસ્ત્રનો ઉપયોગ કર્યો નહોતો. તેને બદલે સોશિયલ મીડિયા એટલું શક્તિશાળી બની ગયું છે કે તે અમેરિકાના પ્રમુખ પર સેન્સરશિપ લાદી શકે છે. ભૂતકાળમાં પણ અનેક વખત ફેસબુક અને ટ્વિટર દ્વારા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ ડિલિટ કરવામાં આવી હતી. હવે તેમને કાયમ માટે સોશિયલ મીડિયામાં પોતાના વિચારો મૂકવાથી બાકાત કરવામાં આવ્યા છે.
આજના કાળમાં કોઈ પણ રાજકીય નેતાને સજા કરવી હોય તો તેની હત્યા કરવાની જરૂર નથી. જો તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવે તો તેમની હત્યા જેવી સજા ગણાય છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં અને વિદેશમાં આટલા લોકપ્રિય છે, તેનું એક કારણ એ પણ છે કે ટ્વિટર પર તેમના કરોડો ચાહકો છે અને તેનો ઉપયોગ કરીને તેઓ પોતાની વાત પોતાના કરોડો ટેકેદારો સુધી પહોંચાડી શકે છે.
ભારતના વડા પ્રધાન પણ જો આવતી કાલે ગૂગલ કે ફેસબુકની કોઈ પ્રવૃત્તિનો વિરોધ કરે તો ડોનાલ્ડ ટ્રમ્પની જેમ તેમના પર પણ પ્રતિબંધ આવી શકે છે. ભારતના વડા પ્રધાન હોય કે અમેરિકાના પ્રમુખ હોય; તેઓ કાયમ માટે સત્તા પર રહેવાના નથી. વળી તેમની પાસે પોતાની કોઈ મોટી મૂડી નથી હોતી; જેનો ઉપયોગ કરીને તેઓ દુનિયા પર રાજ કરી શકે.
ગૂગલ, ફેસબુક અને એપલ જેવી કંપનીઓના માલિકો જ્યાં સુધી પોતાની કંપનીઓ વેચીને બહાર ન નીકળી જાય ત્યાં સુધી તેઓ કંપનીઓના સર્વેસર્વા રહેવાના છે. વળી તેમની ગણતરી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં થાય છે. તેમને સત્તાના સ્થાનેથી કોઈ હટાવી શકતું નથી. આ કારણે તેઓ દેશના ચૂંટાયેલા નેતા કરતાં પણ વધુ શક્તિશાળી બની ગયા છે. કેટલીક કંપનીઓનો તો નફો પણ કેટલાક દેશોના જીડીપી કરતાં વધુ હોય છે. તેઓ સરકારોને ગબડાવી પણ શકે છે.
ઇન્ટરનેટ, સ્માર્ટ ફોન અને મોબાઈલને કારણે જગતની રાજનીતિમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. હવે ચૂંટાયેલી સરકારો પ્રજા પર જેટલો કાબુ નથી ધરાવતી તેટલો કાબુ ટેક જાયન્ટ કંપનીઓ ધરાવે છે. હવે ગૂગલ અને વ્હોટ્સ એપ જેવી કંપનીઓને પેમેન્ટ બેન્ક તરીકે પણ ભારતમાં મંજૂરી આપી દેવામાં આવી છે.
ફેસબુક તો પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાનું છે. હવે આ જાયન્ટ કંપનીઓ ભારતમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપીને વર્તમાન બેન્કિંગ સિસ્ટમ સામે પડકાર ઊભો કરશે. ધીમે ધીમે સરકારની માલિકીની બેન્કો ફડચામાં જશે અને ટેક જાયન્ટ કંપનીઓની બેન્કો આપણા અર્થતંત્ર પર કબજો જમાવી દેશે. જો કોઈ દેશના શાસક દ્વારા તેનો વિરોધ કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં તેનું અકાઉન્ટ બ્લોક કરીને તેને સજા કરવામાં આવશે.
ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ ઇરાન અને સાઉદી અરેબિયાના સરમુખત્યારોના અકાઉન્ટ બ્લોક નથી કરતી, પણ સત્તા પર રહેલા અમેરિકન પ્રમુખનું અકાઉન્ટ બ્લોક કરી શકે છે. જો આવતી કાલે જો બાઇડેન પ્રમુખ બન્યા પછી તેમના હિતોની વિરુદ્ધમાં નિર્ણય લેશે તો તેમને પણ સજા કરવામાં આવશે. સમગ્ર દુનિયા આ જાયન્ટ ટેક કંપનીઓની ગુલામ બનવા તરફ જઈ રહી છે.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.